<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ભૂલને કબૂલવું તે ભૂલને સુધારવાનુ પ્રથમ પગથિયું છેઃ રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

ગિરનાર ધરાએ પૂ. પરમગુરૂદેવના સાંનિધ્‍યે પ્રભુ પોકારના વધામણે પધાર્યા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ

રાજકોટ, તા. ર૦: આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ અને આત્‍મશુદ્ધિના પ્રેરણાદાયક સંદેશો સાથે પારસધામ-ગિરનારની પવિત્ર ધરા પર રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ભવ્‍ય આરંભ થયો. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, કોલકાતા, બેંગ્‍લોર, હૈદ્રાબાદ, દિલ્‍હી, ચેન્નાઈ સહિત ભારતભરના હજારો ભાવિકો ઉપરાંત અમેરિકા, દુબઈ, સિંગાપુર, લંડન વગેરે દેશોના લાખો ભાવિકોએ પ્રત્‍યક્ષ તથા લાઈવ માધ્‍યમથી પર્યુષણ મહાપર્વનો લાભ લીધો.

‘ઘરના વાસ્‍તુને ઘણીવાર જોવામાં આવે છે, હવે હૃદયના વાસ્‍તુને ચેક કરવાની જરૂર છે. કયા ખૂણે કયા કર્મનો ભાર છે?'ラઆવા અંતર ઊંડાણ સુધી ઊતરતા પ્રભુબોધ સાથે ગુરુદેવે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ બોધમાં ફરમાવ્‍યું કે ભૂલને કબૂલવું તે ભૂલને સુધારવાનુ પ્રથમ પગથિયું છે. ‘આપણી ભૂલોની આલોચના શાહીથી નહીં પરંતુ આંસુથી અને દિલના ભાવથી લખવાથી પ્રભુ તેનો સ્‍વીકાર કરે છે.' આ હૃદયસ્‍પર્શી સંદેશ સાથે ગુરુદેવે ભાવિકોને આહ્વાન આપ્‍યું કે પોતાના અંતરના ખૂણે-ખૂણે છુપાયેલા અહંકાર, ક્રોધ અને દોષોના ભારને ઉતારી આત્‍માને હળવો બનાવી પરમાત્‍મા સાથે એકાકાર થવા પર્યુષણ પર્વ છે.

‘મગજના ખૂણે-ખાંચરે પડેલી દ્વેષ, વેર અને દુર્ગુણોની લાશને હટાવી ક્ષમાભાવ અપનાવશો તો હૃદયમાંથી ભવોભવની લાશ દૂર થશે.' ક્ષમાભાવ અને પસ્‍તાવાના આ પ્રયોગ દ્વારા અનેક ભાવિકોએ હૃદય હળવું કરી આત્‍મશુદ્ધિનો પવિત્ર અનુભવ કર્યો. પર્યુષણ પર્વને અનોખી ભેટરૂપે ગુરુદેવના ગત વર્ષના પર્યુષણલક્ષી બોધપ્રવચનોના અક્ષર-આલેખન સ્‍વરૂપે તૈયાર થયેલી ત્રિભાષી અનમોલ પુસ્‍તિકા ‘તું છે તો' નું ભવ્‍ય અનાવરણ કરવામાં આવ્‍યું. ભાવિકોમાં આ પ્રસંગે ઉમંગ અને હર્ષ છવાયો.

વિશેષમાં, ‘ગ્‍લોબલ પર્યુષણ મહાપર્વ' અંતર્ગત પારસધામના વિશ્વભરના કેન્‍દ્રોમાં-યુ.એ.ઈ., યુ.એસ.એ., યુ.કે., સિંગાપુર, ઓસ્‍ટ્રેલિયા, મલેશિયા, કેનેડા, સ્‍વીડન, યુગાંડા, કેન્‍યા, સુદાનラસાંજે ૮ વાગ્‍યે લાઈવ માધ્‍યમથી ગુરુદેવના વિશિષ્ટ વિષયક રાત્રિબોધપ્રવચન તથા પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્‍તિપ્રેરક કાર્યક્રમોનું આયોજન થવાનું છે, જેનાથી ભારત તથા વિદેશના લાખો ભાવિકો ધન્‍યાતિધન્‍ય બનશે.

આ સમગ્ર ચાતુર્માસના પુણ્‍યવંતા લાભાર્થી માતુશ્રી કાશ્‍મીરાબેન કાંતિભાઈ શેઠ - હેતલબેન સંજયભાઈ શેઠ પરિવાર તરફથી સૌને પધારવાનું ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે

(3:44 PM IST)