<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

પ્રતિક ચંદારાણા સહિતની ત્રિપુટીએ વિપુલ ચોૈહાણનું અપહરણ કરી બેફામ ફટકારી રોકડ, ફોન લૂંટી લીધા

દારૂની બોટલના ૧૦૦૦ બાકી હોઇ ફોનમાં બોલાચાલી ગાળાગાળી થયા બાદ ઘર પાસેથી ઉઠાવી યાર્ડમાં અને બાદમાં માનસરોવરના કારખાનામાં લઇ જઇ ધોકા-પાઇપના ઘા ફટકાર્યાઃ બેઠક પર, પગમાં ચાંભા પડી ગયા

રાજકોટ તા. ૬: શહેરમાં નામચીનની છાપ ધરાવતાં શખ્‍સે વધુ એક વખત પોત પ્રકાશ્‍યું છે. અગાઉ દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સે આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર વિસ્‍તારમાં રહેતાં યુવાનનું દારૂની બોટલના બાકી નીકળતા પૈસા મામલે તેના ઘર નજીક માર મારી સ્‍કોર્પીયો ગાડીમાં અપહરણ કરી યાર્ડમાં લઇ જઇ ત્‍યાં પણ ફટકારી તેમજ રોકડા, મોબાઇલ ફોન પડાવી લઇ બાદમાં છોડી મુકતાં એક દિવસ ઘરે રહ્યા બાદ આ યુવાન આજે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે. જેના બંને પગ, બેઠકના ભાગે મારના નિશાન પડી ગયા છે.

જાણવા મળ્‍યા મુજબ માંડાડુંગર પાસે રહેતો વિપુલભાઇ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૧) નામનો યુવાન આજે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. તેને બેઠક પર, બંને પગમાં મારના ચાંભા હોઇ તબિબે પુછતાછ કરતાં મારકુટ થયાનું કહેતાં પોલીસ ચોકીમાં જાણ કરાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં વિપુલભાઇએ પોતાને પ્રતિક ચંદારાણા, કૃણાલ, હિરેન સહિતે પહેલા ઘર પાસે ધોકા-પાઇપથી ફટકારી બાદમાં સ્‍કોર્પિયોમાં નાંખી અપહરણ કરી માર્કેટ યાર્ડમાં લઇ જઇ લોખંડ અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી મારકુટ કર્યાનું કહેતાં આ મુજબની નોંધ આજીડેમ પોલીસમાં કરાવવામાં આવી હતી.

વિપુલભાઇએ હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું ઘડીયાળનું કારખાનુ ચલાવુ છું. દસેક દિવસ પહેલા મેં દારૂની બોટલ લીધી હોઇ તેના ૧૦૦૦ ચુકવવાના બાકી હતાં. આ રકમ મામલે મારે પ્રતિક સાથે ફોનમાં ગાળાગાળી થઇ હતી. તેણે ધમકી આપી હોઇ હું ડરી જવાથી ઘરમાંથી નીકળતો નહોતો. દરમિયાન પરમ દિવસે તા. ૪ના રોજ મને પ્રતિકે ફોન કરી કહ્યું હતું કે હવે તારુ લોકેશન મળી ગયું છે. બાદમાં હું રાતે સાડા દસેક વાગ્‍યે ઘર નજીક શક્‍તિ ટી સ્‍ટોલ એન્‍ડ પાન ખાતે ફાકી ખાવા ગયો ત્‍યારે પ્રતિક સહિત ત્રણ સ્‍કોર્પિયો લઇને ત્‍યાં જ ઉભા હોઇ પહેલા મને ધોકા-પાઇપથી ફટકારી પછાડી દીધો હતો અને બાદમાં ગાડીમાં નાખી યાર્ડની અંદર છેલ્લે લઇ જઇ ત્‍યાં બેફામ મારકુટ કરી હતી.

આ પછી મને માનસરોવર સોસાયટીમાં કોઇ કારખાનામાં લઇ જઇ ત્‍યાં ગોંધી રાખી ત્‍યાં પણ પ્‍લાસ્‍ટીક, લોખંડના પાઇપથી બેઠક પર તેમજ બંને પગમાં બેફામ માર માર્યો હતો. એ પછી કોઇ છોકરી સાથે મને રાખે ફોટા પાડી જોઇ ફરિયાદ કરીશ તો તારા આ ફોટા વાયરલ કરી દઇશું તેવી ધમકી આપી હતી. બાદમાં હું બેભાન જેવો થઇ જતાં કોઇ ડોક્‍ટરને બોલાવી મોડી રાતે મને સારવાર અપાવી હતી. એ પછી મારી પાસેથી ૩૪૦૦ રોકડા અને ૧૦ હજારનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો અને મને જવા દીધો હતો. હું ડરી ગયો હોઉ એક દિવસ ઘરે જ રહ્યો હતો. આજે દુઃખાવો વધી જતાં સારવાર માટે આવ્‍યો હતો. તેમ વધુમાં વિપુલભાઇએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રતિક અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. 

(3:32 PM IST)