<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ભેદ ખુલ્‍યોઃ મીરા ઉદ્યોગના પટમાં સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરાયા બાદ યુવાનની હત્‍યા કરાઇ હતી

ઓરીસ્‍સાના યુવાને પોતાની સાથે શરીર સંબંધ બાંધનારાનો મોબાઇલ ખેંચવા પ્રયાસ થતાં ડખ્‍ખો થયો હતો :પરમ દિવસે પેન્‍ટ ઉતારાયેલી હાલતમાં લાશ મળી હતીઃ ક્રાઇમ બ્રાંચની ટીમે બે આરોપીને ઉઠાવી લીધા :ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ પરમાર અને ટીમને સફળતાઃ થોરાળા પોલીસ પણ કરી રહી હતી મહેનત

રાજકોટ તા. ૬: શહેરના થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના મીરા ઉદ્યોગ સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ખુલ્લા પ્‍લોટમાંથી પરમ દિવસે ઓરીસ્‍સાના વતની અને હાલ નાડોદાનગરમાં રહી  લાદી ઘસવાની મજૂરી કરતો સુધીર ચોમારૂ સુના (ઉ.વ.૩૫)ની માથામાં પથ્‍થર ફટકારી હત્‍યા કરાયેલી લાશ મળી હતી. શરૂઆતમાં આ યુવાનની ઓળખ થઇ નહોતી. બાદમાં તેની ઓળખ થતાં તેના કિરણ સોસાયટીમાં રહેતાં ભાઇની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન હત્‍યાનો ભેદ ક્રાઇમ બ્રાંચને ઉકેલવામાં સફળતા મળી ગઇ છે. બે શખ્‍સને ઉઠાવી પુછતાછ શરૂ થઇ છે. હત્‍યાનો ભોગ બનનાર સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરી લેવાયા બાદ માથાકુટ થતાં આ હત્‍યા થઇ હતી.

હત્‍યાની ઘટના જાહેર થયા બાદ થોરાળા પોલીસ સ્‍ટેશનાન પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ડી. સ્‍ટાફની ટીમ ભેદ ઉકેલવા મથામણ કરી રહી હતી અને કેટલાક શકમંદોને પણ ઉઠાવ્‍યા હતાં. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ભેદ ઉકેલવા કામે લાગી હતી. દરમિયાન ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર અને તેમની ટીમને ભારે મહેનત બાદ બે શકમંદની કડી મળી હતી. આ બંનેને ઉઠાવી લઇ પુછતાછ કરતાં ભેદ ઉકેલાઇ જવા આવ્‍યો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું કે હત્‍યાનો ભોગ બનનાર સુધીર સુના બે શખ્‍સને સાથે લઇ ગયો હતો અને બાદમાં બધાએ દારૂ પીધો હતો. એ પછી આરોપીએ મૃતક સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચર્યુ હતું. ત્‍યારદબા મૃતકે આરોપીનો મોબાઇલ ખૂંચવી લેવા પ્રયાસ કરતાં ઝઘડો અને ઝપાઝપી થયા હતાં. આ વખતે આરોપીઓએ ત્‍યાં પથ્‍થર પડયો હોઇ સુધીરને માથામાં ઘા ફટકારી દીધા હતાં. જેના કારણે તેનું મોત થયું હતું. એ પછી બંને ભાગી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે લાશ મળી ત્‍યારે મૃતકનું પેન્‍ટ ઉતારાયેલુ હોઇ સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરાયાની શંકા ઉદ્દભવી હતી. જે ભેદ ઉકેલાઇ જવાની સાથે સાચી ઠરી છે. 

(3:27 PM IST)