News of Wednesday, 20th August 2025
રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી પાંચ વર્ષથી ફરાર યશપાલ ઝડપાયો
મુળ મુંબઇના શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે અમદાવાદથી દબોચ્યો

રાજકોટ તા.૨૦: શહેરની મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર રજા મેળવી બહાર આવ્યા બાદ પાંચ વર્ષથી ફરાર મુળ મુંબઇના શખ્સને શહેર પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી લીધો હતો.
મુંબઇ ઇસ્ટ વિરારમાં સાઇનાથ રોડ પર તારાદેવી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩માં રહેતાં અને હાલ અમદાવાદ ભાગ્યલક્ષ્મી સોસાયટી-૪માં રાણીપ વિસ્તારમાં રહેતાં યશપાલ રૂપારામ ચોૈહાણ (ઉ.વ.૩૩) નામના શખ્સને તે પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હોઇ અમદાવાદથી ઝડપી લેવાયો છે. આ શખ્સ વિરૂધ્ધ મુંબઇના એલટી માર્ગ પોલીસમાં ઠગાઇનો ગુનો વર્ષ ૨૦૧૯માં નોંધાયો હતો. આ શખ્સ રાજકોટ જેલમાંથી પાંચ વર્ષ પહેલા પેરોલ રજા પર છુટયા પછી ફરાર થઇ ગયો હતો.
હાલ આ શખ્સ અમદાવાદ રહેતો હોવાની બાતમી મળતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. તેને પકડીને રાજકોટ જેલમાં સોંપવામાં આવ્યો હતો.
(4:15 PM IST)










