<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

વન-ડે-વન કાર્યક્રમઃ ૩ વોર્ડમાં મચ્‍છર ઉત્‍પતી સબબ ૪૭૬ને નોટીસ

મનપાના મેલેરીયા વિભાગ દ્વારા ૬૧,૬૩૦ ઘરની મુલાકાતનો દાવોઃ ર૭૪ વ્‍યકિતઓના લોહીના નમુના લેવાયા

રાજકોટ, તા., ૭: ચોમાસાની ઋતુને ઘ્‍યાને લઇને વાહકજન્‍ય રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્‍યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૪ થી વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૧ થી વાહક નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તા.૬  સુધીમાં વોર્ડ નં. ૧, ર અને ૪ માં કામગીરી કરવામાં આવતા ૩ વોર્ડમાં કુલ ૬૧,૬૩૦ ઘરની મુલાકાત લેવામાં આવી હોવાનો મનપા તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્‍યો છે.

આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્‍ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્‍ડવર્કર, મલ્‍ટી પરપર્સ હેલ્‍થ વર્કર, અર્બન ASHA તથા ફોગિંગ ટીમો ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી - જુદી પ્રવળતીઓ કરાવવામાં આવી રહી છે.

જેમાં ૩ વોર્ડમાં ૬૧,૬૩૦ ઘરની મુલાકાત લઇ  ર લાખ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૨૮૩૪ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા ૧૭૦૦ ઘરમાં ઇન્‍ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. ૬૪૨ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૭૬ નોટીસ આ૫વામાં આવેલ છે. ૨૭૪ વ્‍યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે. 

આ ઝુંબેશ દરમ્‍યાન લગત વોર્ડમાં ૫દાધિકારી, કોર્પોરેટરો અને સ્‍થાનિક આગેવાનો ૫ણ ઉ૫સ્‍થિત રહેલ હતા તથા ‘'વન - ડે - થ્રી - વોર્ડ'' ઝુંબેશને સફળ બનાવવા લોકોને મચ્‍છર ઉત્‍પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવેલ છે.

આ ઝુંબેશનો હેતુ વાહજન્‍ય રોગો પર નિયંત્રણ લાવવાનો છે. નાગરિકોએ પણ ઘરોની આસપાસ પાણી ન સંગ્રહિત થાય તે માટે તકેદારી રાખવી, અને આરોગ્‍ય ઝુંબેશમાં સહકાર આપવો જોઇએ. 

(3:11 PM IST)