<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

પ્રતિક ચંદારાણા અને તેના ભાઇ નિલેષ વિરૂધ્‍ધ વ્‍યાજખોરીનો ગુનોઃ કેટરર્સના ધંધાર્થી દંપતિ-ભાગીદારને ખૂનની ધમકી

અપહરણ-હત્‍યાની કોશિષ-બ્‍લેક મેઇલીંગમાં પકડાયેલા રીઢા શખ્‍સ સામે વધુ એક ફરિયાદ : પાંચ મહિનામાં કટકે કટકે ૨૨ લાખ આપી દર મહિને ૧.૩૨ લાખ વ્‍યાજ વસુલ્‍યું: સિક્‍યુરીટી પેટે અલગ અલગ પાંચ કાર મેળવી લીધીઃ ધંધો ન ચાલતાં વ્‍યાજ ન ચુકવી શકાતાં આકરી ઉઘરાણી ચાલુ કરીઃ દંપતિના ભાગીદારને ફડાકા માર્યા, પાંચ કાર ભુલી જવાની ધમકીઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો : શ્રીરામદેવ કેટરર્સ નામે કેટરીંગ ચલાવતાં સોનલબેન સંજયભાઇ ગાધેરની ફરિયાદઃ ધંધા માટે રકમ લીધી અને ફસાઇ ગયા

રાજકોટ તા. ૮: દસ હજારની ઉઘરાણી માટે માંડાડુંગર વિસ્‍તારના યુવાનનું અપહરણ કરી બેફામ માર મારી નગ્ન કરી યુવતિ સાથે સુવડાવી વિડીયો ઉતારી બ્‍લેકમેઇલ કરનાર નામચીન પ્રતિક ચંદારાણા સામે વધુ એક વ્‍યાજખોરીનો ગુનો નોંધાયો છે. પ્રતિક અને તેના ભાઇ નિલેષે જુના યાર્ડમાં આવેલી પોતાની પેઢી ખાતેથી ગ્રીનલેન્‍ડ ચોકડીએ રહેતાં કેટરર્સના ધંધાર્થી દંપતિ અને તેના ભાગીદારને પાંચ મહિનામાં ૬ ટકા વ્‍યાજે ૨૨ લાખ આપી દર મહિને ૧,૩૨,૦૦૦ વ્‍યાજ ઉઘરાવી આ રકમ સામે સિક્‍યુરીટી પેટે પાંચ અલગ અલગ કાર મેળવી લઇ કેટરર્સના ધંધામાં મંદી આવતાં વ્‍યાજ ન ચુકવી શકાતાં બંનેએ દંપતિ અને તેના ભાગીદારને પરિવાર સાથે મારી નાખવાની ધમકી આપી સિક્‍યુરીટી પેટે મુકાયેલી પાંચ કાર ભુલી જવાનું કહી ધમકાવતાં ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્‍ડ ચોકડી બસ સ્‍ટેશન પાછળ તિરૂપતી બાલાજી પાર્ક-૨ બ્‍લોક નં. બી-૨૫માં રહેતાં સોનલબેન સંજયભાઇ ગાધેર (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી સંત કબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતાં પ્રતિક ચંદારાણા અને નિલેષ ચંદારાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. સોનલબેન ગાધેર પરિવાર સાથે રહે છે અને પતિ સાથે શ્રીરામદેવ કેટરર્સ નામે કેટરીંગનો વ્‍યવસાય કરે છે. સોનલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે એક દિકરી છે જે સાસરે છે. હું અને મારા પતિ સંજયભાઇ ગાધેર ભાગીદાર ભાવેશભાઇ સુરેશભાઇ રામાણી કે જેઓ બ્રહ્માણી પાર્કમા રહે છે તેની સાથે મળી કેટરીંગનો વ્‍યવસાય ચલાવીએ છીએ. અમારા કેટરર્સની ઓફિસ કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ હરિદર્શન કોમ્‍પલેક્ષમાં દુકાન નં. ૧૮માં આવેલી છે.

પાંચેક મહિના પહેલા અમારે ધંધા માટે પૈસાની જરૂર ઉભી થતાં મારા ભાગીદારે સગા-સંબંધીઓ, મિત્રો પાસેથી પૈસાની વ્‍યવસ્‍થા કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પૈસા મળ્‍યા નહોતો. આ કારણે અમારે ધંધો બંધ કરવો પડે તેવી હાલત ઉભી થઇ હતી. આ દરમિયાન અમારા કેટરર્સમાં કામ કરતાં હરેશ રાતડીયાએ વાત કરી હતી કે માર્કેટ યાર્ડમાં પુરષાર્થ નામની પેઢી ધરાવતા પ્રતિક ચંદારાણા તથા તેનો ભાઇ નિલેષ ચંદારાણા બંને વ્‍યાજે પૈસા આપે છે, તમારે લેવા હોય તો તેની પાસેથી મળી જશે તેમ કહેતાં અમારે પૈસાની ખુબ જરૂર હોઇ અમે તેની પાસ્‍ેથી પૈસા લેવાનું નક્કી કર્યુ હતું. આ પછી હરેશે પ્રતિક અને નિલેષ ચંદારાણા સાથે અમારી મુલાકાત કરાવી હતી. હું, મારા પતિ અને ભાગીદાર ભાવેશભાઇ જુના માર્કેટ યાર્ડમાં આ બંન ભાઇને મળ્‍યા હતાં.

