News of Thursday, 7th August 2025
વિપુલનું અપહરણ કરી બેફામ ફટકારી ગોંધી રાખી ધમકી દેનારા પ્રતિક ચંદારાણા સહિત ૩ ઝડપાયા
૧૦૦૦ની ઉઘરાણી માટે દસ દિવસ પહેલા ગાળાગાળી થઇ, ખાર રાખી ફટકારી અપહરણ કરી યાર્ડમાં, માનસરોવરના કારખાનામાં બેફામ ફટકાર્યો હતોઃ પ્રતિકની ૩૫ ગુનામાં સંડોવણી વિપુલને બેફામ ધોકાવી નગ્ન કરી યુવતિ સાથે સુવડાવી વિડીયો ઉતારી લીધો'તોઃ એક લાખ ન આપે તો વાયરલ કરવાની ધમકી દીધી હતીઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, આર. એમ. સાખરા સહિતે અન્ય આરોપીઓની શોધખોળ યથાવત રાખી

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટી-૧માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં વિપુલ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૧) નામના યુવાનનું તા. ૪ના સાંજે પાંચેક વાગ્યે ઘર નજીક ગોકુલ સોસાયટીના ગેઇટ પાસેની શક્તિ ટી સ્ટોલ દૂકાન પાસેથી અગાઉ ૩૫ જેટલા ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા શખ્સ પ્રતિક દિલીપ ચંદારાણા અને તેની ટોળકીએ મારી નાખવાના ઇરાદે તેની માથે બોલેરો ગાડી આવવા દઇ બાદમાં પાઇપ-ધોકા ફટકારી ગાડીમાં નાંખી અપહરણ કરી કારખાનામાં ગોંધી રાખી રોકડા ૮૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં આજીડેમ પોલીસે પ્રતિક સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ પોતે સોશિયલ મિડીયાનો પત્રકાર હોવાનું પોલીસને કહેતો હતો!
વિપુલ ચોૈહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોથી તારીખે હું ભરતભાઇના કારખાને હતો ત્યારે પ્રતિકે મને વ્હોટ્સએપ કોલ કરી કહેલુ કે-બચીને રહેજે તને ગોતીએ છીએ, હાથમાં આવ્યો તો તને જીવતો નહિ મુકુ. આમ કહી ફોન કટ કરી નાખ્યા બાદ રાતે અગિયારેક વાગ્યે હું શક્તિ પાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે બોલેરો જીજે૦૩એનએફ-૭૭૧૧ બંબાટ આવી હતી અને મારા પર ચડાવી દેવાનો પ્રયાસ કરતાં હું સાઇડમાં ખસી જતાં બચી ગયો હતો. બાદ આ ગાડીમાંથી પ્રતિક ચંદારાણા, અમિત દાઢી, કૃણાલ ઉતર્યા હતાં. પાછળ એક્ટીવામાં જયપાલ હાથમાં ગેડીવાળો ધોકો લઇને આવ્યો હતો. તેમજ અક્ષયના હાથમાં પણ ધોકો હતો. અન્ય એક બાઇકમાં હિરેન અને સૈફ આવ્યા હતાં. આ બધા મને ધોકા-પાઇપથી માર મારી ટીંગાટોળી કરી બોલેરોમાં નાખી જુના યાર્ડમાં લઇ ગયા હતાં ત્યાં લઇ જઇ આજે તો મારી જ નાખવો છે કહી કૃણાલ, હિરેન, અમિત અને જયપાલે મને પકડી રાખ્યો હતો અને પ્રતિકે લોખંડના પાઇપથી મને ફટકારર્યો હતો અને આજે તો મારી જ નાખવો છે એવુ બોલતો હતો.
આ પછી બધાએ વારાફરતી મને પકડી રાખી દોઢેક કલાક સુધી માથા, શરીરે માર મારતાં લોહી નીકળતાં બેભાન થઇ ગયો હતો. આ પછી આ લોકોએ કોઇ જાણીતા ડોક્ટરને બોલાવી મારી સારવાર કરાવી હતી અને ટાંકા લેવડાવ્યા હતાં. હું ભાનમાં આવતાં મને બોલેરોમાં બેસાડી માન સરોવરના ઢાળથી આગળ નદી કાંઠાના કારખાનામાં લઇ જઇ ત્યાં બહાર કાઢી ફરીથી બધાએ પ્લાસ્ટીક, લોખંડના પાઇપથી ફટકાર્યો હતો અને ખિસ્સામાંથી ૮૦૦૦ કાઢી લીધા હતાં. તેમજ મારા કપડા ઉતારી નાંખી એક મહિલાને બોલાવી મારી બાજુમાં સુવડાવી પ્રતિકે મારો વિડીયો ઉતારી કહેલુ કે-તારે મને ૧ લાખ દેવાના છે, જો નહિ આપ તો આ વિડીયો વાયરલ કરી તને ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ. આ પછી મને કારખાનમાં જ રાખી આ બધા પણ ત્યાં જ રોકાઇ ગયા હતાં.
બાદ તા. ૫ના સવારે અગિયારેક વાગ્યે ભરત ભરવાડ આવ્યો હતો અને પ્રતિકે ધમકીઆપી હતી કે જો તું પોલીસ કેસ કરીશ તો મારી નાખશું, તારા ઘરને સળગાવી દેશું. તારા પરિવારને પણ મારી નાખીશ તેમ કહી આ બધા જતા રહ્યા બાદ ભરત મને મારા ઘરે મુકી ગયો હતો. ત્યાંથી મેં ખાનગીમાં સારવાર લીધા બાદ બીજા દિવસે બુધવારે ઉલ્ટીઓ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ બનાવનું કારણ એ છે કે દસેક દિવસ પહેલા પ્રતિકે મને ફોન કરી કહેલુ કે-મારે તારી પાસેથી ૧૦૦૦ લેવાના છે. ત્યારે બોલાચાલી થઇ હોઇ ખાર રાખી મારા પર બોલેરો ચડાવવાનો પ્રયાસ કરી, માર મારી અપહરણ કરી ધોકાવી ગોંધી રાખી તેમજ કપડા ઉતારી છોકરી સાથે વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી દઇ વધુ રૂપિયા માંગ્યા હતાં.
તેમ વધુમાં વિપુલે કહેતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, આર. એમ. સાખરા સહિતે ગુનો નોંધી પ્રતિક દિલીપભાઇ ચંદારાણા (ઉ.વ.૩૩-રહે. માંડા ડુંગર માન સરોવર પાર્ક) તથા જયપાલ રાજેશભાઇ ડેડાણીયા (ઉ.વ.૨૫-રહે. રણુજા મંદિર પાસે) અને અક્ષય મથુરભાઇ જમોડ (ઉ.વ.૨૧-રહે. વિનોદનગર-૩ કોઠારીયા રોડ)ની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ પ્રતિક અગાઉ ૩૫ જેટલા ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે.
(3:12 PM IST)










