તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
દિલ્હીના સીએમને લાફો મારનાર રાજકોટના રાજેશના માતાએ કહ્યું-રખડતા કૂતરાઓનો વિડીયો જોઇ દુઃખી થતાં એ દિલ્હી ગયો હશે :જુઓ વિડીયો
મારો દિકરો પશુપ્રેમી છે, એને પશુની હોસ્પિટલ કરવી છે...કૂતરાઓના સમાચાર સાંભળી ઘરમાં શેટી ભાંગી જાય એવા હાથ પછાડયા હતાં : અમને ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને નીકળ્યો હતોઃ કાલે તેના પિતાએ ફોન કરતાં દિલ્હી હોવાનું કહ્યું હતું: મુખ્યમંત્રીને મારી લીધુ એમાં અમારે તો શું કહેવું, ઘરમાં અમને પણ ગમે ત્યારે મારકુટ કરી લે છેઃ તેને માનસિક તકલીફ જેવું છેઃ આજીડેમ પોલીસે પરિવારજનો પાસે માહિતી મેળવી : કોઠારીયા રોડ પરની ગોકુલપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો રાજેશ ખીમજીભાઇ સાકરીયા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છેઃ સંતાનમાં એક દિકરો છે

તસ્વીરમાં રાજકોટના કોઠારીયા ગોકુલપાર્કમાં આવેલુ રાજેશ સાકરીયાનું ઘર, ત્યાં એકઠા થયેલા લોકો તેમજ તપાસ માટે પહોંચેલા આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજા સહિતનો સ્ટાફ અને દિકરા વિશે વિગતો આપતાં માતા ભાનુબેન સાકરીયા (નીચે સોૈથી છેલ્લે) જોઇ શકાય છે. (ફોટોઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૦: નવી દિલ્હી ખાતે જનસુનાવણી કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો મારી લેનારો યુવાન રાજકોટનો રાજેશ સાકરીયા હોવાનું ખુલતાં અને તે કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતાં આજીડેમ પોલીસ રાજેશના ઘરે પહોંચી હતી અને તેના પરિવારજનોના નિવેદન લીધા હતાં. રાજેશના માતાએ કહ્યું હતું કે-મારો દિકરો રાજેશ પશુપ્રેમી છે, તેને પશુની હોસ્પિટલ કરવી છે. રખડતા કૂતરાઓનો વિડીયો તેણે જોયો હતો ત્યારે તેણે દુઃખી થઇ ઘરમાં શેટી-પલંગ ભાંગી જાય એ રીતે જોર જોરથી હાથ પછાડયા હતાં. આ વિડીયો જોઇને તે દુઃખી થયો હતો અને કદાચ આ કારણે દિલ્હી ગયો હશે. અમને તો તે ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને ગયો હતો.
દિલ્હીના મુખ્યમંત્રીને લાફો મારી લેનાર રાજેશ ખીમજીભાઇ સાકરીયા રાજકોટના કોઠારીયાના ગોકુલપાર્ક-૨માં રહે છે. તેના માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે રાજેશ પશુ પ્રેમી છે, દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગેનો વિડીયો-સમાચાર તેણે જોયા હતાં આ વખતે તે શેટી પર બેઠો હોઇ ગુસ્સે થઇ શેટીમાં જોર જોરથી હાથ પછાડવા માંડયો હતો અને દુઃખી થઇ ગયો હતો. આ પછી તે ગયા રવિવારે ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને નીકળ્યો હતો. તે મહાદેવનો ભક્ત હોઇ અવાર-નવાર ઉજ્જૈન જતો રહે છે. ગઈકાલે અમે ફોન કરતા રાજેશે હું દિલ્લી આવ્યો છું કુતરા માટે આવ્યો છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. મારો દિકરો કૂતરાનો પ્રેમી છે, ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. મારો દિકરો પરણેલો છે અને તેને એક દિકરો છે.
ભાનુબેને વધુમાં કહ્યું હતું કે દિકરો અગાઉ દારૂ પીવાની આદત ધરાવતો હતો. પણ પાંચ વર્ષથી મુકી દીધો છે અને તેનું મગજ તામસી થઇ ગયું છે, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્યારે ગુસ્સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો હોય છે. મારા દિકરો પશુ પ્રેમી છે તેને પશુની હોસ્પિટલ પણ બનાવવી છે આ માટે તે અલગ અલગ આગેવાનોને પણ મળતો હતો. તેમને પશુ હોસ્પિટલ રાજકોટમાં બનાવી છે તેવી વાતો પણ કરતો હતો. પડોશીએ કહ્યું હતું કે રાજેશ સાકરીયા પશુ પ્રેમી છે, પડોશમાં કોઇ સાથે માથાકુટ કરતાં નથી. પશુ પ્રેમના કારણે જ કદાચ તેણે દિલ્હી જઇને આમ કર્યુ હોઇ શકે.
રાજેશ સાકરીયા પોતે રિક્ષાચાલક છે અને તેના પિતા તથા ભાઇ પણ રિક્ષા હ઼કારે છે. પત્નિનું નામ ઉષાબેન છે જે હાલ અમદાવાદ હોઇ તેઓ પણ ઘટનાની જાણ થતાં રાજકોટ આવવા નીકળી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે આજે બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. તેને થપ્પડ મારનાર શખ્સ રાજેશ સાકરીયા રાજકોટ કોઠારીયા વિસ્તારમાં રહેતો હોવાની જાણ થતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, ડી. સ્ટાફ ટીમ તેના ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૃછા કરી હતી. બનાવને પગલે મિડીયા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં રાજેશના ઘરે પહોંચી ગયા હતાં. (૧૪.૯)
(2:56 PM IST)










