News of Tuesday, 19th August 2025
સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે ચાના થડે ઢળી પડતાં બચુભાઇનું મોત
વર્ષોથી ગેઇટ પાસે ચા વેંચતા હતાં: પરિવારનો એકનો એક આધાર હતાં: મનહરપુરના ગમારા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: હૃદય રોગના હુમલાની વધુ એક જીવલેણ ઘટનામાં જામનગર રોડ મનહરપુર-૧માં રહેતાં બચુભાઇ મોરભાઇ ગમારા (ઉ.વ.૫૮) સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પોતાના ચાના થડે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં મોત થયું હતું.
બચુભાઇ ગમારા સવારે નવેક વાગ્યે ચા બનાવી રહ્યા હતાં ત્યારે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ પડી ગયા હતાં. તેમને સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં લઇ જવાયા હતા. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર પરિવારનો એકનો એક આધારસ્તંભ હતા. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા અને પ્રકાશભાઇ રાઠોડે પ્ર.નગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(4:08 PM IST)










