<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જુના યાર્ડ પાસે રાત્રે ૪ ટ્રાવેલ્‍સ બસો પર પથ્‍થરમારો થતાં કાચ ફૂટયા, ટ્રાફિકજામ

સોમનાથ, કેશોદ, મેંદરડાથી સુરત જઇ રહેલી જય વૃજ, દર્શન, સંતકૃપા, જય જલારામ ટ્રાવેલ્‍સની બસો નિશાન બની છેલ્લા એકાદ મહિનાથી કોઇ આવારા તત્‍વો કે ટીખળીયાઓ આ રીતે બસ, ટ્રક પર ગમે ત્‍યારે પથ્‍થરના ઘા કરતાં હોવાનો રોષઃ આજીડેમ પોલીસને લેખિત અરજી અપાતાં તપાસ

રાજકોટ તા. ૨૦: શહેરના જુના માર્કેટ યાર્ડ નજીકના રોડ પર રાત્રીના સવા દસ આસપાસ કોઇ અજાણ્‍યા શખ્‍સોએ અંધારામાંથી રોડ પરથી પસાર થઇ રહેલી ખાનગી ટ્રાવેલ્‍સની ચાર બસો પર પથ્‍થરોના ઘા કરતાં આગળના કાચ ફુટી ગયા હતાં. એક બસમાં સાઇડના દરવાજાનો કાચ પણ ફુટી ગયો હતો. ઓચીંતા પથ્‍થરમારાને કારણે મુસાફરો, ડ્રાઇવર, ક્‍લીનરોમાં ભય ફેલાઇ ગયો હતો. આ અંગે આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ અરજી આપવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના દસથી સવા દસ વચ્‍ચે સોમનાથ, કેશોદ, મેંદરડા, રાજકોટથી સુરત જવા નકળેલી જય વૃજ ટ્રાવેલ્‍સ, દર્શન ટ્રાવેલ્‍સ, સંતકૃપા ટ્રાવેલ્‍સ અને જય જલારામ ટ્રાવેલ્‍સની લક્‍ઝરી બસો આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ આગળ વધી રહી હતી ત્‍યારે જુના માર્કેટ યાર્ડ નજીક પહોંચી તે વખતે ચારેય બસો પર પથ્‍થરોના ઘા આવતાં આગળના કાચ ફૂટયા હતાં. એક બસમાં સાઇડનો દરવાજા પાસેનો કાચ પણ ફુટી જતાં ચાલકોએ બસ ઉભી રાખી દીધી હતી અને જે તરફથી પથ્‍થરના ઘા આવ્‍યા તે તરફ તપાસ કરી હતી. પણ અંધારામાં કોઇ નજરે ચડયું નહોતું.

જય વૃજ ટ્રાવેલ્‍સના સંચાલક હિરેનભાઇ ગજેરાએ કહ્યું હતું કે છેલ્લા એકાદ મહિનાથી આવા બનાવ બની રહ્યા છે. જેમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસો કે ટ્રક ઉપર આ રીતે કોઇ ટીખળીયાઓ કે તોફાની તત્‍વો અથવા તો નશાખોરો દ્વારા પથ્‍થરના ઘા થઇ રહ્યા છે. ક્‍યારેક આના કારણે બસ પલ્‍ટી પણ ખાઇ જાય તેવો ભય છે. રાતે જે ચાર બસો પર પથ્‍થરના ઘા થયા તે તમામ મુસાફરોને લઇ સુરત જવા નીકળી હતી. પથ્‍થરમારાને કારણે બસ ઉભી રાખી દેવામાં આવતાં થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ વી. એમ. બરાલીયા સહિતે પહોંચી તપાસ કરી હતી. ટ્રાવેલ્‍સ સંચાલકે હાલ પુરતી અરજી આપી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.  તસ્‍વીરમાં જેના પર પથ્‍થરના ઘા થયા તે બસો, બનાવને પગલે લોકોના ટોળા અને કેવો પથ્‍થર હતો તે બતાવી રહેલા ટ્રાવેલ્‍સ સંચાલક જોઇ શકાય છે. (૧૪.૫)

(2:13 PM IST)