News of Thursday, 7th August 2025
નાનામવા સર્કલ કૈલાસ સોસાયટીમાં દેરાણી-જેઠાણી ફિનાઇલ પી ગયા
ભરણપોષણના કેસના સમાધાન મામલે ચાલતાં મનઃદુખનો ડખ્ખો વકર્યો :સિતાજી ટાઉનશીપમાં રહેતાં ચંદ્રિકાબેન પરમારે પતિ વિરૂધ્ધ કેસ કરેલો છેઃ કૈલાસ સોસાયટીમાં દેરાણી કુસુમબેનના ઘરે જતાં માથાકુટઃ ફિનાઇલ પાઇ દેવાયાનો આક્ષેપઃ દેરાણી કુસુમબેન પણ પી જતાં સારવારમાં

રાજકોટ તા. ૭: શહેરના નાના મવા રોડ પર કૈલાસ પાર્કમાં દેરાણીના ઘરે દેરાણી-જેઠાણી વચ્ચે જુના કેસ મામલે ચાલતા મનદુઃખમાં માથાકુટ થતાં બંને ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિથી વધુ સારવાર માટે જેઠાણીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. દેરાણીએ સમાધાનની વાત કરવા બોલાવ્યા બાદ તેના સહિતનાએ ફિનાઇલ પાઇ દીધાનો આક્ષેપ થયો હતો. જો કે દેરાણીના કહેવા મુજબ જેઠાણી પોતે જ બોટલ લઇને આવ્યા હતાં અને પી ગયા હતાં, બાદમાં હું પણ પી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સિતાજી ટાઉનશીપમાં રહેતાં ચંદ્રીકાબેન ઉપેનભાઇ પરમાર (ઉ.વ.૩૨) નામના મહિલા રાતે સાડા અગિયારેક વાગ્યે નાના મવા સર્કલ કરણ પાર્ક નજીક કૈલાસ સોસાયટીમાં પોતાના દેરાણી કુસુમબેનના ઘરે હતાં ત્યારે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બીજી તરફ દેરાણી કુસુમબેન કલ્પેશભાઇ પરમાર (ઉ.વ.૩૩) પણ ફિનાઇલ પી ગયા હોઇ તેમને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બંને બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ માલવીયાનગર પોલીસને કરી હતી. દરમિયાન જેઠાણી ચંદ્રીકાબેન પરમારને રાતે વધુ સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ચંદ્રિકાબેનના સગાએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું હતું કે-ચંદ્રીકાબેને પતિ ઉપેન પરમાર વિરૂધ્ધ ભરણપોષણનો કેસ કરેલો છે. હાલ ચંદ્રીકાબેન અમદાવાદ તેમજ રાજકોટ સિતાજીનગરમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે. તેને સંતાનમાં એક આઠ વર્ષની દિકરી છે. કેસના સમાધાન બાબતે વાત કરવા અને પૈસા લઇ જવાનું કહી દેરાણી, દિયર, સાસુ, સસરા સહિતે રાતે ચંદ્રિકાબેનને કૈલાસ સોસાયટીમાં બોલાવ્યા હતાં. જ્યાં માથાકુટ થતાં તેને ફિનાઇલ પીવડાવી દેવાઇ હતી. બાદમાં તેના દેરાણી પણ ફિનાઇલ પી ગયા હતાં.
જો કે બીજી તરફ સિવિલ હોસ્પિટલના બિછાનેથી દેરાણી કુસુમબેન પરમારે કહ્યું હતું કે જેઠાણી જુના કેસ બાબતે વાત કરવા દિકરીને લઇને અમારી ઘરે આવ્યા હતાં. હાલમાં સાસુ, સસરાને હું અને મારા પતિ સાચવીએ છીએ. મારી સાથે ઝઘડો કરી જેઠાણી પોતાની સાથે ફિનાઇલની બોટલ લાવ્યા હોઇ તેમાંથી પી ગયા હતાં અને દિકરીને પીવડાવવા પ્રયાસ કરતાં અમે બોટલ ખેંચી લીધી હતી. પછી તે રૂમમાં પુરાઇગયા હતાં. માથાકુટ થતાં જેઠાણીએ ફિનાઇલ પીધી પછી મેં પણ પી લીધી હતી. માલવીયાનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(3:11 PM IST)










