News of Thursday, 7th August 2025
બેડીની બકાલા માર્કેટમાં મીનાબેન પર પતિ મહેશ મહાલીયાનો ધારીયાથી હુમલો
તું કેમ અહિ રહેવા આવી ગઇ? કહી તૂટી પડયો થોરાળા વિજયનગરના મહિલા દોઢેક મહિનાથી દિકરી, દિકરા સાથે બેડી રહેવા આવી જતાં પતિને ન ગમ્યું: કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: નવા થોરાળા વિજયનગરના મહિલા દિકરા દિકરી સાથે હાલમાં પતિથી અલગ બેડી ગામે રહેવા ગયા હોઇ પતિએ બેડીની બકાલા માર્કેટમાં પત્નિ-દિકરીને આંતરી તું કેમ અહિ રહેવા આવી ગઇ? કહી ધારીયાથી હુમલો કરી પત્નિને લોહીલુહાણ કરી નાંખતા સારવાર લેવી પડી હતી.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે બેડી ગામે વણકરવાસમાં રહેતાં અને નવા થોરળા વિજયનગર સોસાયટીમાં પણ રહેણાંક ધરાવતાં મીનાબેન પ્રકાશભાઇ મહાલીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી થોરળાા વિજયનગરમાં રહેતાં તેના પતિ પ્રકાશભાઇ ખેંગારભાઇ મહાલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મીનાબેન મહાલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. મારા લગ્ન મહેશ ખેંગારભાઇ મહાલીયા સાથે ત્રેવીસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં મારે એક દિકરો અને એક દિકરી છે. આ બંને સંતાન મારી સાથે રહે છે. મારા પતિ છેલ્લા દોઢ મહિનાથી અલગ રહે છે. તા. ૫/૮ના રોજ સાંજે સાડા છએક વાગ્યે હું અને દિકરી પ્રગતિ જે ત્રેવીસ વર્ષની છે અમે બંને બેડી ગામના મેઇન રોડ પર આવેલી બકાલા માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતાં અને ત્યાંથી પરત ઘર તરફ જતાં હતાં ત્યારે પતિ પ્રકાશ રસ્તામાં ભેગો થઇ ગયેલ. તેના હાથમાં ધારીયા જેવુ હથીયાર હતું.
પતિ પ્રકાશે ‘તું કેમ અહિ રહેવા આવી ગઇ?' તેમ કહી ઝઘડો કરી ધારીયાથી હુમલો કરતાં જમણા ખભા અને કોણીમાં તથા હાથના પોચામાં ઇજાઓ થઇ હતી. માણસો ભેગા થઇ જતાં પતિ ભાગી ગયો હતો. મારી દિકરીએ ૧૦૮ બોલાવતાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ હાથના પોચામાં આઠ ટાંકા લેવા પડયા હતાં. સારવાર બાદ હવે મેં ફરિયાદ નોંધાવી છે. દોઢેક માસથી મારા પતિથી અમે અલગ રહેવા આવી ગયા હોઇ જેના કારણે તેને સારુ ન લાગતાં તેણે હુમલો કર્યો હતો. તેમ વધુમાં મીનાબેને કહેતાં એએસઆઇ એમ. એમ. આજગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:49 PM IST)










