<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

હાર્દિકસિંહે સુરતના વેપારીનું અપહરણ કરી ૩૨૦૭૧ યુએસડીટી રાજકોટના ધનરાજ ડોડીયાના બિયાન્‍સ એકાઉન્‍ટમાં કરાવ્‍યા હતાં ટ્રાન્‍સફરઃ નાના મવા રોડનો ધનરાજ હાલ રહે છે દુબઇઃ તેણે રાજકોટના સાગર વ્‍યાસને મોકલ્‍યા હતાં ૧૫.૬૫ લાખ

રીબડા પેટ્રોલ પંપ ફાયરીંગ કેસમાં સામેલ હાર્દિકસિંહ હાલ સુરત પોલીસની કસ્‍ટીમાં છે રિમાન્‍ડ પરઃ દોરડે બાંધી મહિલા પોલીસે કરાવ્‍યું રીકન્‍સ્‍ટ્રક્‍શન : સુરતના અને હાલ દુબઇ રહેતાં વિરલ રૂપારેલીયાનું પણ નામ ખુલ્‍યું: રિમાન્‍ડ પુરા થયા બાદ ગોંડલ પોલીસ લેશે કબ્‍જો

રાજકોટઃ  રીબડા પેટ્રોલ પંપ પર ફાયરીંગ કેસમાં ઝડપાયેલા હાર્દિકસિંહને ઝડપી લેવાયા બાદ તે હાલ સુરત પોલીસ પાસે રિમાન્‍ડ પર છે. સુરતમાં તેના પર અપહરણ લૂંટનો ગુનો નોંધાયો હતો. સુરતમાં યુએસડીટી કોઈન (એટલે કે યુનાઈટેડ સ્‍ટેટ્‍સ ડિપાર્ટમેન્‍ટ ઓફ ટ્રેઝરી. આ એક ક્રિપ્‍ટો કરન્‍સી છે જેની કિંમત અમેરિકી ડોલર બરાબર છે)ની લૂંટના મુખ્‍ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને સુરત પોલીસે રિમાન્‍ડ પર લઈ આજે રિકન્‍સ્‍ટ્રક્‍શન માટે ઘટનાસ્‍થળે પહોંચાડ્‍યો હતો. કુખ્‍યાત આરોપીને દોરડાથી બાંધીને બે મહિલા પોલીસના હાથેથી ચલાવવામાં આવતા દૃશ્‍યો શહેરમાં ચર્ચાનો વિષય બન્‍યા છે. હાર્દિકસિંહ પર યુએસડીટી ટ્રેડિંગ સાથે સંકળાયેલા યુવકનું અપહરણ કરી ૩૨,૦૭૧ યુએસડીટી એટલે કે ૨૭ લાખની લૂંટ કરી તેને દુબઈ ટ્રાન્‍સફર કરી દેવાનો આરોપી છે. આ તપાસમાં મુળ રાજકોટના બે શખ્‍સોના નામ સામે આવ્‍યા છે. જેમાં એક હાલ દુબઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ સુરતના રાંદેર વિસ્‍તારમાં લાઇફસ્‍ટાઇલ ફ્‌લેટ્‍સમાં રહેતા અને યુએસડીટી કોઈન ટ્રેડિંગના વ્‍યવસાય સાથે સંકળાયેલા મુસ્‍તકીન અફઝલમહંમદ ઝુનઝુનીયા (મૂળ રહે. ધોરાજી, જિ. રાજકોટ) ગત ૨૭ નવેમ્‍બર ૨૦૨૪ની રાતે ઝેનબ હોસ્‍પિટલ પાસેથી કારમાં અપહરણ કરી જવાયું હતું. મુસ્‍તકીનના ગળા પર છરો મૂકી તેનાં ફાયનાન્‍સ એકાઉન્‍ટમાંથી ત્રણ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા કુલ ૩૨,૦૭૧ યુએસડીટી ટ્રાન્‍સફર કરાવી લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી દેવાયો હતો. આ લૂંટકાંડની શરૂઆત કૈલિયાની રાજકોટ જેલમાં હાર્દિકસિંહ સાથે થયેલી ઓળખાણથી થઈ હતી. ગુનાનો સૂત્રધાર અને અનેક ગંભીર ગુનાઓમાં વોન્‍ટેડ હાર્દિકસિંહ જાડેજા આ ઘટના સમયે ફરાર થઈ ગયો હતો.

