<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

પતાના જુગારમાં આર્થીક ગર્તામાં ધકેલી દેતા સોફટવેરથી સાવધાનઃ ક્રાઇમબ્રાંચે જુગારમાં છેતરપીંડીની અનોખી પધ્‍ધતી ઝડપી પાડી :જુઓ વિડીયો

ક્રાઇમબ્રાંચના ચેતનસિંહ ગોહિલ, ઉમેશ ચાવડા, દિપક ડાંગરે વાવડીની આકાર હાઇટસમાં દરોડો પાડી કેમીકલયુકત ગંજીપતા, આંખમાં પહેરવાના સોફટ કોન્‍ટેક લેન્‍સ, સેન્‍સરયુકત મોબાઇલ ફોન સહિત પોણા ત્રણ લાખના મુદામાલ સાથે વિપુલ પટેલની કરી અટકાયતઃ જુગાર પ્રેમીઓને ચેતવણી આપતો કેસ

રાજકોટ તા.૮: શહેર ક્રાઇમબ્રાંચે ગંજીપતાના જુગારમાં છેતરપીંડીનો અનોખો નુસખો શોધી કાઢયો છે. ચોક્કસ પ્રકારના કેમીકલયુકત ગંજીપતા, આંખમાં પહેરવાના સોફટ કોન્‍ટેક લેન્‍સ તથા સેન્‍સરયુકત એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન સહિત પોણા ત્રણ લાખની મતા સાથે વાવડીના પુનિતનગરમાં આવેલી આકાર હાઇટસમાં રહેતા વિપુલ રમેશભાઇ પટેલ (ઉ.વ.૩૯)ને ઝડપી લઇ જુગારમાં સામાવાળા લોકોને આર્થીક ગર્તામાં ધકેલી દેતી આધુનિક ટેકનોલોજી મુજબની છેતરપીંડીના સાધનો શોધી કાઢી જુગાર રસિયાઓ માટે ચેતવણી રૂપ કેસ શોધી કાઢયો છે.

ક્રાઇમબ્રાંચના પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, ઉમેશ ચાવડા અને દિપક ડાંગર પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એવી બાતમી મળી હતી કે આકાર હાઇટસની I વીંગના ૫૦૨ નંબરના ફલેટમાં રહેતો વિપુલ રમેશભાઇ પટેલ સંદિગ્‍ધ સોફટવેર અને મોબાઇલના ધંધા સાથે સંકળાયેલો છે. આ બાતમીના આધારે પી.આઇ. એમ.આર. ગોંડલીયાની સુચનાથી ફલેટમાં દરોડો પાડયો હતો. દરોડા દરમ્‍યાન અલગ-અલગ કંપનીના ૪૨૬૦ નંગ ગંજીપતા, આંખમાં પહેરવાના સોફટ કોન્‍ટેક લેન્‍સ ૭૫ નંગ અને સેન્‍સરયુકત એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૪ મળી ૨,૭૦,૫૦૦ નો મુદામાલ કબ્‍જે કરી ફલેટધારક વિપુલ રમેશભાઇ પટેલની વિશીષ્‍ટ ઢબે પૂછપરછ કરતા તેણે આ સામગ્રી જુગારના ફીલ્‍ડમાં સામાવાળા લોકોને છેતરવા વપરાતી હોવાની કબુલાત આપી હતી. તેણે કબુલ્‍યુ હતું કે, જે ગંજીપાના છે તે કેમીકલયુકત હોય છે. કોઇપણ એક વ્‍યકિત ચોકકસ પ્રકારના સોફટ કોન્‍ટેક લેન્‍સ અને સેન્‍સરયુકત મોબાઇલ ફોન અને કાનમાં પહેરવાનું બ્‍લુટુથ કનેકટ (મખ્‍ખી) પહેરી જુગાર રમવા બેસે ત્‍યારે પાના બાટી, કટ કરી પતા વહેંચે ત્‍યારે સોફટવેરની મદદથી રમવા બેસેલા પહેલા, બીજા, ત્રીજા, ચોથા કે પાંચમી વ્‍યકિત પૈકી કોની બાજી જીતશે તે અગાઉથી ખબર પડી જાય છે. આમ આ સોફટવેરનો ઉપયોગ કરતી વ્‍યકિત સામાવાળાને ભનક પણ ન આવે તે રીતે છેતરી લે છે. આવો સોફટવેર પોતે મોબાઇલ સાથે જે કંપનીનો મોબાઇલ તે મુજબ નાણા વસુલી વહેંચે છે. ક્રાઇમબ્રાંચ પણ ઉપરોકત કબુલાત સાંભળી ચોંકી ઉઠી હતી.

 વિપુલ પટેલની અટકાયત કરી ચાઇનીઝ સોફટવેર કંયાથી, કેવી રીતે મેળવી કોને-કોને વહેંચ્‍યા તે અંગે ઉંડી પૂછપરછ ચાલી રહી છે.

ઉપરોકત કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પો.સબ.ઇન્‍સપેકટર સી.બી. જાડેજા, એ.એસ.આઇ. ચેતનસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્‍સટેબલ દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, દિગ્‍પાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી દ્વારા કરવામાં આવી હતી.(૨.૨૦)

(4:41 PM IST)