News of Thursday, 7th August 2025
લોકમેળામાં SDRF-NDRFની ટીમો તૈનાત રહેશે
પત્રકારો સમક્ષ કલેકટરની જાહેરાતઃ પાંચ વોચ ટાવરઃ સ્ટોલ અંગે મેળો હાઉસફુલઃ ર૦૭ સ્ટોલ વેચાયાઃ ૧ર સ્ટોલ સંસ્થાને આપી દેવાશે : ખ્યાતનામ કલાકારો અંગે પણ જાહેરાતઃ રાજકોટ સૌરાષ્ટ્રના પ૦ જેટલા ઉભરતા સીંગરોને ખાસ સ્ટેજ પરફોર્મન્સ માટે તક અપાશે : મેળામાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગઃ ક્રાઉડ ઉપર ખાસ વોચ રાખશે, મેળામાં મોટી રાઇડનું ઝડપી ઇન્સ્ટોલેશન કરવા હુકમો : આ વખતે લોકમેળામાં ૧પ લાખ લોકો ઉમટી પડે તેવો કલેકટર-પોલીસ તંત્રને આશાવાદ-૭૦ ટકા સ્ટોલ ધારકોને એલોટમેન્ટ લેટર અપાઇ ગયાઃ કાલે કલેકટર દ્વારા લોકમેળા મેદાનનું નિરિક્ષણ : ધાર્મિક દબાણો અંગે નિયમો મુજબ કાર્યવાહી થઇ રહી છેઃ દર મીટીંગમાં સમીક્ષા તથા દરેક પ્રાંતને આ બાબતે ખાસ સત્તા અપાઇ છે...

રાજકોટ તા. ૭: રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારો સમક્ષ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી ૧૪મીથી શરૂ થતા લોકમેળામાં લોકોની સૂરક્ષા અને કોઇપણ ડીઝાસ્ટરને પહોંચી વળવા SDRF અને NDRFની ટીમો તૈનાત રખાશે, પાંચ વોચ ટાવર તથા અન્ય સ્થળો ઉપર આ જવાનો તૈનાત રહેશે.
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ ૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મોટાભાગના સ્ટોલ અંદાજે ર૦૭ સ્ટોલ વેચાઈ ગયા છે. માત્ર હવે ૧પ જેટલા સ્ટોલના જ બાકી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના સ્ટોલો વેચાઈ જતાં તંત્ર એ હાસકારો અનુભવ્યો છે.
કલેકટરે ઉમેર્યું કે, લોકમેળા દરમિયાન તારીખ ૧૪ થી ૧૮ દરમિયાન વિવિધ કાર્યક્રમો જમાવટ કરશે જેમાં તારીખ ૧૪ મીના રોજ અમદાવાદનું અઘોરી ગ્રુપ, ૧પમીએ અલ્પા પટેલ, તારીખ ૧૬ મીના રાજુ, તારીખ ૧૭ મીના રોજ રાજ ગઢવી તેમજ ૧૮મીએ અનિરુદ્ધ આહિર સહિતના કલાકારો જમાવટ કરશે
આ ઉપરાંત લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૫૦ જેટલા ઉભરતા સિંગરોને ખાસ સ્ટેજ પરફોર્મન્સ માટે તક આપવામાં આવશે. કલાકારોનો કાર્યક્રમ સવારના ૪ થી ૮ કલાક દરમિયાન આયોજિત કરવામાં આવશે
કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટના લોકમેળામાં ૧૦ થી ૧૨ લાખ લોકો મેળો માણવા માટે ઉમટતા હોય છે ત્યારે જેમની સુરક્ષા માટે આ પ્રથમ વખત વખતે ખાસ AI ટેકનોલોજીનો સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે તેમ જ ભીડ કન્ટ્રોલ કરવા માટે પણ પાંચ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે જેમાં NDRF, SDRF તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ તૈનાત કરવામાં આવશે.
આ વખતે ખાસ AI ટેકનોલોજીથી લોકોની ભીડ પર નજર રાખવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવશે આ અંગે પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખની એ છે કે રાજકોટના લોકમેળામાં આ વખતે ૧૫ લાખથી પણ વધુ લોકો આવે તેવી પોલીસને શકયતા છે જેને લઇ અગાઉથી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.
કલેકટરે ઉમેર્યું હતું કે રમકડા, આઇસ્ક્રીમ, નાની ચકરડી, મોટી ખાણીપીણી, મધ્યમ ચકરડી, ટીછ સ્ટોલ, યાંત્રિકના સ્ટોલ સંસ્થાને અપાયા છે, મોટે ભાગે મેળો સ્ટોલ અંગે હાઉસફુલ બની ગયો છે, ૬૦ થી ૭૦ ટકા લોકોને એલોટમેન્ટ, ફોટાવાળા આઇડી કાર્ડ પણ અપાયા છે, મેળાનું નામ આજે સાંજે અથવા તો કાલે જાહેર કરાશે, ફુલ પ્રુફ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ધાર્મિક દબાણો અંગે પ્રાંતને કડક કાર્યવાહીની સૂચનાઃ સત્તા અપાઇ
ધાર્મિક દબાણોનો પ્રશ્ન ઉખળતા કલેકટરે ઉમેર્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન નિયમો મુજબ અમે નોટીસો-દબાણો હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છીએ, દરેક મીટીંગમાં આ નિર્ણયો લેવાય છે, તેમજ દરેક પ્રાંતને પણ કડક કાર્યવાહી કરવાની અને ધાર્મિક દબાણો હટાવવા અંગે સત્તા અપાયાનું કલેકટરે ઉમેર્યું હતું. (૭.૩૦)
(2:45 PM IST)










