<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

તપ, ત્‍યાગ, આરાધનાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષર્ણનો પ્રારંભઃ જૈનોમાં ધર્મોલ્લાસ

આત્‍મનિરીક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ ભકિત સંગીત, પૂ. ગુરૂભગવંતોની પ્રેરક પ્રવચનવાણી : જૈનો દ્વારા આરાધનાની હેલી સર્જાશે

પર્યુંષણ મહાપર્વે દેરાસરોમાં મનમોહક શણગાર - પ્રભુજીને નયનરમ્‍ય આંગીઃ રાજકોટ, જૈનોના મહાપર્વ પર્યુંષણનો આજથી મંગલ પ્રારંભ થયો છે. સમસ્‍ત જૈન સમુદાય જિન ભકિતમાં લીન બન્‍યો છે. તપ-આરાધના આરંભી છે. શહેરના વૈશાલીનગર તથા પંચવટી દેરાસર ખાતે શણગાર કરાયો છે. પંચવટી દેરાસરમાં બિરાજમાન મૂળનાયક શ્રી સિમંધર સ્‍વામીને નયનરમ્‍ય આંગી રચવામાં આવી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા.૨૦: તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે.  પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્‍મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ - આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્‍યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્‍ઠાનો થશે. આઠ - આઠ દિવસ જૈનોમાં તપ અને ત્‍યાગનો મહિમા ગવાશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્‍માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્‍પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્‍મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્‍વપ્‍ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્‍વપ્‍નાની ઉછામણી - બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે - ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે. ત્‍યારબાદ તા.૨૭ ને બુધવારે સંવત્‍સરી પર્વ  જૈનો ઉજવશે.

જીનાલયોને રોશની અને કમાન - તોરણથી સુશોભિત બનાવાયા છે. આજ પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્‍નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્‍યાખ્‍યાન પરમાત્‍માને ભવ્‍યાતિભવ્‍ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક - શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષાો પહેરીને દરેક ધર્માનુષ્‍ઠાનમાં ભાગ લેશે.

આજથી પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં ઠેર-ઠેર તપ, ત્‍યાગ અને આરાધનાનો માહોલ ઉભો થયો છે.

શ્રમજીવી સંઘ

શ્રમજીવી સંઘમાં ચાતુર્માસની ભવ્‍ય આરાધના થઈ રહેલ છે. હાલ સંઘમાં કલાપુર્ણ સુરીશ્‍વરજી સમુદાયના આજ્ઞાનુવર્તી શિષ્‍યા પ.પૂ.પ્રવર્તિનીજી શ્રી વિજયલતા શ્રીજી મ.સા. આદિ થાણા તથા ધર્મસૂરી સમુદાયના શિષ્‍યા પ.પૂ.જીજ્ઞારસાશ્રીજી મ.સા. ચાતુર્માસ અર્થે બીરાજે છે. ઉપરાંત પર્યુષણ પર્વમાં ધર્મની હેલી વરસાવવા માટે પન્‍યાસ પ્રવર પ.પૂ. જગતશેખર મ.સા.ના કૃપાપાત્ર શિષ્‍યો શ્રી અજયશેખર મ.સા. તથા મેરૂશેખર મ.સા. ખાસ પધારેલ છે.

પર્યુષણ પર્વ દરમ્‍યાન વ્‍યાખ્‍યાન સવારે ૯ વાગ્‍યાથી તથા ભાઈઓનું પ્રતિક્રમણ સાંજે ૭:૧૫ વાગ્‍યે, ભાઈઓ માટે ખાસ વ્‍યાખ્‍યાન સાંજે ૮:૪૫ વાગ્‍યે થશે. દરરોજ સાંજે ૬:૪૫ વાગ્‍યે દહેરાસરમાં સંધ્‍યાભકિત, પ્રભુ મહાવીરસ્‍વામીનું જન્‍યવાંચન સુપન ઉછોમણી સવારે ૯:૩૦ વાગ્‍યાથી તથા સવંત્‍સરિ પ્રતિક્રમણ અંધ મહિલા વિકાસ ગૃહમાં બપોરે ૩ વાગ્‍યાથી થશે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્‍ટીઓ તથા નિલેશભાઈ શાહ, મૌલિકભાઈ મહેતા પ્રયત્‍નશિલ છે. (રર.ર)

(2:57 PM IST)