<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

રાજકોટને હાઇકોર્ટ બેંચ આપવા રાજયસભાના સાંસદ

રામભાઇ મોકરીયા દ્વારા કેન્‍દ્રના કાયદા મંત્રીને રજુઆત કરાઇ ફુલ બેંચ નહિ તો ૧પ દિવસની લીંક કોર્ટ શરૂ કરવા મોકરીયાએ પત્ર પાઠવ્‍યો

રાજકોટ તા. ૧૯: રાજકોટ બાર એસોસિએશન દ્વારા ૨૦૧૫માં રાજકોટ શહેરમાં હાઇકોર્ટ બેંચ આપવા માટે રજૂઆત કરેલી તે સંદર્ભે બાર એસોસિએશન સભ્‍યોએ રામભાઈ મોકરીયાને પણ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે રજૂઆત કરતા સંસદ સભ્‍ય(રાજ્‍ય સભા) રામભાઈ મોકરીયા દ્વારા તારીખ ૨૦/૯/૨૦૨૨ ના રોજ કેન્‍દ્રના કાયદા મંત્રી શ્રી કિરણ રિજજુ ને વિગતવાર પત્ર લખવામાં આવેલ. આ બાબતે  કેન્‍દ્રના કાયદા મંત્રી શ્રીકિરણ રિજજુ  દ્વારા તારીખ ૨૭/૧૦/૨૦૨૨ ના રોજ જવાબ આવેલ કે ‘જેમાં મુખ્‍ય બેઠક સિવાય અન્‍ય સ્‍થળે હાઇકોર્ટ બેન્‍ચની સ્‍થાપના જશવંતસિંહ કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો અને ૨૦૦૦ના W.P.(C)નં. ૩૭૯માં સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અને રાજ્‍ય સરકાર તરફથી સંપૂર્ણ દરખાસ્‍ત ઉપર વિચારણા કર્યા પછી કરવામાં આવે છે.જેમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા અને ખર્ચને પહોંચી વળવા માટેની તૈયારીનો સમાવેશ થઈ છે. સાથેસાથે સંબંધિત નામદાર ચીફ જસ્‍ટિસ અને નામદાર ગવર્નરની સમંતિ પણ જરૂરી છેૈ આ રીતે રાજ્‍ય સરકાર દ્વારા દરખાસ્‍ત કેન્‍દ્ર સરકારને મોકલવામાં આવે તો આ બાબતે આગળની કાર્યવાહી થઈ શકે. જેથી કેન્‍દ્રીય કાયદામંત્રીશ્રી દ્વારા મળેલ જવાબ  સંદર્ભે સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા દ્વારા ગુજરાત સરકારશ્રીના મુખ્‍યમંત્રીશ્રીને તારીખ ૨/૩/૨૦૨૩ ના રોજ વિગતવાર પત્ર લખેલ જેમાં નીચે પ્રમાણે કારણો જણાવેલ છે.

રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે કે, સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લા પૈકી છેવાડાના જિલ્લા જેવા કે પોરબંદર જિલ્લાનું મુખ્‍ય મથક અને તેની આજુબાજુના ગામોથી ં અમદાવાદ જવા માટે અંદાજે સાડા ચારસો કિલોમીટર અંતર કાપવું પડે છે. એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાના છેલ્લા ગામોનું અંતર ૪૫૦ કિલોમીટર થાય છે તે પ્રમાણે દેવભૂમિ દ્વારકાનો છેલ્લો તાલુકો ઓખાના દૂરના ગામડાઓ નું અંતર અંદાજે ૫૦૦ કિલોમીટર થાય છે એ રીતે કચ્‍છના છેવાડાનો તાલુકો લખપતના ગામડાઓથી અમદાવાદનું અંદાજિત અંતર ૫૦૦ કિલોમીટર થાય છે. જો રાજકોટને નવી હાઇકોર્ટ બેંચ મળે તો આ દૂરના જિલ્લાના છેવાડાના ગામના લોકોને અમદાવાદ જવાને બદલે રાજકોટ જવા માટે અંદાજિત ૫૦% જેવું અંતર ઓછું થઈ જાય. સમયનો બચાવ થાય, આર્થિક રીતે ફાયદો થાય અને ઝડપી ન્‍યાય મળે.

રાજકોટ શહેર ગુજરાતના બધા જિલ્લા સાથે રોડ રેલવે દ્વારા સંકળાયેલ છે જેથી આજુબાજુના જિલ્લાના લોકોને રાજકોટ શહેર આવવું વધુ સુગમ પડે છે.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં કુલ પેન્‍ડિંગ કેસો છે. તે પૈકી અંદાજિત ૪૦% જેવા કેસો સૌરાષ્‍ટ્રના પેન્‍ડિંગ છે.  જેથી રાજકોટને હાઇકોર્ટ બેન્‍ચ મળે તો અમદાવાદ ખાતે હાઇકોર્ટમા કેશોનું ભારણ ઓછું થઈ જાય. 

ગુજરાતના પાડોશી રાજ્‍યો મહારાષ્‍ટ્ર મધ્‍યપ્રદેશ રાજસ્‍થાન તથા દૂરના રાજ્‍યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્‍યોમાં અલગ હાઇકોર્ટ બેંચ આપવામાં આવેલ છે તે પ્રમાણે રાજકોટને હાઇકોર્ટ બેંચ આપવાની ખાસ જરૂરિયાત છે.

અગાઉ રાજકોટમાં ૦૧/૦૫/૧૯૬૦ પહેલા હાઇકોર્ટ બેન્‍ચ કાર્યરત હતી. રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર નવી સેશન કોર્ટ શરૂ કરવામાં આવી છે તેમાં પૂરતી સુવિધા ઉપલબ્‍ધ છે જેથી વિશેષ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભું કરવાનો પ્રશ્‍ન નથી. જો ફુલ બેંચ આપવામાં ન આવે તો ૧૫ દિવસની લીંક કોર્ટ આપવા ભલામણ છે.

અત્‍યારે સોશિયલ અને ટેકનોલોજીના યુગમાં લોકોને ઝડપી ન્‍યાય મળે તે માટે ઉપર જણાવેલ રજૂઆતના વિકલ્‍પે videં કોન્‍ફરન્‍સ દ્વારા કેસ ચલાવીનેરાજકોટને હાઇકોર્ટ બેન્‍ચની સુવિધા આપવા માટે ભલામણ છે.

   આ બાબતે ફરીવાર મારી ઓફિસના જાવક નંબર તારીખ ૦૨/૦૮/૨૦૨૫ ના રોજથી  ગુજરાત સરકારશ્રીમાં લેખિત રજૂઆત કરેલ છે તેમજ રૂબરૂમાં પણ મૌખિક રજૂઆત કરેલ છે.આ બાબતે સરકારશ્રીનો હકારાત્‍મક અભિગમ છે. તેમ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે.

(2:28 PM IST)