તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 11th August 2025
ક્રિકેટ રમીને મિત્રો સાથે ઉભેલા ૨૨ વર્ષના સાત્વીક સોલંકીનું હૃદય બેસી જતાં મૃત્યુ
મુળ માળીયા હાટીના તાબેના અકાળા ગીરનો યુવાન રાજકોટ છએક મહિનાથી રહી રેલ્વેની પરિક્ષાની તૈયારી કરતો હતોઃ માતા-પિતાનો એકનો એક દિકરો : પરિવારમાં શોકની કાલીમાઃ હૃદય રોગના હુમલાથી મૃત્યુના અન્ય ત્રણ બનાવમાં માધાપર રહેતાં કેન્સર હોસ્પિટલના ક્લાર્ક જયેશભાઇ ધુલીયા, નવલનગરના રમજુબેન વાળા, સોમનાથ સોસાયટીના અનિલભાઇ રંગપરાના મૃત્યુ નિપજતાં પરિવારોમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: શહેરમાં છેલ્લા બાર કલાકમાં હૃદય રોગના હુમલાની ચાર ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં ૨૨ વર્ષનો યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમ્યા બાદ મેદાન પાસે ઉભો હતો ત્યારે એકાએક હૃદય બંધ પડી જતાં મોત થયું હતું. મુળ માળીયા હાટીના તાબેના અકાળા ગીર ગામનો આ યુવાન માતા-પિતાનો એકનો એક દિકરો હતો અને રાજકોટ રહી રેલ્વેની પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અન્ય ત્રણ બનાવમાં માધાપર રહેતાં કેન્સર હોસ્પિટલના ક્લાર્ક, નવલનગરના મહિલા અને સોમનાથ સોસાયટીના પ્રોૈઢના પણ હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર વિમલનગર-૪માં રૂમ રાખી મિત્રો સાથે રહેતો સાત્વીક રામસિંહભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામનો યુવાન ગઇકાલે રવિવાર હોઇ યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલી સમરસ હોસ્ટેલ સામેના ગ્રાઉન્ડમાં ક્રિેકટ રમવા ગયો હતો. મિત્રો સાથે ક્રિકેટ રમતી વખતે સાત્વીકે ફિલ્ડીંગ, બોલીંગ, બેટીંગ કર્યા હતાં. સાંજે છએક વાગ્યે મેચ પુરો થતાં બધા મિત્રો ઉભા રહી વાતો કરી રહ્યા હતાં ત્યારે એકાએક સાત્વીક બેભાન થઇ ઢળી પડતાં મિત્રોએ તુરત જ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ધમેન્દ્રભાઇ ચાવડા અને પ્રશાંતભાઇ રાઠોડે કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સાત્વીકને હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યુ઼ હતું.
મૃત્યુ પામનાર સાત્વીક માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સાત્વીક છએક મહિનાથી રાજકોટ મિત્રો સાથે રૂમ રાખીને રહેતો હતો અને રેલ્વે એક્ઝામની તૈયારી કરતો હતો. બનાવથી પરિવારમાં મિત્રોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.
બીજા બનાવમાં માધાપર ચોકડી સુંદરમ્ સિટી પાસે ટયુલીપ ડી-૧૦૩ ખાતે રહેતાં અને હનુમાન મઢી નજીક કેન્સર હોસ્પિટમલાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ રમેશભાઇ ધુલીયા (ઉ.વ.૫૭) ઘરે રાતે એકાદ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇમાં નાના હતા. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં નવલનગર-૯/૧૧માં રહેતાં રમજુબેન મધુભાઇ વાળા (ઉ.વ.૫૦) ઘરે સાંજે સાતેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. મૃતકના પતિ મગનલાલ આઇસ્ક્રીમમાં નોકરી કરે છે. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સોમનાથ-૩ શેરી નં. ૧૧માં રહેતાં અનિલભાઇ ભાણજીભાઇ રંગપરા (ઉ.વ.૫૨) સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ ફેક્ટરીમાં નોકરી કરતાં હતા. બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા છે. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)
(2:46 PM IST)










