<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને કેરળમાંથી દબોચી લેવાયો

સ્‍ટેટ વિજીલન્‍સ ટીમે હાર્દિકસિંહને કેરળના કોચીમાંથી ઝડપી લીધોઃ અગાઉ ફાયરીંગ કરનાર ૪ શાર્પ શુટરોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા

રાજકોટ, તા., ૧૨ : ગોંડલના રીબડા ગામે અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવનાર મૂળ અડવાળના અને હાલ રાજકોટ રહેતા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાની સ્‍ટેટ વિજીલન્‍સની ટીમે કેરળમાંથી દબોચી લઇ ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ર૪ જુલાઇના રોજ રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે બે બુકાનીધારી શખ્‍સોએ બાઇકમાં આવી પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરી નાસી છુટયા હતા. આ બનાવ બાદ અડવાળ ગામના હાર્દિકસિંહ જાડેજાએ સોશ્‍યલ મીડીયામાં  રીબડા પેટ્રોલ પંપ ઉપર પોતે ફાયરીંગ કરાવ્‍યાનો વિડીયો વાયરલ કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહ અને અજાણ્‍યા ઇસમો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

દરમિયાન રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચ અને ગોંડલ તાલુકા પોલીસની ટીમે ફાયરીંગ કરનાર બે શખ્‍સો સહિત ૪ શાર્પ શુટરોને  મુંબઇ અને આગ્રાથી ઝડપી લીધા હતા. પકડાયેલ શાર્પ શુટરોએ હાર્દિકસિંહના કહેવાથી ફાયરીંગ કર્યાની કબુલાત આપી હતી.  અને તેના બદલામાં હાર્દિકસિંહ શાર્પ શુટરોને રૂપીયા આપવાનું નક્કી કર્યુ હતું. જો કે રૂપીયા આપ્‍યા ન હતા.

દરમિયાન ફાયરીંગ પ્રકરણના મુખ્‍ય સુત્રધાર હાર્દિકસિંહ જાડેજાને ઝડપી લેવા રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચ અને ગોંડલ તાલુકા પોલીસ ટીમે પ્રયાસો કર્યા હતા પણ તે હાથ ન આવ્‍યો હતો. આ દરમિયાન હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચી ખાતેથી  સ્‍ટેટ વિજીલન્‍સની ટીમે ઝડપી લીધો હતો. પોલીસની ટીમ હાર્દિકસિંહને લઇ ગુજરાત આવવા રવાના થઇ છે.

પકડાયેલ હાર્દિકસિંહ જાડેજા સામે રાજકોટ, જુનાગઢ, સુરત સહિતના શહેરોમાં હત્‍યા, હુમલા, ચીટીંગ, અપહરણ, લુંટ અને ખુનની કોશીષ સહિતના ૧૧ ગુન્‍હાઓ નોંધાયા છે.

(2:35 PM IST)