News of Thursday, 14th August 2025
કાલે સ્વાતંત્ર્ય પર્વ: હર ઘર ઘુંટાશે રાષ્ટ્રભક્તિનો રંગ
અય મેરે પ્યારે વતન... તૂજ પે દિલ કુરબાન, તુહી મેરી આરઝુ, તુહી મેરી આબરૂ, તુહી મેરી જાન... : આન બાન અને શાનભેર લહેરાશે તિરંગો : દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો ઠેર ઠેર થશે ધ્વજ વંદન : ચોમેર અદમ્ય ઉત્સાહ

રાજકોટ તા. ૧૪ : વતન પ્રત્યે પ્રેમ કોને ન હોય? કાલે રાષ્ટ્રપ્રેમ વ્યકત કરવાનો આવસર છે. ૧૫ ઓગષ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા દેશભરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં પણ કાલે સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવાશે. આન, બાન, શાનભેર ત્રિરંગો લહેરાશે. અદભબેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે. આવતી કાલે ચોમેર વતન પ્રત્યેનો પ્રેમ વરસી પડશે. સરકારી કચેરીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન તેમજ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
જીવનનગરમાં ધ્વજવંદન
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે કાલે તા. ૧૫ના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે મહાદેવધામના પટાંગણમાં ધ્વજવંદન અને રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્યગીત સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સમિતિ છેલ્લા ૪૪ વર્ષથી રાષ્ટ્રીય તહેવારોનું આયોજન કરે છે. કાલે સવારે ૮.૩૦ વાગ્યે જીવનનગર ચોકમાં આ કાર્યક્રમો થશે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર યોજવામાં આવશે. છાત્ર છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થશે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, રાવલનગર, શિવપરા સહીતના આસપાસના વિસ્તારના રહીશો ધ્વજ વંદનમાં જોડાશે. તેમ જીવનનગર વિકાસ સીમતિની યાદીમાં જણાવાયુ છે.
રાજકોટ નાગરિક બેંક
રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા કાલે શુક્રવારે સવારે ૯ કલાકે સ્વાતંત્ર્ય પર્વના અવસરે બેંકની હેડ ઓફીસ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે તેમજ બહારગામની તમામ શાખાઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો રાખેલ છે. સર્વે બોર્ડ ઓફ ડીરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલીગેટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્યો અને કર્મચારીઓને ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે અનુરોધ કર્યો છે.
સફાઇ કામદાર જાગૃતિ મંડળ
સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કાલે ૧૫મી ઓગષ્ટના સવારે ૧૧ વાગ્યે મંડળના કાર્યાલય, મહાનગરપાલીકા સીવીક સેન્ટર પાસે, ઢેબરરોડ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખેલ છે. વાલ્મીકી સમાજના આગેવાનો, પટેલશ્રીઓ, તમામ યુનિયનો, વાલ્મીકી સફાઇ કામદાર ભાઇ બહેનોએ જોડાવા અનુરોધ કરાયો છે.
(3:46 PM IST)










