<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ડો. દસ્‍તુર માર્ગનો ટ્રાફીક નહીં ઘટે! અન્‍ડર પાસ ખુલ્લો મૂકવા મનપાનું વેઇટ એન્‍ડ વોચ

યાજ્ઞીક રોડ આરંભ-સમારંભ વિના ખોલી નાખવા તૈયારી તો અહીં લોકાર્પણની રાહ કેમ? : રાજમંદિરવાળો અન્‍ડરપાસ સંપુર્ણ પણે તૈયાર છતાં લોકોને પડતી હાલાકી તંત્ર દ્વારા નજર અંદાજ

રાજકોટ, તા. ૯: શહેરના વોર્ડ નં. ૭માં આવેલા યાજ્ઞિક રોડ, ટાગોર માર્ગ, સરદાર નગર મેઇન રોડ તેમજ ડો.દસ્‍તુર માર્ગની ટ્રાફિક સમસ્‍યા ઉકેલવા માટે ડો.દસ્‍તુર માર્ગ ઉપર એવીપીટી કોલેજ અને રાજમંદિર ફાસ્‍ટ ફૂડ શોપ વાળી શેરીમાં આગળ જતાં આવતા રેલવે ટ્રેક નીચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્‍યું છે, જેનું કામ પૂર્ણ થયાને બે મહિના જેવો સમય વિતી ગયો છે.

આ અંડરપાસ ગમે ત્‍યારે ખુલો મૂકી શકાય તેવી સાનુકૂળ સ્‍થિતિ છતાં અકળ કારણોસર વિલંબ થઇ રહ્યો છે. કદાચ કોઇ મહાનુભાવ રાજકોટ આવે ત્‍યારે તેમના હસ્‍તે લોકાર્પણ કરવાનું આયોજન હોવાની ચર્ચા છે. બીજી બાજુ દસ્‍તુર માર્ગ કોર્નર અને એસ્‍ટ્રોન ચોકમાં દરરોજ ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે.

મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અહીં વરસાદી પાણીની લાઈન નાખવાનું બાકી રહેતા લોકાર્પણ નહીં કરાયાનું બે મહિના પૂર્વે બહાર આવ્‍યું હતું. દરમિયાન હાલ અંડર પાસને વરસાદી પાણીના નિકાલની જુની લાઇન સાથે કનેક્‍ટ કરી દેવામાં આવ્‍યો છે અને ટૂંક સમયમાં નવી લાઇનની કામગીરી પણ શરૂ થશે. હવે એવી કોઇ સ્‍થિતિ નથી કે લોકાર્પણમાં વિલંબ કરવો પડે છતાં મ્‍યુનિ.શાસકો લોકાર્પણ માટે કોઇ શુભ મુહૂર્તની કે પછી કોઇ મોટા નેતાના હસ્‍તે લોકાર્પણ કરાવી અંડરપાસ ખુલ્લો મુકવા રાહ જોઇ રહ્યા છે. મંગળવાર તા.૧૨ ઓગસ્‍ટના રોજ સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ થતાં સાતમ આઠમ પહેલા ડો.યાજ્ઞિક રોડ ખુલો મુકવામાં આવનાર છે, લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ ખુલો મુકવો જરૂરી હોય કોઇ મહાનુભાવના હસ્‍તે લોકાર્પણ કરવાની રાહ જોયા વિના યાજ્ઞિક રોડ ખુલો મુકવામાં આવનાર છે.જો આવી જ રીતે ડો.દસ્‍તુરમાર્ગ અન્‍ડરપાસ પણ લોકાર્પણની રાહ જોયા વિના જ ખુલો મુકવામાં આવે તો એસ્‍ટ્રોન ચોક અને સરદારનગર મેઇન રોડની ટ્રાફિક સમસ્‍યા મહદ અંશે હલ થઇ શકે તેમ છે.

(3:36 PM IST)