News of Thursday, 14th August 2025
શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડ
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદવીરો અને ક્રાંતિવીરોને શત શત નમન

રાજકોટ: વિધાનસભા-૬૮ના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદવીરો અને ક્રાંતિવીરોને શત શત નમન છે. આઝાદીના આ અમૃત કાળમાં આપણે સૌ એક દિવ્ય ભારત, ભવ્ય ભારતના નિર્માણમાં સહભાગી થઈએ.
તેમણે જણાવ્યું કે ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭નો દિવસ ભારત માટે ગુલામીની બેડીમાંથી મુક્તિનો દિવસ છે. આ દિવસે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને બહાદુર શહીદોને નમન કરીએ છીએ. આઝાદીના પ્રેમીઓના સ્વપ્નાઓનું ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કટિબદ્ધ છે. નૂતન ભારતના નિર્માણના સંકલ્પ સાથે તેમણે 'સૌનો સાથ, સૌનો વિકાસ'નો મંત્ર આપ્યો છે.
શ્રી કાનગડે વધુમાં ઉમેર્યું કે, 'હર ઘર તિરંગા' અભિયાનથી દેશવાસીઓની રાષ્ટ્રભાવના પ્રબળ બની છે. સમગ્ર દેશ તિરંગામય બન્યો છે અને દેશવાસીઓ એક તાંતણે બંધાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ 'વિકસિત રાષ્ટ્ર' તરફ અવિરત ગતિ કરી રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ આ વિકાસમાં અગ્રેસર છે.
અંતમાં, રાજકોટના ધારાસભ્યશ્રીએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવે આપણે સૌ દેશના વિકાસમાં સક્રિય સહભાગી બની રાષ્ટ્રપ્રેમ, સદભાવના અને સમાજસેવાના ગુણોને ઉજાગર કરવા માટે સંકલ્પબદ્ધ થઈએ.
*આજે રાંધણ છઠ્ઠથી જન્માષ્ટમી પર્વનો પ્રારંભ: સૌરાષ્ટ્રમાં ગોકુળીયો માહોલ: ઉદય કાનગડ*
રાજકોટ: આ વર્ષે સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર એક સાથે આવતા લોકોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે રાજકોટવાસીઓને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, એક તરફ સ્વતંત્રતા પર્વ આપણને રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની પ્રેરણા આપે છે, તો બીજી તરફ જન્માષ્ટમીનો પવિત્ર અવસર ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જીવનમાંથી ધર્મ, કર્તવ્ય અને પ્રેમનો સંદેશ ઉજાગર કરે છે.
આજે રાંધણ છઠ્ઠથી જન્માષ્ટમી પર્વનો રંગેચંગે પ્રારંભ થતા સૌરાષ્ટ્રભરમાં ગોકુળીયો માહોલ છવાઈ ગયો છે. શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેને જન્માષ્ટમી અથવા કૃષ્ણજન્મોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભવ્ય ઉજવણી થાય છે અને ભક્તો કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. રસ્તાઓ પર મટકી ફોડના કાર્યક્રમો યોજાય છે અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' અને 'ગોવિંદા આલા રે' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે.
ભગવાન શ્રીકૃષ્ણનું પ્રેરણાદાયક જીવન
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણનું જીવન સમગ્ર માનવજાતને ધર્મ, ન્યાય અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ગીતા ઉપદેશમાં તેમણે આપેલા કર્તવ્ય, નિષ્કામ સેવા અને સમાનભાવનાના મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભગવાન શ્રીકૃષ્ણે બાળપણથી જ અનેક લીલાઓ કરી અને અનેક સમસ્યાઓનો હસતા મુખે સામનો કર્યો હતો. તેમણે સમાજમાંથી અનિષ્ઠકારક તત્વોનો નાશ કરી એક લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા હતા.
રાજકોટના લોકમેળાનો આજથી પ્રારંભ
આ તહેવારોમાં રંગીલા રાજકોટનો ખ્યાતનામ 'શૌર્ય સિંદૂર' લોકમેળો આજથી શરૂ થઈ રહ્યો છે. રાજકોટવાસીઓ દરેક તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે છે, અને આ મેળામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અંતમાં શ્રી કાનગડે જન્માષ્ટમીના પાવન પર્વે સમાજમાં પ્રેમ, એકતા અને શાંતિ ફેલાવવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું, અને શહેરીજનોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
(2:26 PM IST)










