News of Thursday, 7th August 2025
ધ ફર્ન હોટેલના રૂમમાં પીસીબીનો દરોડોઃ દિલ્હી, રાજકોટના પાંચ વેપારી પત્તા ટીચતા પકડાયા : ૧.૪૭ લાખ રોકડા કબ્જે
અલગ અલગ સ્થળે જૂગારના ૪ દરોડામાં ૨૪ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા : તાલુકા પોલીસે મટુકી પાછળ વાડીમાં ઝાડવા નીચે જૂગાર રમતાં ૭ને, ડીસીબીએ યાર્ડ પાસેથી ૭ને અને થોરાળા પોલીસે શિવાજીનગરમાંથી ૦૫ને દબોચ્યાઃ કુલ ૨,૦૭,૩૦૦ની રોકડ અને ૧ા લાખના મોબાઇલ ફોન કબ્જે

રાજકોટ તા. ૭: જૂગારના દરોડાના દોર વચ્ચે વધુ ચાર દરોડા પાડી ૨૪ શખ્સોને પકડી લઇ ૨,૦૭,૩૦૦ની રોકડ કબ્જે કરાઇ હતી. પીસીબીની ટીમે કુવાડવા રોડ ડિલક્સ ચોકમાં આવેલી ધ ફર્ન હોટેલના રૂમમાં દરોડો પાડી દિલ્હી-રાજકોટના ૦૫ વેપારીને જૂગટુ ખેલતા ઝડપી લીધા હતાં. ડીસીબીની ટીમે યાર્ડ નજીક ખટારા સ્ટેન્ડમાં જાહેરમાં પત્તા ટીચતા ૭ને, થોરાળા પોલીસે શિવાજીનગરમાં જાહેરમાં રમતાં ૦૫ને અને તાલુકા પોલીસે મટુકી પાછળ વાડીમાં દરોડો પાડી ઝાડવા નીચે બેસી જૂગાર રમતાં ૭ને પકડયા હતાં.
પીસીબીની ટીમે ડીલક્સ ચોક પાસે આવેલી ધ ફર્ન રેસીડેન્સી હોટેલના ત્રીજા માળે રૂમ નં. ૩૨૪માં દરોડો પાડી વિકાસ મહેશચંદ્ર અગ્રવાલ (રહે. વેસ્ટ ગોરખા પાર્ક-૩-જે, સહાદરા દિલ્હી-૩૨), રાજેશ ધીરૂભાઇ ડાંગર (રહે. મોરબી રોડ વેલનાથપરા કૈલાસપાર્ક-૪), અશ્વિન ભાનુભાઇ સોનારા (રહે. ઓમ શાંતિ પાર્ક-૧, સેટેલાઇટ ચોક મોરબરી રોડ), રવિ રસિકભાઇ રાજાણી (રહે. રણછોડનગર-૨૬ પેડક રોડ) અને અજય નટવરલાલ મીઠીયા (રહે. અમીન માર્ગ ફુટકોર્ટ શેરી, આશ્રય એપાર્ટમેન્ટ બ્લોક-૨)ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧,૪૭,૦૦૦ રોકડા અને ૪ મોબાઇલ ફોન રૂા. ૧,૨૫,૫૦૦ના મળી કુલ રૂા. ૨,૭૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ.દેવરાજભાઇ કળોતરા, એએસઆઇ સંતષોભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, કોન્સ. હિરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે ધ ફર્ન રેસિડેન્સી હોટેલના ત્રીજા માળે રૂમ નં. ૩૨૪ જે દિલ્હીના વિકાસ અગ્રવાલે ભાડે રાખ્યો છે તે બહારથી માણસો બોલાવી જૂગાર રમાડે છે. બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં વિકાસ સહિતના પાંચ જૂગાર રમતાં પકડાઇ ગયા હતાં. દિલ્હીનો વિકાસ ઇમિટેશનનો વેપારી હોઇ તે માલસામાન લેવા રાજકોટ આવતો જતો રહે છે. આ વખતે હોટેલમાં માણસો ભેગા કરી જૂગાર રમાડવાનું ચાલુ કરી દીધુ હતું. ઝડપાયેલા બીજા શખ્સો ટ્રાન્સપોર્ટ, દૂધ, કરિયાણા અને ઇમિટેશનના વેપારી છે. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એમ. જે. હુણ, સંતોષભાઇ મોરી સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.
