News of Friday, 15th August 2025
પતિનો પગાર ઓછો હતો એટલે મહિલાએ ૪ાા લાખની લૂંટનું નાટક રચ્યું!: ન્યુ બાલમુકુન્દની ઘટનાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ શહેરમાં બે દિવસ પહેલા જ ત્રંબા પાસે સાડા ચોત્રીસ લાખની લૂંટનું નાટક આંગડીયા કર્મચારીએ ઘડયાનો પર્દાફાશ થયો હતો. ત્યાં વધુ એક લૂંટનું તૂત સામે આવ્યું હતું. જેમાં એક ગૃહિણીએ સાડાચાર લાખની લૂંટનું નાટક રચતાં ચકચાર મચી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસની તપાસમાં હકિકતનો પર્દાફાશ થતાં મહિલા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવમાં યુનિવિર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ ન્યુ બાલમુકુંદ શેરી-૨ ગોપાલ ચોક ખાતે રામભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહી સેનટીંગ કામની મજૂરી કરતાં મુળ યુપી ગાજીપુરના ઇકરા ગામના રાજન સુબેદાર રામ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી તેણીના સગા માસીના દિકરા સંજય સંગ્રામ રામની પત્નિ ઉમાદેવી સંજય રામ વિરૂધ્ધ લૂંટનું ખોટુ તરકટ રચી ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી અટકાયત કરવા તજવીજ કરી હતી.
ફરિયાદમાં રાજન રામે જણાવ્યું છે કે હું ગુરૂવારે રાજન માસીના પુત્ર સંજય સાથે પાટીદાર ચોકમાં નવી બનતી બિલ્ડીંગમાં કામે ગયો હતો. પાછળથી સંજયને તેની પત્નિ ઉમાદેવીએ કોલ કરી કહ્યું કે તે જમવાનું બનાવતી હતી ત્યારે ત્રણ બુકાનીધારી શખ્સોએ આવી, તેનો હાથ મરડી, ગળા પર છરી રાખી, ઘરમાં મજુરોના પગાર માટે રાખેલા રૂા. ૪.૫૫ લાખ રોકડા અને ઘરેણાં લૂંટી ભાગી ગયા છે. જેથી બંને તુરંત જ ઘરે દોડી આવ્યા હતા. આવીને ૧૧૨માં કોલ કરતાં પોલીસ પહોંચી હતી. જો કે પોલીસે પ્રાથમિક માહિતી એકઠી કરી ત્યાં જ ઘટના શંકાસ્પદ હોવાનું જણાઇ આવ્યું હતું. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડી. બી. કારેથા અને ડી. સ્ટાફની ટીમે મહિલા પોલીસની હાજરીમાં ઉમાદેવી રામની વિસ્તૃત પુછપરછ કરતાં અંતે તે ગેંગેં-ફેંફેં થઇ ગઇ હતી અને ૪,૫૦,૦૦૦ની રોકડ-દાગીનાની લૂંટ નથી થઇ પણ પોતે જ છુપાવી દીધા હોવાનું કહી આ મુદ્દામાલ કાઢી આપતાં પોલીસે રાહત અનુભવી હતી.
ઉમાદેવીને આવુ નાટક ઉભુ કરવા અંગે કારણ પુછવામાં આવતાં તેણે કબુલ્યું હતું કે પતિની આવક-પગાર ઓછો હોવાથી તેણે આવુ નાટક રચ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(12:33 PM IST)










