News of Saturday, 9th August 2025
દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં બિહારી પરિવારની ૧૬ વર્ષની દિકરીનું અપહરણ
૧૧ જુલાઇના રોજ ગૂમ થઇઃ શોધખોળ બાદ પત્તો ન મળતાં માલવીયાનગર પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૯: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેતાં મુળ બિહારના પરિવારની ૧૬ વર્ષની દિકરી ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે માલવીયાનગર પોલીસે અપહૃત ૧૬ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળાના પિતા મુળ બિહારના વતની છે અને રાજકોટમાં કારખાનુ ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું છે કે ૧૧/૭ના રોજ હું સાંજે સાતેક વાગ્યે કારખાનેથી હતો. અમારે કારખાનામાં જ ઉપરના માળે રહેવાની વ્યવસ્થા છે. કામ પુરૂ કરી ઘરે જતાં મારી દિકરી જોવા મળી નહોતી. તે ક્યાંક બહાર ગઇ હશે તેમ જણાયું હતું. બાદમાં મોડે સુધી દિકરી ન મળતાં મારા નાના ભાઇના ઘરે તપાસ કરી હતી. પરંતુ દિકરી ત્યાં પણ નહોતી. અન્ય સ્થળોએ, વતનમાં સગા સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોનસ. એ. વી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:36 PM IST)










