News of Tuesday, 19th August 2025
કાલાવડ રોડ શ્રીજી હોટલ નજીક એડવોકેટ ધર્મેશ ચોકસીને છરી બતાવી ધમકીઃ ૭ શખ્સો વિરૂધ્ધ ગુનો
સાતથી આઠ ગાડીઓ ટ્રાફિકને અડચણરૂપ રાખવામાં આવી હોઇ વકિલે ફોન કરી પોલીસ બોલાવતાં ડખ્ખો :વાહનો સાઇડમાં લેવડાવી પોલીસ જતી રહ્યા બાદ હાર્દિક રાઠોડ સહિતનાએ ગાળો દઇ ધમકી દીધીઃ બાદમાં કાર, ટુવ્હીલરથી પીછો કરી વારંવાર ધમકીઓ આપીઃ ટુવ્હીલરમાં પણ ધૂંબો મારી નુકસાન કર્યુઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી :પોલીસને કેમ બોલાવી? તને મારી નાખતા વાર નહિ લાગે કહી ધમકીઃ અમુકે મોઢે કપડુ બાંધ્યું હતું

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે રાત્રીના નંબર વગરની અને નંબરવાળી આઠથી દસ ગાડીઓ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે રાખવામાં આવી હોઇ અહિ ચા પીવા ઉભેલા એડવોકેટે પોલીસને ફોન કરતાં પોલીસે આવી આ ગાડીઓ સાઇડમાં લેવડાવતાં અને બાદમાં પોલીસ જતી રહેતાં અજાણ્યા શખસોએ એડવોકેટને ગાળો દઇ તું કેમ પોલીસને બોલાવે છે? કહી ધમકી દઇ તેમજ તેનો પીછો કરી એકથી વધુ વખત છરી બતાવી ધમકીઓ આપતાં તેમજ એડવોકેટના ટુવ્હીલરમાં નુકસાન કરતાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં એક શખ્સનું નામ એડવોકેટને જાણવા મળતાં તેના સહિતના ૭ શખ્સો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.
આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ જગન્નાથ પ્લોટ શેરી નં. ૨/૪ના ખુણે અમરનાથ મહાદેવ મંદિરવાળા રોડ પર રહેતાં ધર્મેશભાઇ યશવંતભાઇ ચોક્સી (ઉ.વ.૪૭) નામના એડવોકેટની ફરિયાદ પરથી હાર્દિક દિલીપભાઇ રાઠોડ, એકટીવા નં. ૯૯૯ના ચાલક, કાર નં. જીજે૦૩એચકે-૫૮૦૦માં આવેલ અન્ય શખ્સો મળી કુલ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ધર્મેશભાઇ ચોક્સીએ જણાવ્યું છે કે હું રાજકોટ કોર્ટમાં વકિલ તરીકે પ્રેકટીસ કરુ છું. રાતે સાડા બારેક વાગ્યે હું મારા ટુવ્હીલરમાં કાલાવડ રોડથી ઘર તરફ જતો હતો ત્યારે શ્રીજી હોટલ પાસે ચોકમાં આઠથી દસ ગાડીઓ રોડ પર ટ્રાફિકને અવર-જવરમાં અડચણરૂપ થાય એ રીતે રસ્તામાં પડી હોઇ જેમાં અમુક કાર નંબરવાળી અને અમુક નંબર પ્લેટ વગરની હતી. હું શ્રીજી હોટલ પાસે ચા પીવા ઉભો હોઇ આડેધડ વાહનો પાર્ક થયેલા હોઇ અને અકસ્માત સર્જાય તેવો ભય હોઇ જેથી મેં ૧૦૦ નંબરમાં પોલીસને ફોન કર્યો હતો. આથી પોલીસ આવી હતી અને અડચણરૂપ વાહનો દૂર કરાવ્યા હતાં. બાદમાં પોલીસ જતી રહી હતી.
આ પછી એક શખ્સ આવ્યો હતો અને તેનું નામ હાર્દિક રાઠોડ હતું. તેની સાથે અન્ય એક ૯૯૯ નંબરના એક્ટીવાનો ચાલક પણ આવ્યો હતો. આ બંનેએ મારી સાથે ઝઘડો કરી ‘તે કેમ પોલીસને બોલાવી?' કહી ગાળો દીધી હતી અને તારે જીીવવું છેને? આમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મેં ફરીથી પોલીસને બોલાવવા કોલ કરતાં આ બંને જતાં રહ્યા હતાં. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી મોડેથી શ્રીજી હોટલ પાસેથી મારા ઘર તરફ જવા નીકળતાં ૯૯૯ નંબરનું એક્ટીવા અને અન્ય એક્ટીવા લઇને હાર્દિક સહિતના શખ્સોએ મારો પીછો કર્યો હતો. જેમાં અજાણ્યા શખ્સો મોઢે કપડુ બાંધીને આવ્યા હતાં.
હું આથી ઘરે ગયો નહોતો અને ગિરીરાજ હોસ્પિટલ તરફ જતો રહેલ. બાદમાં ત્યાં શક્તિ હોટલ પાસે ઉભો રહેતાં હાર્દિક સહિતના શખ્સો આવ્યા હતાં અને તેણે પેન્ટના નેફામાંથી છરી કાઢી મને બતાવી મારી નાખવામાં કોઇ વાર નહિ લાગે તેમ કહી ધમકી આપી હતી. આથી મેં ફરીવખત પોલીસને ફોન કરતાં આ લોકો જતા રહ્યા હતાં. ત્યાં અન્ય એક માણસ સફેદ રંગની કાર નં. ૫૮૦૦માં આવ્યો હતો. તેમજ થોડીવાર બાદ બીજા બે આવ્યા તેમાં હાર્દિક અને બીજો મજબૂત બાંધાનો હતો. તેણે છરી કાઢી પતાવી દેવાની ધમકી દઇ ગાળો દીધી હતી. બીજા શખ્સોએ પણ ગાળો દીધી હતી. લોકો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો.
પરંતુ એક શખ્સે મને પકડી રાખયો હતો અને હુમલો કરવાની કોશીષ કરતાં ફરી મેં પોલીસ બોલાવવા કોલ કરતાં આ લોકો જતા રહ્યા હતાં. તેમજ જતાં જતાં મારા બાઇકના મોરા પર ઢીકા મારી મોરો તોડી નાંખી રૂા. ૨૦૦નું નુકસાન કરી જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી નીકળી ગયા હતાં. આ પછી હું ફયિરાદ કરવા પોલીસ સ્ટેશને જતો હતો ત્યારે શ્રીજી હોટલ પાસે પહોંચતા ત્યાં હોટેલના ફોટા પાડતો હતો ત્યારે મારી સાથે ઝઘડો કરનારા હાજર હોઇ તેણે બોલાચાલી કરી હતી. આ પછી પોલીસ સ્ટેશને પહોંચી ફયિરાદ કરી હતી. હોટલ પાસે આડેધડ વાહનો પાર્ક કરાયા હોઇ મેં પોલીસને બોલાવતાં ખાર રાખી મને હાર્દિક સહિતનાએ છરી બતાવી વારંવાર અટકાવી ધમકીઓ આપી હતી. તેમજ મારા વાહનમાં ધુંબો મારી નુકસાન કર્યુ હતું. તેમ વધુમાં એડવોકેટ ચોક્સીએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભોજભાઇ મોભે ગુનો નોંધી ૭ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(4:09 PM IST)