જ્યારે બીજા દરોડામાં ડીસીબીની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિે ડામવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, હેડકોન્સ. ક્રિપાલસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સંત કબીર રોડ માર્કેટ યાર્ડ નજીક ખટારા સ્ટેન્ડમાં આશાપુરા ટી સ્ટોલ સામે જાહેરમાં જૂગાર રમાઇ રહ્યો છે. તેના આધારે દરોડો પાડી રમેશ કાળુભાઇ મુંધવા (રહે. ગોકુલનગર-૫ સંત કબીર રોડ), દિલાવર જમાલભાઇ પઠાણ (રહે. રસુલપરા મદ્રેસા પાસે), ધર્મેશ બચુભાઇ કારેઠા (રહે. ગોકુલનગર-૫/૬, સંત કબીર રોડ), શૈલેષ માવજીભાઇ ગોરી (ગોકુલનગર-૭, આવાસના મકાન સામે), નવઘણ મશરૂભાઇ ગમારા (રહે. ડોસલીધુના તા. ચોટીલા), અનિલ લક્ષમણભાઇ વાડેચા (રહે. સાગરનગર-૨) અને વિશાલ મનસુખભાઇ ઝાપડા (રહે. નવાગામ રામાપીર મંદિરવાળી શેરી)ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૪૪૦૦ની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતની રાહબરીમા બાતમી મળી તે ટીમ તથા સાથેના પ્રતિકસિંહ રાઠોડ, તુલસીભાઇ ચુડાસમા સહિતે દરોડો પાડયો હતો. ં
જ્યારે ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે મવડી ક્રિષ્ના બંગલોઝની બાજુમાં મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા રામજીભાઇ રવજીભાઇ સોરઠીયાની વાડીમાં દરોડો પાડી ત્યાં આવેલી ઓરડી નજીકના ઝાડ નીચે બેસી જૂગાર રમી રહેલા રામજી રવજીભાઇ સોરઠીયા કરહે. નાના મવા સાકેત પાર્ક-૨), સંજય લાખાભાઇ ભુવા (રહે. રાણી પાર્ક-૫, મવડી ૪૦ ફુટ રોડ), રાજુ રઘુભાઇ રામાણી (રહે. મવડી ગામ તળ), લલીત વસ્તાભાઇ રામાણી (રહે. શ્રીનાથજી પાર્ક-૧, ૪૦ ફુટ રોડ), ઉમેશ હર્ષરાજભાઇ દેસાઇ (રહે. દિવાળી પાર્ક-૩, ૮૦ ફુટ રોડ વાવડી) અને સંજય ગોવિંદભાઇ ભુવા (રહે. રાણી પાર્ક-૨ રામધણ પાછળ)ને જાહેરમાં જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૩૪૦૦ની રોકડ કબ્જે કરી હતી. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મયુરભાઇ ઠાકર, સલીમભાઇ માડમ, જનકસિંહ ગોહિલને બાતમી મળતાં પીએસઆઇ કે. એચ. કારેણા સહિત દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો.
ચોથા દરોડામાં થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહેશભાઇ સોલંકી, કોન્સ. રાકેશભાઇ બાલાસરાને બાતમી મળતાં શિવાજીનગર રોડ પર દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં વિપુલ મનસુખભાઇ કંટેસરીયા (રહે. અંકુર રોડ, અંકુર વિદ્યાલય પાસે), કૃણાલ ભરતભાઇ પેશાવરીયા (રહે. ગુરૂદેવ એપાર્ટમેન્ટ, ઇમ્પિરીયલ હોટલ સામે), મહેશ મનસુખભાઇ ડાભી (રહે. શિવાજીનગર-૨૧, ભાવનગર રોડ), અજય ધર્મેશભાઇ મકવાણા (રહે. શિવાજીનગર-૧૨) અને સંજય દેવજીભાઇ ચાવડા (રહે. શિવાજીનગર-૨૧)ને પકડી લઇ રૂા. ૧૨૫૦૦ કબ્જે લીધા હતાં. પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની રાહબરીમાં આ કામગીરી કરી હતી. (૧૪.૮)
(2:46 PM IST)










