News of Thursday, 14th August 2025
રેસકોર્સ રીંગ રોડ ઉપર વોઈસ ઓફ ડે‘‘લાયન સર્કલ'' સ્વચ્છતાનાં સારથીઓના હસ્તે ખુલ્લુ મુકાયું
પોલીસ હેડ ક્વાર્ટર પાસેના ચોકને મળી નવી ઓળખઃ ૧૩ ફૂટ ઊંચુ સ્ટ્રક્ચરે શોભા વધારીઃ ડાલામથ્થા સિંહની અદભૂત પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ : રાજકોટ શહેરની શાન સમાન રેસકોર્સ રીંગ રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટર પાસેના ચોકને આજથી નવી ઓળખ મળી છે. આ ચોકનુ આજે વોઈસ ઓફ ડે ‘‘લાયન સર્કલ''નામકરણ થયું છે. રાજકોટનાં સ્વચ્છતાનાં સારથી તરીકે ઓળખાતા બુઝુર્ગ સફાઈ કામદાર બહેનોના હસ્તે આ સર્કલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સર્કલમાં મુકાયેલી ગીરના સિંહની વિશાળ પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
આજે લોકમેળાના પ્રારંભ પૂર્વે વોઈસ ઓફ ડેનાં કળણાલ મણિયાર અને મીરાબેન દોશી મણિયારની ઉપસ્થિતિમાં મહાપાલિકાના ત્રણેય ઝોનનાં કુલ ૧૪ મહિલા સફાઈ કામદારોના હસ્તે આ લાયન સર્કલ ખુલ્લું મુકવામાં આવ્યુ હતું. સફાઈ કામદારો ખરા અર્થમાં સ્વચ્છતાના સારથી છે અને આપણુ આંગણા ઉપરાંત શેરી-ગલીઓ સ્વચ્છ રાખે છે. તેમના સન્માનમાં વોઈસ ઓફ ડે દ્વારા આ ઈનીશીએટીવ લેવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સામુહિક રીતે આ સર્કલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ સફાઈ કામદાર બહેનોને જે માન સન્માન મળ્યું તે અનુભવીને તેઓ લાગણીશીલ બની ગયા હતા અને વોઈસ ઓફ ડેનો આભાર માન્યો હતોઆ ચોકમાં સિંહની જે પ્રતિમા મુકવામાં આવી છે આપણા ભારતમાં સિંહને શક્તિ,સાહસ અને ગૌરવ નું પ્રતીક માનવામાં આવે છે તેથી આ સિંહની પ્રતિમા પણ આપણા રાજકોટનું ગૌરવ વધુ વધારે એવા હેતુ થી વોઇસ ઓફ ડે દ્રારા રાજકોટની શાન રેસકોર્સ રિંગરોડ પર સ્થાપિત કરવા માં આવી છે. આ સર્કલના નામકરણ પ્રસંગે વોઈસ ઓફ ડેનાં તંત્રી પરેશ દવે, એડવાઈઝર જગદીશભાઈ આચાર્ય, ન્યુઝ એડિટર શૈલેન્દ્રસિંહ રાણા અને સિનિયર રિપોર્ટર હુસેન ભારમલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:25 PM IST)










