તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 11th August 2025
રૈયા રોડ પર વેસ્ટ સાઇડ શો રૂમે ખરીદી કરવા જાવ તો ધ્યાન રાખજો, નહિતર આવી જશે દંડનો ડામ
યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ન હોઇ ટ્રાફિક શાખાની ટોઇંગ વેન ધડાધડ ટુવ્હીરલ ટો કરી જાય છેઃ ખરીદી કરવા આવેલા ગ્રાહકોને દંડનો સતત ડામઃ સમસ્યાનો કાયમી નિવેડો આવે તે જરૂરી

રાજકોટઃ શહેરના રૈયારોડ પર જુની આમ્રપાલી ટોકિઝના સ્થળે સીટી સેન્ટર બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વેસ્ટ સાઇડ શોરૂમ આવેલ છે. ત્યાં વર્ષમાં ચારથી પાંચ વખત સેલ હોય છે. તેની જાણ લોકોને મોબાઈલમાં એસએમએસથી કરવામાં આવે છે. જેમાં કપડા સહિતની વસ્તુમાં ૩૦ ટકાથી ૫૦ ટકા ડીસ્કાઉન્ટ હોય છે. આને કારણે લોકો ખરીદી કરવા ઉમટી પડે છે. પરંતુ અહીંયા બિલ્ડીંગમાં દસથી બાર ગાડીના ર્પાકિંગની જ વ્યવસ્થા છે. ટુ વ્હીલર માટે કોઇ ર્પાકિંગ વ્યવસ્થા છે જ નહીં. એટલે લોકો નો-પાર્કિંગમાં પાર્ક કરી જતા રહે છે. જેથી રોડ પર નીકળનારા અને બાજુના દુકાનદાર, લતાવાસીઓ, હેરાન પરેશાન થઈ જાતા હોય છે. લોકો ટ્રાફીક કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ગાડી બોલાવે છે. જેથી ટ્રાફિકની ગાડી આવી નો-પાર્કિંગમાં રખાયેલા વાહનોને લોક કરી દે છે. તો બીજી તરફ ઘણીવાર ટુવ્હીલરને ટોઇંગ કરી શિતલપાર્ક સુધી લઇ જવાય છે. આ કારણે વાહનચાલકો તો હેરાન થાય જ છે, અહિ આસપાસમાં રહેનારા લોકો પણ ટ્રાફિકને કારણે હેરાન પરેશાન થઇ જાય છે. આસપાસના રહેવાસી, દુકાનદારો અવાર- નવાર શોરૂમ સંચાલકને વિનંતી કરી ચુક્યા છે કે યોગ્ય સિક્યુરીટી રાખવામાં આવે તો તે ખરીદી માટે આવતાં વાહનચાલકોને યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવા સમજાવી શકે. જેથી આવા ગ્રાહકો દંડથી બચી શકે અને આસપાસના રહેવાસીઓ પણ આડેધડ ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીમાંથી બચી શકે. નો-પાર્કિંગને લીધે દંડનો ડામ આવે તો હજાર ઉપર ત્રણસો રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સામે એક હજારનો દંડ પણ આવતો હોય છે. આમ સેલનો લાભ લેવા આવેલા ગ્રાહકો દંડના ડામથી દાઝીને કચવાતા મને ઘરે પાછા ફરતા હોય છે. સંબંધીતો આ સમસ્યાનો નિવેડો કાયમી ધોરણે લાવે તેવી રજૂઆત આસપાસના રહેવાસીઓએ કરી છે. તસ્વીરમાં શો રૂમ અને ત્યાં વાહન ટો કરવાની કામગીરી કરી રહેલી ટ્રાફિક શાખાની ટીમ જોઇ શકાય છે.
(2:30 PM IST)










