<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સેન્ટ્રલ ઝોન કચેરી” ખાતે ૧૫-મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય પર્વ”ની ઉજવણી સમારોહ યોજાયો

મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન અને સલામી અર્પણ કરી શહેરીજનોને “સ્વાતંત્ર્ય પર્વ”ની શુભેચ્છા પાઠવેલ.:દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ... પરંતુ, દેશ સેવા માટે માત્ર ઈચ્છાશક્તિ જ જોઈએ : મેયર નયનાબેન પેઢડીયા

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા તા.૧૫-મી ઓગષ્ટ, ૭૯માં “સ્વાતંત્ર્ય પર્વ”ની ઉજવણી અંતર્ગત આજે  રાજકોટ મહાનગરપાલિકા, ડૉ.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ ખાતે મેયર માન. શ્રીમતી નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, ધ્વજવંદન કરીરાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામુહિક રાષ્ટ્રગીતનું ગાન કરેલ.

 

૧૫ ઓગસ્ટ-૨૦૨૫“સ્વાતંત્ર્ય પર્વ” ઉજવણી પ્રસંગે

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાનો શહેરીજનોને શુભેચ્છા સંદેશ

 

યુગોની શહીદીનું આ સ્વપ્ન છે,

મારી માતૃભૂમિનું આ જ રહસ્ય છે,

બલિદાનીઓના કંઈ લેખા નથી,

માં ભારતનું આજે સ્વતંત્રતાનું પર્વ છે.

વ્હાલા નગરજનો,

        આજે આપણા દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સૌ શહેરીજનોને હું ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દેશને આઝાદી અપાવવામાં પોતાના પ્રાણની આહૂતિ આપનાર તમામ ક્રાંતિવીરો, શહીદોને હું શત શત વંદન કરું છું. ભારત દેશને ૧૫ મી ઓગસ્ટ-૧૯૪૭ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મળી ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર “સ્વાતંત્ર્ય દિવસ” તરીકે ગૌરવભેર ઉજવે છે.    

 

લોકતાંત્રિક શાસન પ્રણાલીના પરિણામ સ્વરૂપે આજે લોકશાહીના આદર્શ મૂલ્યોને વરેલો આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી શક્યો છે. આપણો દેશ હાલમાં, વિકાસની આગવી પરિભાષા આલેખી રહ્યો છે. આપ સૌ એ બાબતથી વાકેફ છો કે, આજે આપણા દેશમાં અનેકવિધ વિકાસલક્ષી, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, પ્રોજેક્ટ્સ અને યોજનાઓ મૂર્તિમંત થઈ રહી છે, અને દેશવાસીઓને અવનવી આધુનિક સુવિધાઓ અને લાભો પ્રાપ્ત થઇ રહ્યા છે અને તેના માધ્યમથી લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. દેશને આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓ અને બંધારણની રચના કરનારા મહાનુભાવોના સ્વપ્નો આજે ખરા અર્થમાં સાકાર થઇ રહ્યા છે. ભારત "ન્યુ ઇન્ડિયા" બની રહ્યું છે તેમ હવે નિ:શંકપણે કહી શકાય છે.

 

“દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ...

પરંતુ, દેશ સેવા માટે માત્ર ઈચ્છાશક્તિ જ જોઈએ.”

 

૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ પહેલગામ ખાતે આતંકવાદ હુમલો સમગ્ર દેશ સહિત વિશ્વ માટે એક દુ:ખદ ઘટના હતી, પરંતુ તે ઘટનાએ ભારતને એક નવો સંકલ્પ આપ્યો. “ઓપરેશન સિંદૂર” એ સંકલ્પનું પરિણામ હતું, જેણે દુશ્મનની નાપાક કામગીરીનો યોગ્ય જવાબ આપ્યો અને ભારત તરફથી આતંકવાદને સીધો સંદેશ આપ્યો. “ઓપરેશન સિંદૂર” એ સાબિત કર્યું કે, ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં અને હંમેશા દેશના નાગરિકોનું રક્ષણ કરવા માટે તૈયાર રહેશે. 

