<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

બેડી યાર્ડ પાસે ઇંડાની લારી નજીક રતનપરના સુરજ ડાભી પર તપેલી અને ધોકાથી હુમલો

ફાકી ખાઇ કાગળીયુ ફેંકતા ઇંડાવાળાએ કચરાપેટીમાં ફેંકવાનું કહેતાં ત્‍યાં ઉભેલા રવિ, કરણને ‘આ રેકડીવાળા ક્‍યાં રહે છે?' એવુ પુછતાં બંને તૂટી પડયા : રિક્ષામાં આવેલી મહિલાએ પણ ગડદાપાટુ માર્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૧૨: રતનપરમાં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં યુવાને બેડી યાર્ડ પાસે ઇંડાની લારી નજીક ફાકી ખાઇ તેનું પ્‍લાસ્‍ટીકનું કાગળીયુ લારી પાસે ફેંકતા ઇડાવાળાએ અહિ નહિ કચરા ટોપલીમાં ફેંકો તેમ કહેતાં આ યુવાને લારી પાસે ઉભેલા બે શખ્‍સને આ રેકડીવાળા ક્‍યાં રહે છે? તેમ પુછતાં બંને શખ્‍સે તપેલી, ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં તેમજ એક મહિલાએ પણ ઢીકાપાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ રતનપર ગામમાં રાજ કોમ્‍પલેક્ષ પાછળ લવજીભાઇ પ્રેમજીભાઇ કડેચાના મકાનમાં ભાડેથી રહેતાં અને બેડી માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કરતાં સુરજ ભૂપતભાઇ ડાભી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી કરણ કોળી, રવિ કોળી અને અજાણી મહિલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સુરજ ડાભીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે સાતેક મહિનાથી રતનપરમાં ભાડેથી રહુ છું. મારી સાથે પત્‍નિ, દિકરી, દિકરો રહે છે. રાતે સાડા દસેક વાગ્‍યે હું બેડી યાર્ડની બાજુમાં આવેલી ઇંડાની લારી પાસે ઉભો હતો ત્‍યારે મેં મારા હાથમાં રહેલા ફાકીનો કાગળ નીચે ફેંકતા રેંકડીવાળાએ અહિ કચરો ફેંકવો નહિ, કચરા ટોપલીમાં નાખો તેવુ કહેતાં મેં ત્‍યાં ઉભેલા રવિ અને કરણને આ રેકડીવાળા ભાઇ ક્‍યાં રહે છે? તેમ પુછતાં કરણે મને માથામાં તપેલી મારી તારે શું કામ છે? કહી ગાળો દીધી હતી. બાદ રવિએ પણ માથામાં તપેલી મારી દીધી હતી. આથી હું રોડની સામેની બાજુ જઇ જામનગર રહેતાં મારા સગા દિપક સુમતીયાને ફોન કરી મારે મારામારી થઇ ગઇ છે તેવી વાત કરતો હતો ત્‍યાં પાછળથી કરણે આવી માથામાં ધોકો ફટકારી દીધો હતો. જેથી હું નીચે પડી ગયો હતો. ત્‍યાં અજાણી મહિલા એક રિક્ષામાંથી ઉતરીને આવી હતી અને તેણે પણ મને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઝપાઝપી કરી હતી.

ત્‍યાં ફરીથી રવિએ આવી ઢકાપાટા માર્યા હતાં. કરણે ફરીથી ધોકાના ઘા મને વાંસા, કમરના ભાગે ફટકાર્યા હતાં. તેજમ હાથ-પગમાં પણ ઘા મારતાં ઇજા થઇ હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હું ત્‍યાંથી નીકળી ગયો હતો. બાદમાં ૧૦૮ બોલાવી સારવાર માટે ગયો હતો. હેડકોન્‍સ. પી. જી. અગ્રાવતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. (૧૪.૫)

 

 

 

(10:54 AM IST)