<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

હાથીખાનાના ધીરૂએ વૃધ્‍ધ સામે મુછો ચડાવી ‘તમને બોવ હવા આવી ગઇ છે' કહી મારામારી કરી કપડા ફાડી નાંખ્‍યા

સોરઠીયા પ્‍લોટના ૬૬ વર્ષિય મહેન્‍દ્રભાઇ સરવૈયા ગુંદાવાડીથી ઘરે જતા'તા ત્‍યારે ખોડીયાર ટી સ્‍ટોલે પોતાના દિકરાને જોઇ ચા પીવા ઉભા ત્‍યારે હાથીખાનાના શખ્‍સે ડખ્‍ખો કર્યોઃ એટ્રોસીટી હેઠળ એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૦: શહેરના સોરઠીયા પ્‍લોટમાં રહેતાં વૃધ્‍ધ કેનાલ રોડ પરથી નીકળ્‍યા ત્‍યારે ખોડીયાર ટી સ્‍ટોલ ખાતે તેનો દિકરો ચા પીવા ઉભો હોઇ પોતે પણ ત્‍યાં જતાં આ વખતે હાથીખાનાના શખ્‍સે આ વૃધ્‍ધ પાસે આવી તેની સામે મુછો ચડાવતાં વૃધ્‍ધે મારી સામે મુછો ન ચડાવો અને દૂર જાવ તેમ કહેતાં આ શખ્‍સે તેમને બોવ હવા આવી ગઇ છે કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઝપાઝપી મારામારી કરી કપડા ફાડી નાંખતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જીલ્લા ગાર્ડન ચોક સોરઠીયા પ્‍લોટ શેરી નં. ૩માં રહેતાં મહેન્‍દ્રભાઇ જીવણભાઇ સરવૈયા (ઉ.વ.૬૬)ની ફરિયાદ પરથી હાથીખાના રામનાથપરામાં રહેતાં ધીરૂ દેવાયતભાઇ હેરભા વિરૂધ્‍ધ મારામારી એટ્રોસીટીનો ગુનો નોંધ્‍યો છે.

મહેન્‍દ્રભાઇ સરવૈયાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નિવૃત જીવન જીવુ છું. મંગળવારે સાંજે પાંચક વાગ્‍યે હું મારુ એક્‍ટીવા નં. જીજે૦૩એફએમ-૯૪૪૦ હંકારીને ગુંદાવાડીમાં કપડા બદલવા ગયો હતો. કપડા બદલાવીને પરત ઘરે જતો હતો ત્‍યારે કેનાલ રોડ પર મહેશ ડેરી સામે આવેલ ખોડીયાર ટી સ્‍ટોલ ખાતે મારો દિકરો વિપુલ ચા પીતો હોઇ હું ત્‍યાં દિકરા પાસે ઉભો હતો. અહિ હું અવાર-નવાર ચા પીવા આવતો હોઉ અહિ હાથીખાનાનો ધીરૂ હેરભા પણ આવતો જતો હોઇ હું તેને ઓળખુ છું.

હું અને મારો દિકરો ચા પીવા ઉભા હતાં ત્‍યારે ધીરૂએ મારી પાસે આવીને મુછો ચડાવી હતી જેથી મેં તેને મારી સામે મુછો ન ચડાવો અને અહિથી જતાં રહો તેમ કહેતાં ધીરૂ ઉશ્‍કેરાઇ ગયેલ અને તને બોવ હવા આવી ગઇ છે કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ગાળો દઇ ઢીકાપાટુ મારવા માંડયો હતો. મારી બોચી પકડી ઝપાઝપી કરી મારા કપડા પણ ફાડી નાખ્‍યા હતાં. આ વખતે મારા દિકરા વિપુલે વચ્‍ચે પડી મને વધુ મારથી છોડાવ્‍યો હતો. માણસો ભેગા થઇ જતાં ધીરૂ હેરભા ત્‍યાંથી ભાગી ગયો હતો. બાદમાં હું અને મારો દિકરો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને ફરિયાદ કરી હતી.

પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણ ગુનો દાખલ કરતાં આગળની તપાસ એસીપીશ્રીની રાહબરીમાં હાથ ધરવામાં આવી છે. 

(1:24 PM IST)