News of Friday, 15th August 2025
દિલીપભાઇ ભાદાણીએ પ્રોપર્ટીમાં રોકાણ માટે આપેલા ૮૦ લાખ નાના મવા રોડનો અરૂણ ગોંડલીયા ખાઇ ગયોઃ દિલીપભાઇનું અવસાન થઇ ગયું હોઇ તબિબ દિકરી માનસીબેન ભાદાણીએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટઃ શહેરમાં ઠગાઇનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મહિલા તબિબના પિતા પાસેથી પ્રોપર્ટી લે-વેંચનું કામ કરવાની સાથે બાંધકામનો વ્યવસાય ધરાવતાં શખ્સે પ્રોપર્ટીના રોકાણના નામે ૮૦ લાખ રૂપિયા લઇ બાદમાં આ રકમ પોતે ઓળવી મહિલા તબિબે ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે યુનિવર્સિટી રોડ પર જલરામ-૪માં મહાલક્ષ્મીનગર-૫ ખાતે માતોશ્રી મકાનમાં રહેતાં તેમજ સંત કબીર રોડ બ્રાહ્મણીયા પરામાં પણ રહેણાંક ધરાવતાં ડો. માનસીબેન દિલીપભાઇ ભાદાણી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી નાના મવા રોડ રત્નવીલા બંગલો નં. ૭માં રહતાં અરૂણ દેવજીભાઇ ગોંડલીયા વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ ૮૦ લાખની ઠગાઇ કરવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની ફરિયાદમાં માનસીબેને જણાવ્યું છે કે તેના પિતા ૨૦૨૪માં બીમારીને કારણે અવસાન પામ્યા હતા. તેના માતા-પિતાએ ૨૦૧૬ની સાલમાં આરોપી પાસેથી હાલ જયાં રહે છે તે મકાન ખરીદ કર્યું હતું. આરોપી તેમના સુલતાનપુર ગામનો છે. એટલું જ નહીં તેના મોટા બાપુજી વગેરેનો મિત્ર છે. આરોપી પ્રોપર્ટી લે-વેચ અને કન્સ્ટ્રકશનનું કામ કરે છે. ૨૦૨૦માં તેના પિતાએ આરોપીને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે રૂા. ૮૦ લાખ આપ્યા હતા. આરોપીની રાજનગર ચોકમાં સ્કવેર-૧ બિલ્ડીંગમાં ગુણાતીતા ફાઈનાન્સ નામની ઓફિસે તેના માતા-પિતા રૂબરૂ જઈ આ રકમ આપી આવ્યા હતા. તેના માતા-પિતાએ યુનિ. રોડ પરનો પ્લોટ, ઘરેણાં વેચી અને બચતની રકમ ભેગી કરી આ રકમ આપી હતી.
ત્યારપછી ૨૦૨૪માં તેના પિતા બીમાર પડતા સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતાં આરોપી પાસે ઉઘરાણી કરી હતી. પરંતુ આરોપીએ રકમ આપી ન હતી. ત્યાર બાદ તેના પિતાને કમળો થતાં પથારીવશ થઈ ગયા હતા. જેથી સારવારના ખર્ચ માટે તેના માતાએ આરોપી પાસે ફરીથી ઉઘરાણી કરી હતી. મિત્રો અને સગાવ્હાલાઓ મારફત પણ રૂપિયાની માગણી કરી હતી. આ પછી તેના પિતાને સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવારનો ખર્ચ રૂા. ૭૦ થી ૮૦ લાખ જેવો થાય તેમ હતો. જેથી ફરીથી ઉઘરાણી કરવા તેનો ભાઈ વંદન આરોપીના ઘરે ગયો હતો. આમ છતાં આરોપીએ રકમ આપી ન હતી.
આ પછી ૨૦૨૪માં મહિલા તબિબના પિતાનું અવસાન થયા બાદ તેના માતાએ ફરીથી ઉઘરાણી કરતાં આરોપીએ મવડીમાં ફલેટ અને મેટોડામાં દુકાન આપવાની વાત કરી હતી. પરંતુ આ -ોપર્ટી આપી ન હતી. આ રીતે આરોપી રૂા. ૮૦ લાખ પરત આપતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના માતા જાગળતિબેન હાલ ઓસ્ટ્રેલિયા ગયા છે. જેથી પોતાની ગેરહાજરીમાં તેને ફરિયાદ કરવા માટે કુલમુખત્યારનામું લખી આપ્યું છે. તેમ વધુમાં ડો. માનસીબેન ભાદાણીએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલે તપાસ હાથ ધરી છે.
(12:32 PM IST)










