<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની 252મી બેઠક કૂનૂર ખાતે યોજાશે : અમેરિકાના ટેરિફ અને ચા બજારના ભવિષ્ય અંગે થશે મંથન

ટી બોર્ડ મેમ્બર દિનેશભાઈ કારીયા બેઠકમાં ભાગ લેવા રવાના : ચાના ઉત્પાદન, નિકાસ અને ગુણવત્તા સુધારવા પર વિશેષ ભાર મુકાશે

કૂનૂર : ભારત સરકારના અતિમહત્વપૂર્ણ ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની 252મી બેઠક આગામી તારીખ 13 ઓગસ્ટના રોજ દક્ષિણ ભારતના કૂનૂર ખાતેની તાજ હોટેલમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ટી બોર્ડના મેમ્બર દિનેશભાઈ કારીયા આજે કૂનૂર જવા રવાના થયા છે. આ બેઠક ખાસ કરીને ચા ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
આ બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ અમેરિકા દ્વારા ભારતીય ચા પર લગાવવામાં આવેલા ટેરિફની અસર રહેશે. યુ.એસ.માં ભારતની ચાની નિકાસ પર આ ટેરિફની શું અસર થશે અને તેના વિકલ્પો શું હોઈ શકે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચાવિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં ચાનું કુલ ઉત્પાદન અને નિકાસ, સ્થાનિક બજારમાં ચાના વપરાશની સ્થિતિ અને આવનારા દિવસોમાં ચાના ભાવ પર શું અસર થશે તેવા મુદ્દાઓ પણ એજન્ડામાં સામેલ છે.
બેઠકમાં ચાની ગુણવત્તા સુધારવા પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખાસ કરીને, તમામ ચા બગીચાના માલિકો સાથે વિચાર-વિમર્શ કરીને સારી ગુણવત્તાનું ઉત્પાદન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આસામની બોટલીફ ફેક્ટરીઓની ચાની ગુણવત્તામાં સુધારો કરવા માટે વિશેષ ભાર મૂકવામાં આવશે.
આ બેઠકનું અધ્યક્ષસ્થાન ટી બોર્ડના ચેરમેન અને ભારત સરકારના કોમર્સ વિભાગના સેક્રેટરી સત્યા શ્રીનિવાસ જી સંભાળશે, જેમાં બોર્ડના તમામ સભ્યો હાજર રહેશે. આ બેઠક દક્ષિણ ભારતમાં રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણની ચાનું મહત્ત્વ વધારવાનો છે. આ તમામ ગંભીર મુદ્દાઓને કારણે આ બેઠક ભારતના ચા ઉદ્યોગ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

 

(1:42 PM IST)