અમે પૈસાની વાત કરતાં આ બંને ભાઇઓએ કોઇ વસ્‍તુ તમારે સિક્‍યુરીટી પેટે ગીરવે મુકવી પડશે તેવી વાત કરતાં અમારી પાસે આઇ-૨૦ કાર જીજે૦૩એચકે-૦૫૮૯ હોઇ તે ગિરવે મુકવાનું નક્કી કર્યુ હતું. આ કાર અમે તેને આપતાં તેણે મહિને ૬ ટકાના વ્‍યાજે ૩ લાખ અમને આપવાનું નક્કી કર્યુ હતું. જેનું મહિને અમે ૧૮ હજાર વ્‍યાજ થાય તે એક હપ્‍તો એડવાન્‍સમાં કાપી અમને બાકીની રકમ આપી હતી. ત્‍યારબાદ બે મહિના પછી ધંધામાં ફરીથી રૂપિયાની જરૂર પડતાં અમે અમારી વેન્‍ટો કાર જીજે૦૩એલબી-૦૦૩૪ તથા ભાગીદાર ભાવેશભાઇની એક્‍સયુવી કાર જીજે૦૩કેસી-૫૦૦૩ પ્રતિક અને નિલેષ ચંદારાણાને આપતા તેની સામે અમને ૮ લાખ ૬ ટકા વ્‍યાજે આપયા હતાં. જેનું મહિને ૪૮ હજાર વ્‍યાજ આવતું હતું. આ વ્‍યાજની રકમનો એક હપ્‍તો પણ બંનેએ એડવાન્‍સમાં લઇ લીધો હતો.

આ પછી પણ અમારો ધંધો જામતો ન હોઇ અને બંને ભાઇઓને વ્‍યાજ ચુકવવાની રકમ પણ ન હોઇ ફરીથી મારા પતિના નામની વર્ના કાર જીજે૩૮બીસી-૬૧૭૨ સિક્‍યુરીટી પેટે આપી વધુ પાંચ લાખ રૂપિયા ૬ ટકા વ્‍યાજે લીધા હતાં. આજથી પંદર દિવસ પહેલા ફરીથી આ બંને ભાઇઓ પાસેથી ૬ લાખ ૬ ટકા વ્‍યાજે લીધા હતાં. જેની સિક્‍યુરીટી પેટે અમારી વધુ એક વર્ના કાર જીજે૩૮બીડી-૯૧૯૩ તેણે રાખી લીધી હતી. જેનું મહિને રૂા. ૩૬૦૦૦ વ્‍યાજ ચુકવતા હતાં. આમ અમે તથા ભાગીદારે મળી પ્રતિક અને તેના ભાઇ નિલેષ ચંદારાણા પાસેથી પાંચ મહિનામાં કુલ ૨૨ લાખ વ્‍યાજે લઇ તેનું દર મહિને કુલ રૂા. ૧,૩૨,૦૦૦ વ્‍યાજ ચુકવતા હતાં. અમે લીધેલી રકમ સામે અમારી અને ભાગીદારની મળી કુલ ૫ાચ કાર સિક્‍યુરીટી પેટે આપી હતી.

અમારે છેલ્લા એક મહિનામાં ધંધામાં ખુબ ખોટ જતાં આ લોકોને વ્‍યાજ ચુકવી ન શકતાં પ્રતિક અને નિલેષે અમને હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. ફોન કરી ગાળો દઇ વ્‍યાજની ઉઘરાણી કરી આખા પરિવારને મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું. ત્રણેક દિવસ પહેલા નિલેષ અમારી ઓફિસે આવ્‍યો હતો, ત્‍યારે ભાગીદાર ભાવેશભાઇ પણ હતાં. નિલેષે અમને ગાળો દઇ ભાવેશભાઇને ફડાકો મારી દીધો હતો અને ‘મુડી સહિત અમારા પૈસા બે દિવસમાં આપી દેજો, નહિતર તમારા પરિવારને પતાવી દઇશું, તમારા વાહનો હવે ભુલી જજો પાછા આપવાના નથી' તેમ કહી ધમકી આપી દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં નિલેષ ભાગી ગયો હતો. બંને ભાઇ માથાભારે હોઇ અમે જે તે વખતે ફરિયાદ કરી નહોતી. અમને સતત ધમકી મળતી હોઇ અંતે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં સોનલબેને જણાવતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં હેડકોન્‍સ. વાય. એન. મકવાણાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ જે. આર. સોલંકી ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે બે આરોપી પૈકી પ્રતિક ચંદારાણાને ગઇકાલે જ આજીડેમ પોલીસે અપહરણ-હત્‍યાની કોશિષ-બ્‍લેકમેઇલીંગના ગુનામાં પકડયો છે. હવે બી-ડિવીઝન પોલીસ તેનો કબ્‍જો મેળવી વધુ તપાસ કરશે. એક એક્‍સયુવી કાર આજીડેમ પોલીસે કબ્‍જે કરી બી-ડિવીઝન પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

(2:01 PM IST)