News of Wednesday, 20th August 2025
ધમકી આપ્યાના બનાવમાં રજવાડી ગરબા ક્લાસીસના હાર્દિકસિંહની વકિલ ધર્મેશ ચોક્સી વિરૂધ્ધ વળતી ફરિયાદ
કેમ ગાડી હટાવવી પડી ને, તમારા જેવા લુખ્ખાઓને કેમ સીધા કરવા એ મને આવડે છે, તને તો મારી જ નાખવાનો છું કહી ધમકી દીધાનો ફરિયાદમાં હાર્દિકસિંહનો આરોપ :કાલાવડ રોડ શ્રીજી હોટલ પાસે આડેધડ વાહનો પાર્ક કર્યા હોઇ વકિલે પોલીસ બોલાવતાં ખાર રાખી તેમને સાત શખ્સોએ ધમકી આપ્યાની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી

રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ શ્રીજી હોટલ પાસે આડેધડ રોડ પર વાહનો પાર્ક કરાયા હોઇ જગન્નાથ પ્લોટ શેરી નં. ૨/૪ના ખુણે અમરનાથ મહાદેવ મંદિરવાળા રોડ પર રહેતાં એડવોકેટ ધર્મેશભાઇ યશવંતભાઇ ચોક્સી (ઉ.વ.૪૭)એ પોલીસ બોલાવી વાહનો દુર કરાવતાં ખાર રાખી હાર્દિકસિંહ રાઠોડ સહિતનાએ તેમને ધમકી આપી હતી. આ ગુનામાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગરબા ક્લાસીસના સંચાલક હાર્દિકસિંહની ફરિયાદ પરથી વકિલ સામે પણ ધમકી દીધાનો વળતો ગુનો દાખલ કરાયો છે.
તાલુકા પોલીસે જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ વસંત વાટીકા પાસે આર્યશ્રી-૨, સી-૪૦૧ ખાતે રહેતાં અને ગરબા ક્લાસ ચલાવતાં હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી એડવોકેટ ધર્મેશ ચોક્સી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
હાર્દિકસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રજવાડી ગરબા ક્લાસીસ ચલાવુ છું. ૧૮મીએ રાતે સાડા બારેક વાગ્યે હું અને મારા મિત્રો ઋષીરાજસિંહ ઝાલા, વિજયભાઇ ધાંધલ, ધનંજય પવાર, જયદીપ ટીમાનીયા સહિતના બધા કાલાવડ રોડથી આગળ શ્રીજી હોટલ પાસે ચોકમાં પુલ નીચે ડિવાઇડર પાસે અમારી ગાડી પાર્ક કરી ચા પીવા ઉભા હતાં. આ વખતે એક ભાઇએ આવીને જણાવેલુ કે-મારુ નામ ધર્મેશ ચોક્સી છે અને હું એડવોકેટ છું, આ પૂલ નીચે ગાડી પડી છે એ કોની છે, એ ગાડી લઇ લ્યો મને નડે છે. આથી મેં તેને કહેલુ કે અહિથી આખી બસ નીકળી જાય એટલી જગ્યા છે, તમારુ ટુવ્હીલર તો આરામથી નીકળી જશે, અમે ચા પીવા જ ઉભા છીએ અને હમણા જ નીકળી જઇશું.
આ વાત કર્યા પછી અમે અમારા વાહન ત્યાંથી લઇ લીધા હતાં. આમ છતાં એ ભાઇએ પોલીસને ફોન કરી ગાડી બોલાવી હતી. ગાડી આવી ત્યારે બીજા બે વાહન ત્યાં પડયા હતાં તે પોલીસે સાઇડમાં લેવડાવ્યા હતાં. ધર્મેશભાઇની દિકરી સાથે મારા મિત્ર સાગરે એક વર્ષ પહેલા લવમેરેજ કર્યા હોઇ જેથી હું તેમને ઓળખુ છું. પોલીસ નીકળી ગયા પછી ધર્મેશ ચોક્સીએ કહેલુ કે તમારે કંઇ કામ હોય તો ગિરીરાજ હોસ્પિટલ પાસે પાનની દુકાન છે તયાં આવી જજો.
આથી હું અને ઋષીરાજ ત્યાં શક્તિ હોટલ ખાતે ગયા હતાં ત્યારે ધર્મેશ ચોક્સી પણ ત્યાં હતાં. તેણે મને કહેલુ કે-કેમ ગાડી લેવી પડી ને તમારા જેવા લુખ્ખાઓને કેવી રીતે સીધા કરવા એ મને આવડે છે, મારી દિકરી ભાગી ગઇ તેમાં તારો જ હાથ છે, તને તો હું મારી જ નાખવાનો છું તેમ કહી મને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગાળો દીધી હતી. આથી હું અને મિત્ર ઋષીરાજસિંહ ત્યાંથી નીકળી ગયા હતાં. ત્યારબાદ મેં મારા મોટાભાઇ વિજયભાઇ ધાધલ અને તેમના બે મિત્રો જયદિપ ટીમાનીયા, ધનજય પવાર એમ ત્રણેયને ધર્મેશ ચોકસી પાસે તેને સમજાવવા અને સમાધાનની વાત કરવા મોકલ્યા હતાં. આ લોકોએ તેમને સમજાવેલ કે આ નાના છોકરાઓ છે, તમે સિનીયર સીટીઝન છો, જેથી વાત પુરી કરીએ, અમે બીજુ કંઇ કરવા નથી માંગતા. પણ આ સાંભળી ધર્મેશ ચોકસીએ આ ત્રણેયની સાથે પણ ગાળાગાળી અને માથાકુટ કરી કહેલુ કે-મારો મોગ અત્યારે ઠેકાણે નથી, ખોટો હું તમને મારી લઇશ તેમ કહેતાં ત્યાં દુકાને હાજર લોકોએ તેમને છુટા પાડયા હતાં. આથી આ ત્રણેય પણ ત્યાંથી નીકળી ગયા હતાં.
ત્યારબાદ હું શ્રીજી હોટલ પાસે હતો ત્યારે ધર્મેશ ચોક્સીએ ફરીથી પોલીસ બોલાવી હતી. જેથી અમે પોલીસ સ્ટેશને આવ્યા હતાં અને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં હાર્દિકસિંહે કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભોજભાઇ મોભ સહિતે ગુનો નોંધ્યો છે. (૧૪.૭)
(2:11 PM IST)










