News of Thursday, 7th August 2025
બસ સ્ટેશનમાં ખાડા અને બસની અંદર પણ ખાડાઃ જામનગર-રાજકોટ બસમાં અનેક મુશ્કેલીઓ
એસ ટી મુસાફર હિતરક્ષક સમિતિની જામનગર ડેપો મેનેજરને ફરીયાદ.. રૂટ બોર્ડ હતું નહી : સફાઇનો અભાવઃ કંડકટર પાસે ફરિયાદ બુક નહોતી..

રાજકોટ, તા.૭ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા અને મુસાફર હિત રક્ષક સમિતિના સભ્યો એડવોકેટ ઈન્દુભા રાઓલ દિલીપભાઈ આસવાણી નાગજીભાઈ વિરાણી સહિતના પ્રતિનિધિઓ દ્વારા એસ.ટી બસપોર્ટ પર બસોમાં મુસાફરોને મળતી દુવિધા અંગે નિંભર એસ.ટી તંત્રને ઢંઢોળે છે. નિયમિત સમયાંતરે રાજ્યના ૨૯ લાખ મુસાફરો માટે અને રાજકોટના બસપોર્ટ ના ૮૦ હજાર મુસાફરોને પડતી હાલાકી અંગે સંબંધિત ડેપો મેનેજરો, વિભાગીય નિયામકો, ગુજરાત રાજ્ય એસ.ટીના એમ.ડી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને છેક મુખ્યમંત્રી સુધી સતત રજૂઆતો કરી રહ્યા છે. જે તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે.
આજરોજ સવારે ૯-૪૫ કલાકે ઉપડેલી જામનગર ડેપોની બસ નંબર GJ-18Z 3395 મીની બસ કાલાવડ-રાજકોટ-જામનગર જામનગર પ્લેટફોર્મ નંબર ૧૧ પર હતી ત્યારે આ બસમાં રૂટ બોર્ડ હતું જ નહીં ચોક થી દેખાય નહીં તે પ્રકારે લખાણ કાલાવડ રાજકોટ જામનગર લખેલ હતું. જેમાં પણ કાલાવડ તો સાવ ઝાંખું હતું કે જે પ્રથમ નજરે તમને દેખાય નહીં બસની અંદર બારી નંબર ૧૩-૧૪ પાસે મોટો હોલ હતો બાળક જ્યારે બારી પર બેસવા જાય ત્યારે આ હોલ ની અંદર પગ ફસાઈ જાય અને લોહી લુહાણ થઈ જાય કારણ કે તે હોલ હતો એ સીધો જ બસમાંથી રસ્તા સુધીનો હતો એટલે નીચે બધું આરપાર દેખાતું હતું અને મુસાફરોનો સામાન પણ ધ્યાન ન રહેતો બસમાંથી સીધો હાઇવે રસ્તા પર જતો રહે અને આ મોટા હોલ ને પગલે ખાસ કરીને રાત્રે બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે જોખમી સાબિત થાય તેમ છે. રસ્તા પર પણ ખાડા, બસ સ્ટેશનમાં પણ ખાડા, બસની અંદર પણ ખાડા વિકાસ હવે પૂરપાટ ગતિએ ચાલી રહ્યો છે. આ બસમાં વાઇપર પણ બંધ હાલતમાં હતું બસમાં સાફ-સફાઈ નો અભાવ હતો ત્યાં કચરો અપરંપાર હતો કંડકટર પાસે ફરિયાદ બુક હતી નહીં કારણ કે દરેક કંડક્ટરોને ડેપો મેનેજરો ફરિયાદ બુક આપતા નથી જો ફરિયાદ બુક આપે તો મુસાફરો ફરિયાદ કરે એટલા માટે ફરિયાદ બુક અપાતી નથી અને ઓનલાઇન ફરિયાદ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.
જામનગર ડેપોની બસની ત્રુટીઓ અંગે જામનગર ડેપો મેનેજરને અને જામનગર વિભાગીય નિયામકને ગુજરાત રાજ્ય એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દ્વારા લેખિત ફરિયાદ કરી બસપોર્ટ પર પરથી ટેલીફોનિક ફરિયાદ કરી છે જે પગલે જામનગરના ડેપો મેનેજર દ્વારા અંગે બસ જામનગર આવતા જ તાત્કાલિક જે કાંઈ ત્રુટીઓ છે તેનું નિરાકરણ કરવા ખાતરી આપવામાં આવી છે.
(2:52 PM IST)










