તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 13th August 2025
નડાબેટથી દાંડી સુધી ‘સિંદુર સ્વાભિમાન યાત્રા'
અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજનઃ શહીદોને વંદન - સેનાને અભિનંદન અને સરકારને સમર્થન ૫૧ કારના કાફલા સાથે સંસ્થાના ૨૦૦ કાર્યકરો જોડાશે, યાત્રામાં આવતા દરેક ગામમાં હશીદ રથને પુષ્પાંજલી- ‘સિંદુર સ્વાભિમાન ઝંડા'નું સ્થાપન કરશેઃ ‘સિંદુર'ના છોડ વાવવામાં આવશે, ભારત માતા કી આરતીનું પણ આયોજન

રાજકોટઃ અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદેશાને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્ેશ્ય સાથે ‘સિંદુર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આગામી ૧૬મી ઓગસ્ટના રોજ નડાબેટથી પ્રસ્થાન કરશે અને ૨૯મી ઓગસ્ટના રોજ ઐતિહાસિક દાંડી ખાતે સમાપ્ત થશે. તેમ યુવા આગેવાનોએ જણાવ્યું હતું.
આ યાત્રાનો મુખ્ય હેતુ પહલગામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો, ભારતીય સેનાના જવાનોની અદમ્ય બહાદુરીને બિરદાવવાનો અને ‘ઓપરેશન સિંદુર' સહિત રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને જન-જન સુધી પહોંચાડીને તેને સમર્થન આપવાનો હોવાનું જણાવાયું છે.
યાત્રાના મુખ્ય ઉદ્ેશ્યો આ મુજબ છે. શહીદોને શ્રદ્ધાંજલિઃ પહલગામના આતંકી હુમલામાં શહીદ થયેલા નાગરિકો અને વીર સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવી.
સેનાનું ગૌરવઃ દેશની સુરક્ષા માટે અવિરતપણે સરહદો પર તૈનાત ભારતીય સેનાના જવાનોના અતુલ્ય શૌર્ય અને બલિદાનને બિરદાવવું.
સરકારને સમર્થનઃ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશહિતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા લેવાયેલા મજબૂત નિર્ણયોને જનતા સુધી પહોંચાડીને તેને વ્યાપક સમર્થન પુરૂ પાડવું.
રાષ્ટ્રપ્રેમનો પ્રસારઃ સુરક્ષિત સીમા- સુરક્ષિત રાષ્ટ્ર'ના સંકલ્પને લોકોમાં જાગૃત કરીને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રજ્વલિત કરવી.
યાત્રાનું સ્વરૂપ અને કાર્યક્રમોઃ આ ભવ્ય યાત્રામાં ૫૧ કાર્સ અને ૨૦૦ અખંડ ભારતસ્વાભિમાન મંચના સાથીઓ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતા દરેક ગામમાં શહીદ રથ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. પ્રત્યેક ગામમાં ‘સિંદુર સ્વાભિમાન ઝંડા'નું સ્થાપન કરવામાં આવશે અને દેશપ્રેમના પ્રતીક સમા ‘સિંદુર'ના છોડ વાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન સ્થાનિક લોકો દ્વારા દર સાંજે ‘ભારત માતા કી આરતી'નું આયોજન કરવામાં આવશે, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બનશે.
આ ઉપરાંત યાત્રામાં વર્તમાન સૈનિકો માટે રાખડીઓ એકત્રિત કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકારને અભિનંદન આપવા માટે પોસ્ટકાર્ડ લેખન અભિયાન અને સેનાને સમર્થન દર્શાવવા માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવશે. યાત્રા દરમિયાન શહીદ પરિવારો અને ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવશે, અને એલઈડી સ્ક્ીન પર રાષ્ટ્રીય સુરક્ષા તેમજ ભારતની વિદેશ નીતિ અંગેની મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવશે.
આ યાત્રા ૩ હજાર કિલોમીટરનું અંતર કાપશે જેમાં ૫૦૦થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૫૫૦૦થી વધુ સ્વયંસેવકો જોડાશે. આ પ્રવાસ દ્વારા ૧૦ હજાર વધુ રાખડીઓ અને ૧ લાખથી વધુ પોસ્ટકાર્ડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ‘સિંદુર સ્વભિમાન યાત્રા' રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને સંસ્કારોની જીવંત પરંપરાને ઉજાગર કરવાનો એક પ્રયાસ હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં અખંડ ભારત સ્વાભીમાન મંચના આગેવાનો હાર્દીકસિંહ ડોડીયા, દિગ્વીજય દેસાઈ (મો.૯૮૯૮૯ ૮૯૫૪૩), અમીરાજસિંહ તલાટીયા, જીગરભાઈ માલી (મો.૯૮૨૪૬ ૯૭૫૦૦), ભાવેશભાઈ દેસાઈ, જય ચાવડા, અંકિત ચૌહાણ, વનરાજ મીર, આશુતોષભાઈ મહેતા, હર્ષરાજસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:08 PM IST)










