તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
સોખડા ચોકડી પાસે મારવાડી કોલેજની છાત્રાઓની બસ પલ્ટી ગઇઃ પાંચને ઇજા
ત્રીસેક વિદ્યાર્થીનીઓ હોસ્ટેલથી કોલેજ ખાતે રક્ષાબંધન ઉજવવા જતી હતી :એક છાત્રાને દાખલ કરવામાં આવી, ચારને પ્રાથમિક સારવાર અપાઇઃ સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડમાં ફોન આવતાં તબિબો, નર્સિંગની ટીમ તૈયાર રાખવામાં આવી હતી

રાજકોટ તા. ૯: કુવાડવા નજીક સોખડા ચોકડી પાસે મારવાડી કોલેજની બસ પલ્ટી મારી જતાં અંદર બેઠેલી ત્રીસ જેટલી છાત્રાઓમાં દેકારો મચી ગયો હતો. સદ્દનસબીબે જાનહાની અટકી હતી. ચારેક છાત્રાને નાની મોટી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ બે છાત્રાને પ્રાથીમિક સારવાર અપાઇ હતી અને બેને દાખલ કરવામાં આવી હતી. હોસ્ટેલ ખાતેથી આ છાત્રાઓ આજે રક્ષાબંધન હોઇ રાખડી બાંધવા, પર્વની ઉજવણી કરવા કોલેજ ખાતે જઇ રહી હતી ત્યારે બનાવ બનાવ બન્યો હતો.જાણવા મળ્યા મુજબ સોખડા ચોકડી નજીક સવારે મારવાડી કોલેજથી બસ પલ્ટી ખાઇ રોડ સાઇડમાં ઉતરી જતાં તેમાં બેઠેલી ગ્રીસ્મા દયાકર પોતલા (ઉ.વ.૧૭), ચંદ્રીકા શંકર (ઉ.વ.૧૭), શ્રુતીબેન રત્નાગીરી (ઉ.વ.૧૭) અને બિસંગની રામાવત (ઉ.વ.૧૭)ને સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડાઇ હતી. અહિ એકને વધુ ઇજા હોઇ દાખલ કરવામાં આવી હતી. બાકીની છાત્રાઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી. બસમાં ક્રિષ્ના હોસ્ટેલ માલીયાસણથી મારવાડી કોલેજની ત્રીસ જેટલી છાત્રા કોલેજ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી માટે જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. બસની સ્પીડ વધુ હોવાનું ઘટના સ્થળે લોકોમાં ચર્ચાતું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને કરી હતી. છાત્રાઓની બસ ઉંધી વળ્યાની જાણ ફોનથી સિવિલ હોસ્પિટલમાં થતાં ઇમર્જન્સી વોર્ડમાં તબિબો, નર્સિંગ સ્ટાફ તૈનાત રખાયો હતો. તસ્વીરમાં ઘટના સ્થળે ગોથુ ખાઇ ગયેલી બસ અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા તે જોઇ શકાય છે.
(3:45 PM IST)










