તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 19th August 2025
મેળાની ‘‘ઉઠતી'' બજાર : હજારો રાજકોટવાસીઓ સસ્તા ભાવે રમકડા-ગૃહઉપયોગની ચીજવસ્તુ ખરીદવા ઉમટયા
મેળાની અંદર-બહાર સવારના ૧૦ વાગ્યામાં ભીડ જામી : પોલીસે લાઠીઓ સાથે દોડવું પડયુ

મેળાના સમાપન બાદ લોકમેળાના મેદાનમાં ૪ થી પ હજાર કે તેથી વધુ લોકો આજે સવારે સસ્તા ભાવે ચીજ વસ્તુ ખરીદવા ઉમટી પડયા તે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૧૯ : કલેકટર તંત્ર આયોજીત શોર્યનો સિંદૂર લોકમેળો શાંતિપૂર્ણ પૂર્ણ થયો, તંત્ર-અધીકારીઓએ હાશકારો અનુભવ્યો, સ્ટોલધારકો-લોકોને મોજ પડી ગઇ, વેપારીઓ લાખો કમાયા અને મેળો પૂર્ણ થવા છતાં આજ સવારે ૯ વાગ્યાથી બપોરે ર સુધીમાં સ્ટોલ ધારકોને હજારોની કમાણી અનેક વસ્તુમાં ચાલુ રહી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાની પૂર્ણાહૂતિ બાદ બીજા દિવસે રેસકોર્ષ મેદાનની અંદર અને બહુમાળીની ફુટપાથો પર અને એરપોર્ટ સામેની દરવાજા પાસેની રેસકોર્ષ રીંગ રોડ પરની ફુટપાથો ઉપર ૪૦ થી પ૦ ટકા ભાવે સસ્તામાં રમકડાં, ડીનર સેટ, ગૃહ ઉપયોગની ચીજ વસ્તુઓ તથા અન્ય વસ્તુઓ લેવા હજારો લોકો ઉમટી પડયા હતા. રમકડાના દરેક સ્ટોલ ઉપર જબરી ભીડ જતી હતી, મેળાની અંદર-બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા, પ૦ ટકાના ભાવે દરેક વસ્તુ વેચાતી નજરે પડી હતી.
સવારે ૧૧ વાગ્યે તો એટલી બધી ભીડ જામી કે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી પોલીસે લાઠીઓ સાથે દોડી જવુ પડયું હતું, સ્ટોલધારકોનો ઉઘડો લેવાયો હતો, મેળાની અંદરથી લોકોને પણ બહાર કઢાયા હતા, ફૂટપાથો ઉપરથી વસ્તુ વેચનારાઓને હાંકી કઢાયા હતા, પોલીસની ગાડીઓ બોલાવાઇ હતી, લોકો મેળાની અંદર વાહનો સુધી ઘુસી ગયા હતા, ભારે ધમાસણ થયું હતું. (તસ્વીરઃ અભીજિત બગથરીયા)
(3:24 PM IST)










