<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

લોકમેળાનું બાંધકામ પૂર્ણઃ કલેકટર દ્વારા આખરી ઓપ

બપોરે ૧ વાગ્‍યાથી તમામ અધીકારીઓ સાથે સમીક્ષા બેઠક શરૂઃ કુલ ર૩ વોચ ટાવરઃ SDRF-NDRFની ટીમો-ડીઝાસ્‍ટર ટીમ માટે અલગ જગ્‍યા ગુરૂવારે સાંજે પ વાગ્‍યે ભવ્‍યાતિભવ્‍ય ઉદ્‌ઘાટનઃ ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ કલેકટર રાજકોટના લોકમેળાનો ઇતિહાસ વર્ણવશે મેદાન સહિત તમામ બાબતોનું નિરિક્ષણ કરતા અધીકારીઓઃ પીવાનું પાણી-મોબાઇલ ટોયલેટની સુવિધાઃ ઇમરજન્‍સી માટે ખાસ પાંચ ગેઇટઃ ૧૭પ૦નો પોલીસ બંદોબસ્‍ત ૧૭ સ્‍થળે ફ્રી પાર્કિંગઃ વાહન ચાલકોને અલગ કલર વાળી પહોંચ અપાશેઃ વીજ પુરવઠા માટે અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ પાથરી દેવાયાઃ પાંચ દિવસ વિખ્‍યાત કલાકારોના કાર્યક્રમો.

રાજકોટ તા. ૧રઃ રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે લોકમેળાની તૈયારી અંગે તમામ અધીકારીઓ સાથે મીટીંગ યોજી આખરી ઓપ આપ્‍યો હતો.

આગામી તા.૧૪ને ગુરૂવારે રાજકોટનો પ્રખ્‍યાત લોકમેળો રેસકોર્ષ મેદાનમાં યોજાશે. જેને લઈને કલેકટર દ્વારા શોર્યનો સિંદૂર લોકમેળાના ઉદઘાટનને લઇ આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. રાજકોટ કલેકટર દ્વારા તમામ બાબતોનું નિરીક્ષણ કરી મહત્‍વની છેલ્લી સૂચના અપાઈ છે. તેમણે રાઇડ્‍સ, સ્‍ટોલના બાંધકામ, પાણી નિકાલ માટેની વ્‍યવસ્‍થા, સફાઈ, લાઈટ, જનરેટર સહિતની તમામ બાબતોની ચકાસણી કરી હતી. આ સમયે કલેકટરની સાથે એડિશનલ કલેકટર એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારી ચાંદની પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકમેળાને લઇ રાજકોટકલેકટર તંત્ર અને પોલીસ તંત્રના સયુંકત ઉપક્રમે લોકમેળામાં કુલ ૨૩ વોચ ટાવર ઉભા કરવામા આવ્‍યા છે.  જેના પરથી સમગ્ર મેળા પર બાજ નજર રાખવામાં આવશે. જેમાં ૧૮ વોચ ટાવર પર પોલીસ તંત્રનો સ્‍ટાફ જયારે મેળાની સેન્‍સેટિવ જગ્‍યા પર અન્‍ય પાંચ વોચ ટાવરમાં SDRF, NDRF, હેલ્‍થ, ફાયરના જવાનોને સ્‍ટેન્‍ડ ટુ રાખવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની સૂચના મળે તો ઝડપથી તે જગ્‍યાએ ટીમ પહોંચી જશે. ક્રાઉડ કંટ્રોલ માટે AIનો ઉપયોગ કરાશે. ડિઝાસ્‍ટર પોઇન્‍ટથી વાત કરીએ તો ડ્રોન અને AI મારફત ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં જે જગ્‍યાએ સૌથી વધુ ક્રાઉડ એકઠું થાય છે તેવી પાંચ જગ્‍યાએ વોચ ટાવર ઊભા કરવામાં આવશે.

આ સિવાય મેળામાં મુખ્‍ય ચાર ગેટ સાથે પાંચ ઇમરજન્‍સી ગેટ ઉભા કરાયા છે. જેથી લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય તો તેને પહોંચી વળી શકાય.

આ સાથે જ મેળાના પ્‍લાનિંગ માટે ડેડીકેટેડ ઇવેલ્‍યુશન પ્‍લાન પણ બનાવવામાં આવ્‍યો છે. આ ઉપરાંત લોકમેળામાં તૈનાત તમામ મુખ્‍ય અધિકારીઓને વોકીટોકી આપવામાં આવશે. જેથી એકબીજા સાથે ઝડપથી કોમ્‍યુનિકેશન થઈ શકે. આ ઉપરાંત ૧૭ જગ્‍યાએ ર્પાકિંગની ફ્રીમાં વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.  દર વખતે વાહનો ચોરી થઈ જાય તેવી ઘટના બને છે જેથી આ વખતે પાંચ દિવસ દરમિયાન ર્પાકિંગ માટે અલગ અલગ કલરની યુનિક નંબર વાળી રીસીપ્‍ટ આપવામાં આવશે. જેથી આ રીસીપ્‍ટ બતાવનાર વ્‍યક્‍તિને જ વાહન લઈ જવા દેવામાં આવશે.

દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં ૯૦ કિલોવોટના ૧૭ વીજ ટ્રાન્‍સફોર્મરમાંથી વીજ સપ્‍લાય કરવામાં આવનાર છે તેમજ છ જેટલા વીજ ટ્રાન્‍સફોર્મર સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવશે.ખાસ તો ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.લોકમેળામાં વીજ કનેકશનો માટે અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ પાથરી દેવામાં આવ્‍યા  છે અને મેળાની તમામ સ્‍ટ્રીટ લાઈટ જનરેટર પરથી ચલાવવામાં આવશે.

લોકમેળામાં તારીખ ૧૪ ના અઘોરી ગ્રુપ, ૧૫ મી એ અલ્‍પાબેન પટેલ, ૧૬ મીએ રાજુ જાદવ, ૧૭ મીએ રાજ ગઢવી અને ૧૮મી એ અનિરુદ્ધ આહીરનું ગ્રુપ લોકોને મનોરંજન પીરસશે. આ દરમિયાન ૩૪ જેટલા નામાંકિત કલાકારોના કાર્યક્રમો યોજાશે. જેમાં ડ્રામા, ફોક ડાન્‍સ, ક્‍લાસિકલ ડાન્‍સ અને મ્‍યુઝિકલ ઇવેન્‍ટ યોજાશે.આ ઉપરાંત સૌરાષ્‍ટ્રના ઉભરતા ગાયક કલાકારો છે તેઓને લોકમેળામાં પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્‍ટેજ મળે તેવો ઉત્તમ પ્રયાસ કરવામાં આવશે. જેમાં દરરોજ સાંજે ૪-૦૦ થી ૭-૦૦ વાગ્‍યા દરમ્‍યાન આ કલાકારો પોતાની કલા લોકો સમક્ષ પ્રદર્શિત કરશે. જેથી ૫૦થી વધુ આર્ટિસ્‍ટ આ દિવસો દરમિયાન પોતાનું પરર્ફોર્મન્‍સ આપશે.

લોકમેળાનું ઉદ્‌ઘાટન શહેર જિલ્લાના પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્‍તે ગુરૂવારે સાંજે ૫ કલાકે કરવામાં આવશે. તેમની સાથે રાજકોટના કલેકટર ડો.ઓમપ્રકાશ રાજકોટના લોકમેળાનો ઇતિહાસ વર્ણવશે. સાથોસાથ ક્રિષ્‍ના નાટિકા અને રાસગરબા સહિતના બે કલાકના કાર્યક્રમો યોજાશે.

અત્‍યાર સુધીમાં મેળાના કુલ૨૩૪ સ્‍ટોલમાંથી ગિરગંગા ટ્રસ્‍ટ, આરએમસી સેવા સહાય જૂથ સહિતની ૧૨ સંસ્‍થાઓને આપવામાં આવ્‍યા છે અન્‍ય ૨૨૨માંથી ૨૧૦ સ્‍ટોલ ફાળવી દેવાયા છે અને ૧૨ ખાલી સ્‍ટોલ હાલ ડિમાન્‍ડમાં છે.

લોકમેળામાં અલગ અલગ ૧૨ ચકડોળ, ઝુલા, મોતના કુવા અને તમામ ૩૪ રાઇડસનું માર્ગ અને મકાન વિભાગ તેમજ જામનગરની એક ખાસ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

લોકમેળામાં સુરક્ષા અને જાહેર સલામતી માટે ‘‘રાઉન્‍ડ ધ ક્‍લોક'' નિગરાનીની વ્‍યવસ્‍થા કરવામાં માટે કલકેટર દ્વારા કુલ ૧૦૮ જેટલા કર્મીઓની નિમણુંક કરવામાં આવી છે. તેમના દ્વારા  દ્વારા ૨૪ કલાક રાઉન્‍ડ ઘ ક્‍લોક  દેખરેખ રાખવામાં આવે છે, જેથી કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને.

સૌરાષ્‍ટ્રમાંથી અંદાજે ૧૫ લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્‍યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં ફજત - ફાળકા સજ્જ થઈ ચૂકયા છે અને મેળા દરમિયાન ક્રાઉડ કન્‍ટ્રોલ કરવા જરૂર પડે મેળાની એન્‍ટ્રી બંધ કરવામાં આવશે.

મેળાના કંટ્રોલરૂમ અને ફોન નંબર

કંટ્રોલ રૂમ                        નંબર

લોકમેળા સમિતિ (ફનવર્લ્‍ડ ગેટ) ૦ર૮૧-ર૯૯૦૩૬૪

પોલીસ કંટ્રોલ (ફનવર્લ્‍ડ ગેટ)    ૦ર૮૧-ર૯૯૦૩૭૪

રાજકોટ મહાનગરપાલિકા (હેડ કવાર્ટર ગેટ)  ૦ર૮૧-ર૯૯૧૩૬૪

પીજીવીસીએલ                   ૦ર૮૧-ર૯૯૧૩૭૪

(4:17 PM IST)