તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 12th August 2025
શહેર પોલીસે ૩૫૫ કેસમાં ઝડપેલા ૩ાા કરોડના દારૂ-બીયરના જથ્થા પર બૂલડોઝર ફેરવી દીધું
સોખડા-નાકરાવાડીના ખરાબામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહીઃ ઝોન-૧ દ્વારા ૧.૨૧ કરોડ, ઝોન-૨ દ્વારા ૨૮.૪૭ લાખનો અને ક્રાઇમ બ્રાંચ દ્વારા ૨ કરોડનો જથ્થો ઝડપાયો હતો

રાજકોટ તા. ૧૨: શહેર પોલીસ દ્વારા અવાર-નવાર ગેરકાયદેસર દારૂ-બીયરનો જથ્થો પકડી લેવામાં આવતો હોય છે. જે તે વખતે કાર્યવાહી બાદ આ જથ્થાને મુદ્દામાલ તરીકે શીલ કરીને મુકી દેવામાં આવે છે અને બાદમાં સમયાંતરે ગૃહ વિભાગના ઠરાવ અનુસાર આ જથ્થાનો નાશ કરી નાંખવામાં આવતો હોય છે. શહેર પોલીસ દ્વારા વધુ એક વખત આવી કામગીરી કરવામાં આવી છે. જેમાં આજે સવારે નવાગામ સાત હનુમાન પાછળના મેદાનમાં રૂા. ૩,૪૯,૯૫,૬૦૩ની કિંમતના દારૂ-બીયરના જથ્થાનો બૂલડોઝર ફેરવી નાશ કરી નાખવામાં આવ્યો હતો. શહેરમાં એક તરફ ગેરકાયદેસર દારૂ ખરીદી પીનારા પ્યાસીઓમાં પોલીસની કડક કાર્યવાહીને કારણે દારૂની અછત વર્તાઇ રહી છે ત્યારે કરોડોના દારૂનો પોલીસે નાશ કરી નાંખતા પ્યાસીઓના જીવ બળી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ શહેર પોલીસના અલગ અલગ ઝોનના પોલીસ સ્ટેશનો દ્વારા તેમજ ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પીસીબી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી તેમજ હાઇવે પર વોચ રાખી દારૂ-બીયરના જથ્થા સાથે સપ્લાયરો, બૂટલેગરોને પકડી લેવામાં આવે છે. પોલીસ પ્રોહીબીશનને લગતાં કેસની કાર્યવાહી કરી દારૂ-બીયરનો જે જથ્થો જપ્ત કરે તેને નિયમ મુજબ શીલ કરી મુદ્દામાલ તરીકે જે તે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રૂમમાં સલામત રાખી મુકાય છે. બાદમાં આ દારૂ-બીયરના જથ્થાનો એકસાથે નાશ કરવામાં આવે છે. ગૃહ વિભાગના ઠરાવ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પકડાયેલા દારૂ-બીયરના જથ્થાનો આજે શહેર પોલીસ દ્વારા નાશ કરાયો હતો.
કુવાડવા રોડ નવાગામ સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડી વચ્ચેના ખરાબાની જગ્યામાં સવારે સાત વાગ્યે દારૂ-બીયરના જથ્થાને ગોઠવી તેના પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, મુદ્દામાલ રાઇટર હેડ સહિતની હાજરીમાં દારૂ-બીયરનો નાશ કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ ઝોન-૧ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા ૧૪૮ કેસ કરીને રૂા. ૧,૨૧,૩૧,૧૯૦નો ૩૮૪૧૫ બોટલ-ટીન દારૂ બીયર ઝડપી લેવાયો હતો. જ્યારે ઝોન-૨ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા ૧૪૭ કેસો કરીને ૨૮,૪૭,૬૯૦નો ૫૨૪૩ બોટલ-ટીન દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. તો ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી દ્વારા ૬૦ કેસ કરી ૨,૦૦,૧૬,૭૨૩નો ૩૭૩૯૨ બોટલ-ટીન દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરાયો હતો. આમ કુલ ૩૫૫ કેસમાં જપ્ત થયેલો ૩ કરોડ ૪૯ લાખ ૯૫ હજાર ૬૦૩નો ૮૦૯૫૦ બોટલ-ટીનનો દારૂ-બીયરનો જથ્થો હતો તેનો બૂલડોઝર હેઠળ નાશ કરવામાં આવ્યો હતો. તસ્વીરમાં દારૂ-બીયરના જથ્થા પર બૂલડોઝર ફરી રહ્યું છે તેના દ્રશ્યો જોઇ શકાય છે.
(3:46 PM IST)










