News of Tuesday, 19th August 2025
રેસકોર્ષના શોૈર્યનો સિંદુર લોકમેળામાં 'આંગળીના ઇલમીઓ'એ ૭૫ મોબાઇલ અને પર્સ બઠ્ઠાવી લીધા
નશો કરી રખડતાં, શંકાસ્પદ ખિસ્સાકાતરૂઓ, પજવણી કરનારા ૫૦ જેટલાને ઉઠાવી પ્ર.નગર પોલીસે ખોખરા કર્યાઃ અન્ય ટીમો સાથે પીઆઇ વી.આર. વસાવા અને ટીમનું સઘન પેટ્રોલીંગ

રાજકોટ તા. ૧૯: શહેરના રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલા શોૈર્યનો સિંદુર લોકમેળામાં લોકોએ પાંચ દિવસ મનભરીને મોજ માણી હતી. ઝરમર વરસાદ વચ્ચે પણ લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડયા હતાં. સમગ્ર પોલીસની ટીમોનો મેળામાં ખાસ બંદોબસ્ત હતો. આ ઉપરાંત પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા અને તેમની ટીમો પણ સતત પેટ્રોલીંગ કરતી હતી. લાખોની સંખ્યામાં ઉમટી પડેલા સહેલાણીઓની સાથે સાથે આંગળીના ઇલમીઓએ પણ મેળામાં ધામા નાખ્યા હતાં. આવા ઉઠાવગીરીઓએ ૫૦ જેટલા મોબાઇલ ફોન અને ૨૫ જેટલા પર્સ ચોરી લીધા હતાં. પોલીસે શંકાસ્પદ જણાતાં પચાસેક શખ્સોને ઉઠાવી આકરી પુછતાછ કરી હતી.
પાંચ દિવસ સુધી મેળાની અંદર, બહાર શહેર પોલીસની સરહાનીય બંદોબસ્ત કામગીરી રહી હતી. સતત પેટ્રોલીંગ કરી પોલીસે ચોરઉચક્કાઓ પર સતત નજર રાખી હતી. આવા ૫૦થી વધુ શકમંદોને ઝડપી લીધા હતાં. જેમાં કેટલાક નશાની હાલતમાં હતા કોઈ ખિસ્સાકાતરૂઓ હતા તો કેટલાક યુવતી-મહિલાઓની પજવણી કરતા હોય તેઓને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ લોક મેળા દરમિયાન ૨૫ થી વધુ લોકોના પાકીટ ચોરાયા હતા તો ૫૦થી વધુ મોબાઈલ ગુમ થયા હતા. જે પૈકી ચાર શખસોને પોલીસે રંગેહાથ ઝડપી મુળ માલિકને મોબાઈલ પરત અપાવ્યા હતા.
શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, અને ડીસીપીઝોન-૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ મથકના પીઆઇની રાહબરી હેઠળ લોકમેળામાં પોલીસ જવાનો ઉપરાંત ટ્રાફિક વોર્ડન, હોમગાર્ડ જવાનો અને એસઆરપીના જવાનો મળી ૬૫૦ થી વધુ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા આ લોકમેળા દરમિયાન પોલીસ દ્વારા સવારના આઠથી રાત્રિના મેળો પૂરો થાય ત્યાં સુધ ી સતત ખડેપગે રહી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ વીઆર વસાવાની રાહબરી હેઠળ ડી. સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળી ૫૦ જેટલા શકમંદોને ઉઠાવી લીધા હતા. જે શકમંદોમાં કેટલાક દારૂ પીધેલા હોવાનું તો કેટલાક ખિસ્સા કાતરવાની તૈયારીમાં હતાં.
લોકમેળા દરમિયાન ભીડમાં પાંચ દિવસ દરમિયાન ૧૫૦ થી વધુ બાળકો ગુમ થયા હતાં. પોલીસ તુરંત તેમની મદદે આવી તેમની માહિતી મેળવી આવા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ બાળકો પૈકી ચાર બાળકો એવા હતા કે, જેઓના પરિવારજનો અહીં મેળામાં હાજર ન હોય જેથી પોલીસે તેમના ઘરની માહિતી મેળવી આ ચાર બાળકોને તેમના ઘરે જઈ પરિવારને સોંપ્યા હતા.
(4:09 PM IST)










