તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
કાલે રક્ષાબંધન: ભાઇ બહેન સ્નેહના તાંતણે બંધાશે
શાળા કોલેજોમાં પૂર્વ દિને ઉજવણી : ભુદેવો દ્વારા કાલે સામુહીક યજ્ઞોપવિતના કાર્યક્રમોઃ ભાઇના કાંડા રાખડીઓથી ઝગમગશે, બહેનોના હૈયેથી આશીષ વરસશે

રાજકોટ તા. ૮ : કાલે શ્રાવણ સુદ પૂનમ. રક્ષાબંધનનું પર્વ! આમ તો આ તહેવાર બળેવથી પણ ઓળખાય છે. આ દિવસે બહેની વહાલસોયા વીરાના કાંડે સુતરના તાંતણારૂપે રાખડી બાંધી તેની સુખાકારીની કામના કરે છે. સામે ભાઇ પણ બહેન સામે વ્હાલપ વરસાવે છે. તો વળી ભુદેવો પણ પોતાના યજમાનોને રાખડી બાંધી સુખાકારીના આશિર્વચનો આપે છે.
આ રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે. ભાઇ બહેનો વચ્ચેનો સ્નેહ કાલે સુતરના તાંતણે બંધાશે. એમ તો રાખડી માતા પણ પોતાના દિકરાને રક્ષા કવચ રૂપે બાંધી શકે છે. માતા કુન્તાએ રણ મેદાનમાં જઇ રહેલ અભિમન્યુને કાંડે રાખડી બાંધી હતી.
રાખડી બજારમાં આજે છેલ્લી ઘડીની ખરીદી નિકળી પડી છે. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાંબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી નિકળી પડી છે.
શાળા કોલેજોમાં એક દિવસ પુર્વે જ વિદ્યાર્થી ભાઇ બહેનો રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરે છે. અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે.
કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરશે. જેથી રાજકોટમાં અનેક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
સમસ્ત નાગર જ્ઞાતિ જોગ
હાટકેશ્વર સંસ્થાની યાદીમાં જણાવ્યા મુજબ હાટકેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, બેડીનાકા પાસે શ્રાવણી પૂનમ નિમિતે તા. ૯ ના શનિવારે સવારે ૧૦ વાગ્યે સમસ્ત નાગર જ્ઞાતિજનો માટે જનોઇ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે. પૂજન સામગ્રી સંસ્થા દ્વારા આપવામાં આવશે. જ્ઞાતિજન ભાઇઓને ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે.
બ્રહ્મસેના
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મસેના દ્વારા રક્ષાબંધન પર્વ કાલે તા. ૯ ના ઉવજવાશે. સમાજીક રાજકીય અગ્રણીઓને રક્ષાદોરી મોકલવામાં આવી છે. તેમજ તા. ૧૫ ઓગસ્ટના સ્વાતંત્રય દિવસ અને તા. ૧૬ ના જન્માષ્ટમી નિમિતે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે. સ્થળ : પાણીના ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટ. સર્વે ધર્મપ્રેમીજનોએ પધારવા જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે.
શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ
રક્ષાબંધન પર્વ નિમીતે શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ વિકાસ મંડળ દ્રારા બળેવ પર્વની ઉજવણી નિમીતે છાત્રોનું સન્માન, નોટબૂક વિતરણ અને સમુહ ભોજનનું આયોજન વિરાણી ચોકમાં આવેલી નાગર ર્બોડિંગ ખાતે કરાયું છે. આ કાર્યક્રમ તા. ૯ના શનિવારે સાંજે યોજાશે. (૧૬.૨)
બહેની બાંધે છે રાખડી
ઢાળ પટેલની વાડીમાં કણઝર વાવ્યો
સુતરના તાતણામાં શકિત ભરી છે
રાખે રખોપા મારો રામજી રે
બહેની બાંધે છે રાખડી....
યમરાજાને રાખડી યમનાએ બાંધી
રક્ષાબંધનના નામથી રે
બહેની બાંધે છે રાખડી....
શનીને રાખડી લક્ષ્મીજી એ બાંધી
રક્ષણ કારણ આ કાજથી રે
બહેની બાંધે છે રાખડી....
કૃષ્ણને રાખડી દ્વવપદીએ બાંધ
પોતાની રક્ષાને કારણે રે
બહેની બાંધે છે રાખડી....
અભીમન્યુને દોરો બાંધ્યો કુન્તાએ
રણમાં રક્ષણ ને કાજથી રે
બહેની બાંધે છે રાખડી....
કહે રાતડીયો રામ રખોપા રાખજો
જીવનજીવવાઆ જોમથી રે
બહેનીબાંધે છે રાખડી....
રચનાઃ ભીખુભાઇ રાતડીયા, રાજકોટ
(3:55 PM IST)










