તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
શાહનવાઝ પર ફાયરીંગનો વિડીયો વાયરલઃ પોલીસે તમંચા સાથે પરીયો અને ભયલુને દબોચી લીધા
સાતમની રાતે કોઠારીયા રોડ નિલમ પાર્કમાં બનાવ બન્યો હતો ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમે બંનેને પકડી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટઃ શહેરમાં સાતમની મોડી રાતે કોઠારીયા રોડ નિલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતાં અને ઘર નજીક જ કેજીએન સ્ટોર નામે કરિયાણીની દૂકાન ધરાવતાં શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ (ઉ.વ.૨૦) નામના યુવાન પર બે શખ્સોએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી હતી. સાતેક મહિના અગાઉ શાહનવાઝના મિત્ર એવા સમીર ઉર્ફ મરઘાએ પુનીતનગર પાણીના ટાંકા પાસે નામચીનની છાપ ધરાવતાં પ્રદિપસિંહ ઉર્ફ પરીયા ગઢવી પર ફાયરીંગ કર્યુ હોઇ તેનો ખાર રાખી પરીયા અને ભયલુએ શાહનવાઝ પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. જેમાં શાહનવાઝ દૂકાનના ઓટલે બેઠો મોબાઇલ જોતો હોય છે ત્યારે આ બંને શખ્સ ટુવ્હીલર પર આવતાં અને ફાયરીંગ કરતાં દેખાય છે. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા, અશ્વીનભાઇ સહિતે હત્યાની કોશિષ, ફાયરીંગનો ગુનો નોંધ્યો હતો. બંને આરોપીઓ પરેશ ઉર્ફ પરીયો ગઢવી (રહે. આવાસ કવાર્ટર પુનીતનગર પાસે) અને જીજ્ઞેશ ઉર્ફ ભયુલી દિનેશભાઇ રાબા (રહે. આશાપુરાનગર)ને પકડી લઇ ગુનામાં ઉપયોગમાં લેવાયેલુ વાહન અને તમંચો કબ્જે કરાયા છે. વધુ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત મકરસંક્રાંતિના તહેવાર વખતે પેંડાના સાગરીત એવા પરેશ ઉપર જંગલેશ્વરના નામચીમ સમીર ઉર્ફ મુરઘાએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતી જંગલેશ્વરના શખ્સની ગર્લફ્રેન્ડ મામલે માથાકુટ થઇ હતી. આ બાબતે ચાલતા માથાકુટમાં હવે સમીર ઉર્ફ મુરઘાના મિત્ર શાહનવાઝ પર ભડાકા કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. (૧૪.૧૯)
(3:32 PM IST)










