તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
પૈસા નહિ દે તો તને ને તારા ભાઇને એટ્રોસીટીમાં ફસાવી દઇશ...રૈયાધારના રોહિત જોગરાણાને કરણની ધમકી
તમને પૈસાની બહુ હવા છે હવે સમજી લેવુ છે, ભગો થા એટલે છરીના ઘોદા મારી દેવા છે...કહી ધમકીઓ દીધી રોહિતના ભાઇ ગોપાલ સાથે અગાઉ કરણે પૈસા મામલે ઝઘડો કર્યો હોઇ ખાર રાખી રોહિત સાથે માથાકુટ કરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: પૈસા મામલે રૈયાધારના રિક્ષાચાલકને અગાઉ રૈયાધારના યુવાન સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી આ યુવાનના નાના ભાઇને ફોન કરી તમને પૈસાની બહુ હવા આવી ગઇ છે, હવે સમજી લેવુ છે, ભેગો થા એટલે છરીના ઘોદા મારી દેવા છે, તને અને તારા ભાઇને એટ્રોસીટીમાં ફસાવી દેવો છે તેમ કહી ધમકી દઇ તેમજ સમાધાન કરવું હોય તો પૈસા આપવા પડશે કહી ડરાવતાં ધમકાવતાં યુવાને આ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળાની બાજુમાં રહેતાં રોહિત મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી રૈયાધારમાં જ રહેતાં કરણ નિતીનભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રોહિત પરિવાર સાથે રહે છે અને મ્યુ. કોર્પોશેન વોર્ડ નં. ૧માં કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે અગાઉ મારા ભાઇ ગોપાલભાઇને કરણ મકવાણા સાથે પૈસા બાબતે માથાકુટ થઇ હોઇ મનદુઃખ ચાલતું હતું. ગત તા. ૬ના સાંજે સાતેક વાગ્યે હું અને મારો ભાઇ ગોપાલભાઇ તથા મિત્રો રૈયાધાર પાણીના ટાંકાની બાજુના રોડ પર મોબાઇ પાન પાસે ઉભા હતાં અને જન્માષ્ટમી તહેવારની ઉજવણીનું આયોજન કરતાં હતાં ત્યારે કરણ ત્યાં રિક્ષા લઇને આવ્યો હતો અને મોમાઇ પાનમાંથી ફાકી લેવા ગયો હતો. આથી હું ત્યાંથી નીકળી ગયો હતો અને આગળ રોડ પર ઉભો રહ્યો હતો.
બાદમાં મોમાઇ પાનવાળા સતિષભાઇનો મને ફોન આવ્યો હતો કે કરણ મકવાણા અત્યારે મારી દુકાને આવ્યોહ તો અને તે તારુ નામ તથા તારા ભાઇ ગોપાલભાઇનું નામ લઇને કહેતો હતો કે-રોહિત અને ગોપાલ ઉપર એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરી છે, અને મારી પત્નિને સાથે લઇ જઇ છેડતીનો કેસ પણ કરાવવો છે. આવી વાતો કરી તે ઉગ્ર થઇ નીકળી ગયો છે.
આ પછી થોડીવાર બાદ કરણે મને ફોન કર્યો હતો અને તમને પૈસાની બહુ હવા આવી ગઇ છે, હવે તમારી સાથે સમજી લેવુ છે કહી ગાળો દીધી હતી અને મને કહેલુ કે તું અત્યારે મને ભેગો થા એટલે તને છરીના ઘોદા મારી દેવા છે, તારા ઉપર હવે એટ્રોસીટી કરી ફીટ જ કરાવી દેવો છે તેવી ધમકી પણ આપી હતી. આથી મેં તેને શાંત થવા અને રૂબરૂ મળવા વાત કરવા કહ્યું હતું. બીજા દિવસે કરણે ફરીથી મને ફોન કરી તું ક્યાં છો? કહેતાં મેં કોર્પોરેશન ખાતે પગાર લેવા જાઉ છું, થોડીવારમાં આવીને આપણે સમાધાન કરી લઇએ તેમ કહેતાં કરણે હવે સમાધાન કરવું હોય તો તારે મને પગારના રૂપિયા આપવા પડશે તો જ સમાધાન થશે, નહિતર તારા ઉપર અને તારા ભાઇ ઉપર હું એટ્રોસીટીની ફરિયાદ કરીશ. તેવી ધમકી આપી હતી.
અગાઉ કરણે મારા ભાઇ ગોપાલભાઇ સાથે પૈસા મામલે માથાકુટ કરી હોઇ તેનો ખાર રાખી મને ફોન પર ગાળો દઇ છરીના ઘોદા મારી દેવાની અને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં રોહિતે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:24 PM IST)










