<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાજકોટના પ્રસિદ્ધ લોકમેળામાં 11 રાઈડ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળી :હજુ પણ 23 રાઈડ્સ મંજૂરીની રાહમાં

મોડી રાત્રી સુધીમાં અન્ય રાઈડ્સ શરૂ કરવા લાયસન્સ મળે તેવી સંભાવના: રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાનો આનંદ બેવડાયો

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે અને રાજકોટવાસીઓ મેળાની મોજ માણવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. રાજકોટ લોકમેળામાં 11 યાંત્રિક રાઈડ્સ લોકમેળામાં શરૂ કરાઇ છે. યાંત્રિક રાઈડ્સ શરૂ થતાં લોકો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. 

 

રાજકોટમાં 5 દિવસના લોકમેળામાં આજે બીજો દિવસ છે. તેવામાં રાજકોટ લોકમેળામાં 11 રાઈડ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હજુ પણ 23 રાઈડ્સ મંજૂરીની પ્રક્રિયામાં ડોક્યુમેન્ટસ અપૂરતા હોવાને કારણે બંધ હાલતમાં છે. આજે મોડી રાત્રી સુધીમાં અન્ય રાઈડ્સ શરૂ કરવા લાયસન્સ મળે તેવી સંભાવના વર્તાઇ રહી છે. રાજકોટ મનપા દ્વારા રાજકોટ લોકમેળામાં ચાલતી રાઇડ્સને લઇ અસમંજસ જોવા મળી રહી છે. 

 

રાજકોટ મેળામાં 11 યાંત્રિક રાઈડ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળતા મેળાના આયોજકોમાં થોડી રાહત મળી છે. જોકે  બાકીની 23 રાઇડ્સ પણ આજે રાત સુધીમાં શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. બે-બે દિવસ સુધી રાઇડ્સ બંધ રહેતા રાઇડ્સ સંચાલકો અને મેળો માણવા આવતા લોકોમાં જરૂરથી નિરાશા જોવા મળી રહી છે. કારણ કે મોટાભાગના લોકો મેળામાં રાઇડ્સની સફર કરવા માટે આવતા હોય છે અને તે બંધ હોવાથી મેળાની મજા અધૂરી માનતા હોય છે.

(6:49 PM IST)