 

વર્ષ ૨૦૧૪થી સતત ત્રીજી વખત દેશનું સફળતાપૂર્વક સુકાન સંભાળી રહેલા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના પોતાના શાસનકાળમાં રાજ્યને પ્રગતિના પંથ પર લઈ જઈ, "વિકાસ મોડેલ" તરીકે આગળ ધપાવ્યા બાદ ભારત દેશને પણ વિકાસનો નવો રાહ ચીંધ્યો છે. સરકારશ્રી દ્વારા “મેક ઈન ઇન્ડિયા”, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ વગેરે ઝુંબેશ મારફત સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ, સંકલ્પથી સિધ્ધિ-સેવા અને સુશાસનના ૧૧ વર્ષ દરમ્યાન સૌ દેશવાસીઓને આ વિકાસ યાત્રામાં હોંશભેર સામેલ કર્યા છે. ભારતનો જી.ડી.પી. દર ૭.૪% છે જે દુનિયામાં ઝડપથી વિકાસ પામતા તમામ અર્થતંત્રોમાં સૌથી વધુ છે.

 

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર, આદરણીય વડાપ્રધાનશ્રીની દૂરંદેશીને અનુસરીને ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસનો આ સિલસિલો અવિરતપણે આગળ ધપાવી રહી છે.

 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ પણ વિકાસની હરણફાળ ભરેલ છે. સાથોસાથ વણથંભી વિકાસયાત્રા સતતપણે જાળવી રાખેલ છે. આજે રાજકોટને અત્યાધુનિક એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, મલ્ટી લેવલ બ્રિજ, રામવન, ગાંધી મ્યુઝિયમ, અટલ સ્માર્ટ સિટી, રિંગ રોડ, ઇલેક્ટ્રિક અને સી.એન.જી. બસ સેવા, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, આવાસ યોજના, સ્પોર્ટ્સ સંકુલ, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે. શહેરીજનોને આગામી સમયમાં અનેકવિધ પ્રોજેક્ટ્સ ભેટ મળનાર છે. જેમાં ખાસ કરીને,       

 

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે.

 

શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને “ઘરનું ઘર” મળે તે માટે ટાઉનશીપના ખાલી પડેલ કુલ ૧૮૧ જેટલા આવાસોનો આગામી સમયમાં ડ્રો કરી, જરૂરિયાતમંદોને તેની ફાળવણી કરવામાં આવનાર છે.

 

  શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીની જુની પાઈપલાઈનના સ્થાને તબક્કાવાર ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે.

 

શહેરમાં નવા ભળેલા વિસ્તારો સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, સ્ટ્રીટલાઈટ, રસ્તા કામ, ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, પાર્ટી પ્લોટ, સ્પોર્ટ્સ સંકુલ વગેરે કામો પણ ગતિમાં છે.

 

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાલાવડ રોડ, નવા રિંગ રોડ ચોક ખાતે “આઇકોનિક ઓવરબ્રિજ”નું નિર્માણ કાર્ય ગતિમાં છે.

 

શહેરીજનોની સુવિધામાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં “પી.એમ. ઈ-બસ” અંતર્ગત વધુ ૧૦૦ ઇલેક્ટ્રિક બસ કાર્યરત કરવામાં આવનાર છે.

શહેરમાં નવા પર્યટન સ્થળો વિકસાવવાની નેમ સાથે પૂર્વ ઝોન વિસ્તારમાં ૨૯ હેક્ટર જગ્યામાં “એશિયાટિક લાયન સફારી પાર્ક”નું નિર્માણ કાર્ય ગતિમાં છે.

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સંવેદનશીલતાના એક માધ્યમ તરીકે કેટલાક આશીર્વાદરૂપ નિર્ણયો કરવામાં આવેલ છે. અનેક શહેરીજનો આજે તેનો લાભ લઇ રહ્યા છે...

 

·        સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગોને બસ સેવામાં માટે પાસ મારફત વિનામૂલ્યે મુસાફરી સુવિધા.

·        સિનિયર સિટીઝન્સ, થેલેસેમિયાથી પીડિત દર્દીઓ, દિવ્યાંગ વ્યક્તિઓને લાઈબ્રેરીમાં વિનામૂલ્યે સભ્યપદ.

·        કિડનીની બિમારી ધરાવતા દર્દીઓ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ.

·        દિવ્યાંગ વ્યક્તિને નામે ખરીદવામાં આવેલ અને તેના ઉપયોગમાં રહેલ વાહનને વાહનવેરો ભરપાઈ કરવામાંથી મુક્તિ.

·        શહેરીજનો માટે શહેરી વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને અંતિમવાહિનીની ટોકન દરે સુવિધા.

·        શહેરીજનોને જન્મ તથા મરણની તારીખથી ૦૬(છ) માસ દરમ્યાન જન્મ તથા મરણ પ્રમાણપત્રની ૦૫(પાંચ) નકલ વિનામૂલ્યે.

·        દેશની રક્ષા કરી નિવૃત થયેલ આર્મી જવાનની મિલકતના મિલકતવેરામાં રાહત.

