News of Thursday, 7th August 2025
સફાઇ કામદારોની કાયમી ભરતીના નિયમોમાં વિસંગતતા દુર કરો :કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ
રાજકોટ કામદાર યુનિયનની આગેવાનીમાં મોટી સંખ્યામાં કામદારો ઢોલ-નગારા સાથે મનપા કચેરીમાં ઉમટયાઃ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ : તા.૭: શહેરમાં સફાઇ કામદારોની કાયમી ભરતી અંગે રાજકોટ કામદાર યુનીયન દ્વારા વારંવાર રજૂઆત કરાઇ હોવા છતા કોઇ નિવેડો ન આવતા આજે ઢોલ, નગારા, સાવરણા સાથે કોર્પોરેશન ચોકમાં ૩૦૦ લોકો એકઠા થતા થોડીવાર માટે ટ્રાફીમ જામ થયો હતો. ત્યારબાદ મ્યુ. કમિશનરને આ અંગે આવેદન પાઠવાયું હતું.
આવેદન મુજબ અમારા યુનીયન દ્વારા છેલ્લા એક વર્ષથી કાયમી સફાઈ કામદારોની ભરતીમાં પડતી મુશ્કેલી અંગે અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. કોર્પોરેશન કચેરીમાં લેખિત આવેદનો, વાટાઘાટો અને માનવ અધિકાર આધારિત અરજીપત્રો આપવામાં આવ્યા છે.
તમામ પ્રયાસો છતા તંત્ર દ્વારા સમયાંતરે ઘોષીત ભરતી પ્રક્રિયાઓમાં ભારતના બંધારણની મુળભુત જોગવાઈઓનો ભંગ કરવામાં આવી રહયો છે. અમુક નિયમો એવા છે જે માત્ર અમુક વર્ગો કે વારસદારોને ફાયદો કરે છે અને અન્ય લાયક ઉમેદવારો સાથે ન્યાય થતો નથી.અમે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છતાં પ્રતિસાદ માત્ર વચન પૂરતા રહયા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ૫૩૨ પાર્ટ ટાઈમ કાયમી સફાઈ કામદારોની ભરતીમાં જે રીતે અન્યાય થાય છે તેમાં ‘અમો અત્યાર સુધી ઘણા વખતથી રજુઆતો કરી છે.પાઠવેલ પત્રના અંતમાં જણાવ્યુ હતું કે, તાત્કાલીક હાલની ભરતીમાં ગેરબંધારણીય અને અસંવિધાનીક નિયમો પ્રક્રિયા રદ કરવામાં આવે. હાલ ફોર્મની ચકાસણી બંધ કરવામાં આવે, ગેરબંધારણીય નિયમો હટાવવામાં આવે અને તમામ લાયક નાગરીકોને ન્યાય મળતો થાય તે રીતે નિયમિતતા બનાવવામાં આવે, પૂર્વ રજુઆતના દસ્તાવેજો અને પુષ્ટિ સાથે ચકાસણી કરીને યોગ્ય ન્યાય આધારિત નિર્ણય લેવામાં આવે સહિતના મુદે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
(3:04 PM IST)










