તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
જૂગારમાં ચીટીંગ કરવા માટેના વધુ ૨.૬૯ લાખના કેમિકલ યુક્ત ગંજીપાના, લેન્સ, મોબાઇલ કબ્જે

અગાઉ ક્રાઇમ બ્રાંચે વિપુલ સાપરીયાને આવા સામાન સાથે પકડયો હતોઃ વિપુલના જ ગોકુલનગરમાં આવેલા બીજા રૂમમાં હવે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ દેસાઇ, પીએસઆઇ ધાધલની હેડકોન્સ. અજયભાઇ વિકમાની બાતમીથી કાર્યવાહી
રાજકોટ તા. ૧૩: થોડા દિવસ પહેલા શહેર ક્રાઇમ બ્રાંચે જૂગારમાં ચીટીંગનું કારસ્તાન પકડી પાડયુ઼ હતું. વાવડી વિસ્તારમાંથી વિપુલ રમેશભાઇ સાપરીયા નામના શખ્સને કેમિકલ યુક્ત ૪૨૬૦ નંગ ગંજીપાનાની કેટ, ચાર મોબાઇલ ફોન, ચાર મખ્ખી બ્લુટુથ તેમજ ૭૫ સોફટ કોન્ટેક્ટ લેન્સ સહિત ૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. આ ગંજીપાના અને બ્લુટુથના ઉપયોગથી જૂગાર રમતી વખતે પહેલાથી ખબર પડી જતી હતી કે બાજી કોણ જીતશે? વિપુલ પોતે જુગારમાં લાખો હારી ગયો હોઇ તેણે યુ-ટયુબ સર્ચ કરી દિલ્હીથી આવી સાધનસામગ્રી વેંચવા મંગાવી હતી. હવે માલવીયાનગર પોલીસે વિપુલના અન્ય એક રૂમમાંથી વધુ આ પ્રકારનો ચીટીંગનો રૂા. ૨,૬૯,૯૦૦નો સામાન કબ્જે કર્યો છે. તેમજ એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે.
માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અજયભાઇ વિકમાને બાતમી મળી હતી કે અગાઉ ક્રાઇમ બ્રાંચે જેને પકડયો તે વિપુલ સાપરીયા માલવીયાનગર પોલીસની હદમાં ગોકુલનગર મેઇન રોડ ગોકુલધામ સોસાયટી-૧ના છેડે પણ એક રૂમ ધરાવે છે અને આ રૂમમાં પણ જૂગારમાં ચીટીંગ કરવાનો સામાન સંઘર્યો છે. આ માહિતી પરથી દરોડો પાડતાં રૂમમાંથી કેમીકલવાળા ગંજીપાના, આંખના લેન્સ, બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી આવતાં અને વ્પિુલ હાજર ન મળતાં મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઠગાઇ કરવાના ઇરાદે અથવા વેંચવાના ઇરાદે કે અન્ય કારણોસર આ ચીજવસ્તુ વિપુલ પોતાના હસ્તકના રૂમમાં રાખ્યો હતો. આ અંગે હાલ માલવીયાનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ કે. બી. શેખલીયા, હિેરનભાઇ પરમાર, હેડકોન્સ. અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.
(3:55 PM IST)