·        શહેરમાં મહિલાઓના નામે નોંધાયેલ મિલકતનો એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કર્યેથી વિશેષ રાહત.

·        શહેરમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરવા સાયકલ તથા ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદીમાં પ્રોત્સાહક વળતર

 જેવા અનેકવિધ નિર્ણય કરી, સંવેદનશીલતા દાખવેલ છે.

 

આ અવસરે હું શહેરની સ્વચ્છતા અને સુંદરતાની બાબત પર પણ વિશેષ ભાર મુકવા ઈચ્છું છુ. આપણું શહેર સ્વચ્છ અને સુંદર શહેર બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રયાસોને સફળ બનાવવા સૌ નગરજનો પણ પોતાનું એક સારા નાગરિક તરીકેનું કર્તવ્ય તથા જવાબદારી સુપેરે નિભાવી, પૂરો સાથ સહકાર આપે તે ખુબ જ આવશ્યક છે. શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખરા અર્થમાં ‘સ્માર્ટ સિટી’ અને ‘લિવેબલ સિટી’ બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર મક્કમપણે આગળ ધપી રહ્યુ છે અને તેમાં "સૌનો સાથ સહકાર" મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે.

 

આજના આ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ચાલો સૌ સાથે મળી, 

આપણા રાષ્ટ્રને સલામત, સમૃધ્ધ અને સર્વશ્રેષ્ઠ બનાવવા સંકલ્પ કરીએ...

 

 

અંતમાં,  ફરીને સ્વાતંત્ર્ય દિવસે સૌ નગરજનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું.

 

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના પ્રજાજોગ શુભેચ્છા સંદેશ બાદ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર છ સફાઈ કામદારો, (૧) શ્રી વાણીયા કિરણબેન ધર્મેશભાઈ, (૨) વાઘેલા ગોવિંદભાઈ લક્ષમણભાઈ, (૩) પઢીયાર નીતાબેન રમેશભાઈ, (૪) મકવાણા અશોકભાઈ ભીખાભાઈ, (૫) ટીમાણીયા શારદાબેન રમેશભાઈ અને (૬) વાઘેલા ભાવેશભાઈ નથુભાઈનું પદાધિકારીઓ દ્વારા શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ ઉપરાંત આ પ્રસંગે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કામદારોને રૂ.૧૦,૦૦૦/-નો પ્રતિકરૂપે ચેક અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. જેમાં (૧) પરમાર જસુબેન, (૨) વાઘેલા સોનલબેન, (૩) ટીમાણીયા પંકજભાઈ, (૪) શિંગાળા સાગર, (૫) વાઘેલા હંસાબેન, (૬) મકવાણા જીતુભાઈ, (૭) નૈયા ભાનુબેન, (૮) ઝાલા મુકેશભાઈ અને (૯) ગોહિલ અમિતભાઈનું સન્માન કરવામાં આવેલ.

 

         આ ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ઉજવણી સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની (IAS), શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, મીનાબા જાડેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુગસીયા, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કાટોડીયા, દક્ષાબેન વસાણી, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, વિનોદભાઈ સોરઠીયા, ડૉ.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નિલેષભાઈ જલુ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્ધપુરા, વિનુભાઈ ઘવા, કીર્તીબા રાણા, સંજયસિંહ રાણા, દક્ષાબેન વાઘેલા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન ડૉ.પ્રવીણ નિમાવત, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સીટી એન્જી. પરેશ અઢિયા, અતુલ રાવલ, મનોજ શ્રીવાસ્તવ, ભાવેશ જીવાણી, મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી. રૂપારેલીઆ, પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, આસી. કમિશનર સમીર ધડુક, ભારત કથારોટીયા, એન. કે. રામાનુજ, આરોગ્ય અધિકારી લલિત વાજા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, ગાર્ડન ડાયરેક્ટર ભાવેશ જાકાસનીયા, ગાર્ડન સુપ્રિ. આર.કે. હિરપરા, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, મેનેજર કૌશિક ઉનાવા, મેહુલ ગાંધી, વત્સલ પટેલ, નીરજ વ્યાસ, નાયબ કાર્યપાલક ઈજનેર જે.ડી. કુકડિયા, ભરત બોલાનીયા, આર.બી. સોલંકી, દબાણ હટાવ શાખાના અધિકારી કેપ્ટન પરબત બારિયા, ચીફ લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેસણા, ફાયર બ્રિગેડના જવાનો, મનપાના કર્મચારી તથા શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

(3:08 PM IST)