આ ચકચારી ઘટનામાં લિંબાયતનાં ટપોરી કૈલાશ, બન્‍ટી વિરુદ્ધ ગુનો નોંધી ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્‍ય સૂત્રધાર તરીકે રાજકોટના વામ્‍બે આવાસ યોજનામાં રહેતાં અને તાજેતરમાં જ રીબડાનાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી ચર્ચામાં આવેલા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાનું નામ બહાર આવ્‍યું હતું. વધુ માહિતી અનુસાર નવ મહિનાથી સુરતના ગુનામાં વોન્‍ટેડ હાર્દિકસિંહને એટીએસએ ઝડપ્‍યા બાદ સુરત એસઓજી ઈન્‍સ્‍પેક્‍ટર એ.પી. ચૌધરીએ તેનો કબજો મેળવ્‍યો હતો અને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા.

હાર્દિકસિંહની પૂછપરછમાં તેણે મુસ્‍તકિનનું અપહરણ કરી ટ્રાન્‍સફર કરાવેલા ૩૨,૦૭૧ યુએસડીટી રાજકોટના નાના મવા રોડ ઉપર કસ્‍તુરી એપાર્ટમેન્‍ટના વતની હાલ  દુબઈ ગયેલા ધનરાજ ડોડિયાના બિયાન્‍સ એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવ્‍યા હતા. જેમાંથી ૧૫.૬૫ લાખ રૂપિયા દુબઈથી ૨૮મી નવેમ્‍બરે દુબઈથી આંગડિયા મારફત રાજકોટના સાગર ધર્મેન્‍દ્ર વ્‍યાસને મોકલવામાં આવ્‍યા હતા. હજુ પણ ૧૪ હજાર યુએસડીટી  કોઈન દુબઈમાં ધનરાજ ડોડિયા પાસે જ હોવાનું હાર્દિકે જણાવ્‍યું હતું.

હાર્દિકસિંહની ધરપકડ બાદ વધુ બે ધનરાજ, સાગર વ્‍યાસ અને સુરત સુમુલ ડેરી રોડ, સહયોગ સોસાયટીનાં અને હાલ દુબઈ રહેતાં વિરલ કિરીટ રૂપારેલીયાનું નામ બહાર આવ્‍યું હતું. જેથી, પોલીસ દ્વારા હાલ તો તમામને તપાસ કરીને તેઓની સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ભૂમિકા છે. અત્‍યાર સુધી તેઓ કઈ કઈ બાબતમાં સંડોવાયેલા છે તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

એસએમસીએ આરોપી હાર્દિક સિંહને લઈને એસઓજી પોલીસ રાંદેર વિસ્‍તાર ખાતે પહોંચી હતી. આરોપી કુખ્‍યાત હોવાથી તેને દોરડાથી બાંધવામાં આવ્‍યો હતો. આ સાથે જ પોતાને મોટો ગુનેગાર માનતો હોવાથી તેને બે મહિલા પોલીસ દ્વારા દોરડાથી પકડીને ચલાવવામાં આવ્‍યો હતો. કુખ્‍યાત આરોપીને બે મહિલાએ દોરડાથી બાંધીને ચલાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્‍યો હતો. હાર્દિક સિંહને સ્‍ટેટ મોનિટરિંગ સેલે અગીયારમી ઓગસ્‍ટે કેરળના કોચીથી ઝડપી લીધો હતો.હાર્દિકસિંહ વિરૂધ્‍ધ સુરતના રાંદેર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતોફરતો હતો, જેથી તેને રાંદેર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી તેને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવશે. ચોવીસમી જુલાઈની રાત્રે લગભગ એક વાગ્‍યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ નામના પંચ ઉપર બે અજાણ્‍યા બુકાનીધારી શખ્‍સે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી.  આ ઘટનામાં મુખ્‍ય સુત્રધાર હાર્દિકસિંહ હાલ સુરત પોલીસમાં રિમાન્‍ડ પર હોઇ વધુ પુછતાછ થઇ રહી છે.

(12:43 PM IST)