News of Thursday, 7th August 2025
વોકળાઓમાં RCC ફલોરીંગ ન કરો મનપામાં પાણીના તળ ઊંચા લાવવા રજૂઆત
જમીનમાં પાણીનું કુદરતી રિચાર્જિંગ બંધ થઇ જાય તેવી શકયતાઓ વ્યકત કરતું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ

રાજકોટ તા. ૭: જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા ચેકડેમ બનાવવા બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, ખાડા વગેરે જેવા ૧,૧૧,૧૧ સ્ટ્રકચરને તૈયાર કરવાના સંકલ્પને વરેલી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટે જળસંચય માટે મનપામાં પત્ર લખી રજુઆત કરી છે.
રજૂઆત મુજબ રાજકોટના વોંકળાઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા RCC કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ વરસાદી પાણીનું કુદરતી રિચાર્જ બંધ થઇ જશે, રાજકોટના ભૂગર્ભ જળ આમ પણ ખૂબ ઊંડા ઊતરી ગયા છે, ત્યારે આ પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શકયતા નકારી શકાતી નથી લગભગ ૬ર કિલોમીટરના વિસ્તારમાં વસેલા રાજકોટ મહદઅંશે ડામર રોડ અને RCC બ્લોકથી મઢાયેલું છે, જેને પરિણામે રાજકોટમાં વરસાદી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરવાની શકયતા નહિંવત બની રહી છે.
હવે જો વોંકળાઓને પણ RCC રિચાર્જિંગના સંદર્ભમાં બંધ કરી દેવામાં આવશે તો વરસાદનું તમામ પાણી વોંકળાઓમાં વહીને અંતે દરિયામાં જતું રહેશે પાણીના અનુસંધાને રાજકોટની મુખ્યત્વે બે સમસ્યાઓ છે, એક તો બે ત્રણ ઇંચ વરસાદમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે બીજું વરસાદ જતો રહે ત્યારબાદ જળસંચયની વ્યવસ્થાનો અભાવ છે, ગત વર્ષે સાતમ આઠમના તહેવારમાં ત્રણ દિવસમાં રાજકોટમાં ૩ર ઇંચ જેટલો વરસાદ પડી ગયા બાદ પણ ઉનાળામાં શહેરની ૧૦% સોસાયટીમાં ટેન્કરો ચાલુ કરવાની ફરજ પડી હતી.
આ તમામ સમસ્યાનો એકમાત્ર ઉકેલ જળસંચય અને તળ રિચાર્જિંગ છે, તે વાતને ધ્યાને લઇને કુદરતી પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરે અને શહેરના પાણીના તળ વધુ ઉંચા આવે તેમજ શહેરની સમસ્યા હળવી બને તે હેતુથી શહેરના વોંકળાઓ તળિયે RCC ફલોરિંગ ન કરવા પત્રના અંતમાં જણાવાયું છે
(2:38 PM IST)










