News of Thursday, 14th August 2025
રૈયાધાર શાંતિનગરમાં ૧૦ વર્ષના નેત્રનું અચાનક બેભાન થઇ ગયા બાદ મોતઃ પરિવારમાં કલ્પાંત
જોધાણી દંપતિએ એકનો એક દિકરો ગુમાવ્યોઃ ફેફસામાં પાણી1 ભરાતું હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું

રાજકોટ તા. ૧૨: રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાંકા સામે શાંતિનગરમાં રહેતાં ૧૦ વર્ષના બાળકનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ શાંતિનગરમાં રહેતાં વિપુલભાઇ જોધાણી અને જાગૃતિબેન જોધાણીનો ૧૦ વર્ષનો દિકરો નેત્ર સવારે અચાનક બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ હુદડે કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર નેત્ર સાધુ વાસવાણી રોડ પરની વિદ્યાનિકેતન સ્કૂલમાં ધોરણ-૫માં અભ્યાસ કરતો હતો. તેના પિતા વિપુલભાઇ જોધાણી ગુજરાત ગેસમાં નોકરી કરે છે. દિકરાને અગાઉ તબિયત સારી ન હોઇ નિદાન કરાવતાં હીમોગ્લોબીન થોડુ ઓછુ હોવાનો રિપોર્ટ આવતાં સારવાર કરાવતાં સારુ થઇ ગયું હતું. આજે સવારે અચાનક તેનો દાંત ખેંચાવા માંડયા બાદ તે બેભાન જેવો થઇ જતાં અમે હોસ્પિટલે લાવ્યા હતાં. પણ જીવ બચ્યો નહોતો. તેમ પિતાએ જણાવ્યુ઼ હતું. મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું હતુ. જેમાં લોહીના ટકા ઓછા હોવાનું અને ફેફસામાં પાણી ભરાતું હોવાનું તારણ નીકળ્યુ઼ હતું. લાડકવાયાના મૃત્યુથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
(2:33 PM IST)










