News of Monday, 11th August 2025
કોઠારીયા પાસે એલસીબી ઝોન-૧ ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ડસ્ટર કાર સાથે એકને પકડયો
મુળ ભાણવડ પંથકનો હાલ મુંજકા રહેતો દેવેન્દ્ર ભરવાડીયા ઝડપાયો, સાથેનો કમલેશ ભાગી ગયોઃ પોલીસે પીછો કરતાં કારનું ટાયર ફાટી જતાં ઉભી રહી ગઇઃ ૯૩ હજારનો દારૂ મળ્યોઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: કોઠારીયાના શિવભવાની ચોકમાંથી એલસીબી ઝોન-૧ ટીમે ડસ્ટર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલા એક શખ્સને ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધો હતો. ભાગમભાગી વખતે કારનું ટાયર ફાટી જતાં કાર ઉભી રહી ગઇ હતી. આ વખતે એક શખ્સ પકડાઇ ગયો હતો અને બીજો ભાગી ગયો હતો. કારમાંથી પોલીસને ૯૩૪૦૦નો અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળતાં તે તથા કાર કબ્જે કર્યા હતાં.
દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા, કેસ શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એલસીબી ઝોન-૧ના જગદીશસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કોઠારીયા નવા રીંગ રોડ શુભ ચોકડી પાસેથી સફેદ રંગની ડસ્ટર ગાડી દારૂ ભરીને નીકળવાની છે. તેના આધારે વોચ રાખતાં બાતમી મજુબની કાર નં. જીજે૧૨સીડી-૧૧૪૮ નીકળતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ડ્રાઇવરે કાવો મારી કારને કોઠારીયા ગામ તરફ ભગાડી મુકી હતી. આથી ટીમે ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો. ભાગમભાગી દરમિયાન શિવ ભવાની ચોકમાં કારનું ટાયર ફાટી જતાં ઉભી રહી ગઇ હતી.
આ વખતે કારમાંથી ઉતરી એક શખ્સ ભાગી ગયો હતો. ચાલક અંદર જ બેઠો હોઇ પુછતાછ કરતાં પોતાનું નામ દેવેન્દ્ર કેસુરભાઇ ભારવાડીયા (ઉ.વ.૨૭-રહે. હાલ મુંજકા ગામ રામકૃષ્ણ હોસ્ટેલ, મુળ કલ્યાણપર તા. ભાણવડ દેવભુમિ દ્વારકા) જણાવ્યું હતું. પોતે રાજકટ રહી સીએનસી ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું પણ કહ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં રોયલ સ્ટેગની રૂા. ૪૪૨૦૦ની ૩૪ બોટલો, રોયલ ચેલેનજની ૧૫૬૦૦ની ૧૨ બોટલો, ઓલ સીઝનની ૩૩૬૦૦ની ૨૪ બોટલો મળી આવતાં તે તથા પાંચ લાખની કાર મળી કુલ રૂા. ૫,૯૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દેવેન્દ્રની ધરપકડ કરી હતી. તેની પુછતાછ થતાં ભાગી જનારા શખ્સનું નામ કમલશે જેતાભાઇ ભારવાડીયા હોવાનું કહ્યું હતું.
ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી, હરેશભાઇ, ભરતભાઇ, હિતેન્દ્રસિંહ, જગદીશસિંહ, સતુભા, રવિરાજભાઇ, દિવ્યરાજસિંહ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી. દારૂ ક્યાંથી ભરી લાવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.
(2:26 PM IST)










